ટ્રમ્પે કહ્યું- ‘અમે અધૂરું કામ પૂરું કરીશું
મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષે હવે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. ઈરાને ગુરુવારે ચેતવણી આપી છે કે જો અમેરિકા અને ઈઝરાયેલ સાથે લાંબું યુદ્ધ ચાલશે તો તે સમગ્ર વિશ્વના અર્થતંત્રને ‘તબાહ’ કરી દેશે. બીજી તરફ, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આક્રમક વલણ અપનાવતા શપથ લીધા છે કે તેઓ આ મિશનને ‘અંજામ’ સુધી પહોંચાડશે
હાર્મુઝની સામુદ્રધુનીમાં તણાવ અને તેલના ભાવમાં ઉછાળો : દુનિયાના પાંચમા ભાગના તેલ પુરવઠા માટે મહત્વની ગણાતી ‘સ્ટ્રેટ ઓફ હાર્મુઝ’ (Strait of Hormuz) માં ચાલી રહેલી લડાઈને કારણે ઊર્જા બજારમાં ભૂકંપ આવ્યો છે. ૨૮ ફેબ્રુઆરીએ ઈઝરાયેલ અને અમેરિકાના હુમલામાં ઈરાનના સર્વોચ્ચ નેતાના મોતના સમાચાર બાદ આ યુદ્ધ ફાટી નીકળ્યું છે. ઈરાની મિસાઈલ અને ડ્રોન હુમલાઓએ દરિયાઈ માર્ગે થતા વેપારને ઠપ કરી દીધો છે, જેના પરિણામે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલના ભાવમાં તોતિંગ વધારો થયો છે
ટ્રમ્પનું નિવેદન: ‘નિશાન બનાવવા માટે હવે કંઈ બાકી નથી’: કેન્ટુકીમાં એક ભાષણ દરમિયાન ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે, “અમે અધવચ્ચેથી પીછેહઠ કરવા માંગતા નથી.” તેમણે દાવો કર્યો હતો કે અમેરિકી દળોએ ઈરાનના ૨૮ માઈન-લેઈંગ જહાજોને નષ્ટ કરી દીધા છે અને હવે ઈરાન પાસે નિશાન બનાવવા જેવું કંઈ ખાસ બચ્યું નથી. જોકે, ઈઝરાયેલની સેનાએ સંકેત આપ્યો છે કે તેમની પાસે હજુ પણ ટાર્ગેટની યાદી લાંબી છે અને ઓપરેશન ચાલુ રહેશે
આર્થિક ફટકો અને વૈશ્વિક અસર : ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સ (IRGC) એ ધમકી આપી છે કે તેઓ હવે અમેરિકા અને ઈઝરાયેલના હિતો સાથે જોડાયેલા આર્થિક કેન્દ્રો અને બેંકો પર હુમલો કરશે. નિષ્ણાતોના મતે, જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે તો એશિયા અને યુરોપના દેશોમાં ખાતર અને ખાદ્ય ઉત્પાદન પર ગંભીર અસર પડશે. હાલમાં, પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સીએ તેના ઈમરજન્સી રિઝર્વમાંથી ૪૦ કરોડ બેરલ તેલ મુક્ત કરવાનો નિર્ણય લીધો છે
તો બીજી બાજુ દુબઈ એરપોર્ટ અને ઓમાનના સલાલાહ પોર્ટ પર થયેલા ડ્રોન હુમલાઓએ નાગરિક ઉડ્ડયન અને વેપાર ક્ષેત્રે પણ ફફડાટ ફેલાવ્યો છે