World

યુદ્ધ શરૂ થઈ ગયું: ટ્રમ્પની ધમકી બાદ ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ઈઝરાયલ સાથે યુદ્ધનું એલાન કર્યું

ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ અલી ખામેનીએ આજે બુધવારે (18 જૂન) સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક સંદેશમાં લખ્યું કે ઇઝરાયલ સાથે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાનના સુપ્રીમ લીડર ખામેનીએ ઇઝરાયલ સાથે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે આ મોટું નિવેદન આપ્યું છે. તેમણે X પર એક તસવીર પોસ્ટ કરીને લખ્યું. “મહાન હૈદરના નામે યુદ્ધ શરૂ થઈ ગયું છે.”

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ જાહેરાત પછી ઈરાને ઇઝરાયલ પર 25 મિસાઈલ છોડી છે. હૈદર એ નામ છે જેનો ઉપયોગ ઘણીવાર અલી માટે થાય છે. શિયા મુસ્લિમો તેમને પ્રથમ ઈમામ અને પ્રોફેટ મુહમ્મદના ઉત્તરાધિકારી માને છે.

આયતુલ્લાહ અલી ખામેનીએ કહ્યું કે અમે આતંકવાદી યહૂદી શાસનને કડક જવાબ આપીશું અમે તેમના પર કોઈ દયા નહીં બતાવીએ. બુધવારે એક અલગ પોસ્ટમાં, ખામેનીએ ઇઝરાયલને ચેતવણી આપી. તેમણે કહ્યું કે તેહરાન ઇઝરાયલી હુમલાઓનો કડક જવાબ આપશે. બંને રાષ્ટ્રો વચ્ચે હવાઈ હુમલાઓ આખી રાત ચાલુ રહ્યા હતા.

ઈરાન અને ઈઝરાયલ વચ્ચે છેલ્લા 6 દિવસથી હિંસક સંઘર્ષ ચાલી રહ્યો છે. ખામેનીની આ નવી પોસ્ટને યુદ્ધની સત્તાવાર ઘોષણા માનવામાં આવી રહી છે. એટલે કે હવે તેને સંઘર્ષને બદલે યુદ્ધ કે યુદ્ધ કહેવામાં આવશે. પશ્ચિમી મીડિયાના અહેવાલો અનુસાર, અમેરિકા પણ ટૂંક સમયમાં ઈરાન-ઈઝરાયલ યુદ્ધમાં જોડાઈ શકે છે.

દરમિયાન, અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાનું આહ્વાન કર્યાના એક દિવસ બાદ, બુધવારે સવારે ઈઝરાયલે ઈરાનની રાજધાની પર હવાઈ હુમલાઓ વધુ તીવ્ર બનાવ્યા. ઈઝરાયલે તેહરાનના બીજા વિસ્તાર પર હુમલાની ચેતવણી આપ્યા બાદ આ હુમલાઓ કરવામાં આવ્યા હતા.

આ ક્ષેત્રમાં અનિશ્ચિતતાનું વાતાવરણ છે. ઇઝરાયલી દ્વારા ઇરાનના લશ્કરી અને પરમાણુ સ્થળોને નિશાન બનાવતા હવાઈ હુમલાના છઠ્ઠા દિવસે તેહરાનમાં રહેતા મોટાભાગના લોકો પોતાના ઘર છોડીને ભાગી ગયા છે. અમેરિકાએ પશ્ચિમ એશિયામાં યુદ્ધ વિમાનો મોકલ્યા અને તે દરમિયાન ટ્રમ્પે આયાતુલ્લાહ અલી ખામેનીને ચેતવણી આપી કે તેઓ જાણે છે કે ઈરાનના સુપ્રીમ લીડર ક્યાં છુપાયેલા છે.

એક પોસ્ટમાં, ટ્રમ્પે ઈરાનને બિનશરતી શરણાગતિ સ્વીકારવાની અપીલ કરી. ટ્રમ્પે કહ્યું કે ઓછામાં ઓછું હાલ પૂરતું ખામેનીને મારવાની તેમની કોઈ યોજના નથી. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી (IAEA) એ મંગળવારે કહ્યું કે તેમનું માનવું છે કે ઈરાનના પરમાણુ સ્થળ પર ઇઝરાયલી હવાઈ હુમલાની સીધી અસર ત્યાંના ભૂગર્ભ સેન્ટ્રીફ્યુજ હોલ પર પડી હતી.

યુરેનિયમ માટે વપરાતા સેન્ટ્રીફ્યુજ રાખવા માટે બનાવવામાં આવેલી ભૂગર્ભ જગ્યાને ‘સેન્ટ્રીફ્યુજ હોલ’ કહેવામાં આવે છે. ઇઝરાયલ કહે છે કે ઇરાનને પરમાણુ શસ્ત્રો બનાવતા રોકવા માટે તેનો મોટો હુમલો જરૂરી છે. ઇરાને ઇઝરાયલ પર લગભગ 400 મિસાઇલો અને સેંકડો ડ્રોન છોડીને બદલો લીધો છે. ઇઝરાયલમાં અત્યાર સુધીમાં 24 લોકો માર્યા ગયા છે.

Most Popular

To Top