ચૂંટાયેલા સભ્યોમાં પક્ષપલટાની ચર્ચા વચ્ચે સંગઠન સજાગ
આમ આદમી પાર્ટી (AAP) દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પક્ષ દ્વારા તમામ ઉમેદવારો પાસેથી લેખિત બાંહેધરી લેવામાં આવી રહી છે કે તેઓ જીત્યા બાદ કોઈપણ સંજોગોમાં પક્ષપલટો નહીં કરે. ચૂંટાયેલા સભ્યોમાં પક્ષપલટાની ચર્ચા તેજ બનતા આ પગલું લેવામાં આવ્યું હોવાનું સૂત્રો જણાવે છે.
વર્ષ 2021ની સ્થાનિક સ્વરાજની ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના 27 જેટલા કોર્પોરેટર ચૂંટણી જીતી ભાજપમાં જોડાઈ ગયા હતા. આ ઘટનાએ પાર્ટીના સંગઠનને મોટો ઝટકો આપ્યો હતો. ખાસ કરીને સુરત સહિતના વિસ્તારોમાં પાર્ટીનો પ્રભાવ ઘટ્યો હતો.અનુભવને ધ્યાનમાં રાખીને પાર્ટી આ વખતે પહેલાથી જ સાવચેત થઈ છે. મળતી માહિતી મુજબ, આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારોને ટિકિટ આપતી વખતે જ લેખિત બાંહેધરી લેવામાં આવી રહી છે કે તેઓ જીત્યા બાદ પાર્ટીનો સાથ નહીં છોડે. ઉપરાંત ઉમેદવારો પાસેથી એફિડેવિટ પણ લેવામાં આવી રહી છે, જેમાં તેઓ કોઈપણ પ્રકારના દબાણ, લાલચ અથવા અન્ય કારણોસર પક્ષપલટો નહીં કરે તેવી ખાતરી આપે છે.
આ મુદ્દે પાર્ટીના નેતાઓએ પણ સ્પષ્ટ કર્યું છે કે ઉમેદવારોની પસંદગી બાદ મેનિફેસ્ટો જાહેર કરતી વખતે જ ઉમેદવારો પાસેથી આ બાંહેધરી લેવામાં આવશે. ખાસ કરીને સુરત સહિત રાજ્યના વિવિધ મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આ પ્રક્રિયા અમલમાં મુકાઈ રહી છે. નોંધનીય છે કે તાજેતરમાં પંજાબમાં આમ આદમી પાર્ટીના સાત જેટલા ધારાસભ્યોએ પક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો. આ ઘટનાના પગલે ફરી એકવાર ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં પક્ષપલટાની ચર્ચા તેજ બની છે અને સંગઠન વધુ સજાગ બન્યું છે.
સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. આ વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યની વિવિધ મહાનગરપાલિકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત સહિતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે જાહેર કરાયેલા તમામ ઉમેદવારો પાસેથી પક્ષપલટો નહીં કરવાની લેખિત ખાતરી લેવામાં આવી રહી હોવાનું જાણવા મળ્યું છે.પાર્ટી દ્વારા લેવામાં આવેલ આ પગલું આગામી ચૂંટણી પહેલા સંગઠન મજબૂત બનાવવા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં સ્થિરતા જાળવવા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે.