હરિયાણાના સોનીપત જિલ્લામાં આવેલા કુંડલી પોલીસની હદમાં એક દિલ દહોળી નાખે તેવી ટ્રિપલ મર્ડરની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. સોનીપતના કુન્ડલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા TDI BPL ફ્લેટ્સમાં મોડી રાત્રે અજાણ્યા હુમલાખોરે ફ્લેટમાં ઘૂસી પતિ-પત્ની સહિત ત્રણ લોકોની બેરહેમીથી હત્યા કરી નાખી હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ હતી અને સમગ્ર વિસ્તારને સીલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે.
પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોર રાત્રિના સમયે ફ્લેટમાં ઘૂસ્યો હતો અને ત્યાં રહેલા પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં પતિ, પત્ની અને અન્ય એક મહિલાનું મોત થયું હતું. ત્રણેયના મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળતા વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર ઘટનાના સમયે ચીસો સાંભળવા મળી હતી, કોઈને શું બન્યું તે સમજાય તે પહેલાં જ આરોપી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતાં જ કુન્ડલી પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ અને ફોરેન્સિક ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલ્યા હતા. ફ્લેટમાંથી મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્રિત કરવામાં આવ્યા છે અને CCTV કેમેરાની ફૂટેજ પણ તપાસવામાં આવી રહી છે.
પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હત્યા પાછળ અંગત વેરઝેર, પારિવારિક વિવાદ અથવા અન્ય કોઈ ગુનાહિત કારણ હોઈ શકે છે. જોકે હાલ તપાસના તમામ એંગલ પરથી કામ ચાલી રહ્યું છે. આસપાસના લોકો અને પરિવારજનોની પૂછપરછ પણ શરૂ કરવામાં આવી છે.
આ ઘટનાએ સમગ્ર સોનીપત જિલ્લામાં ભારે સનસનાટી ફેલાવી છે. એક જ પરિવારના ત્રણ લોકોની નિર્દયતાથી હત્યા થતાં સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો સુરક્ષાને લઈને પણ સવાલો ઉઠાવી રહ્યા છે.પોલીસે જણાવ્યું છે કે આરોપીની શોધખોળ માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને ટૂંક સમયમાં આરોપીને પકડી પાડવામાં આવશે. ફોરેન્સિક રિપોર્ટ અને ટેક્નિકલ તપાસ બાદ ઘટનાને લઈને વધુ ખુલાસા થઈ શકે છે.