ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં દેશભરમાં ચર્ચિત બનેલા દુલ્હા હત્યાકાંડમાં મોટો વળાંક આવ્યો છે. લગ્ન માટે બારાત લઈને જઈ રહેલા દુલ્હા આઝાદ બિંદની ફિલ્મી અંદાજમાં ગોળી મારી હત્યા કરનાર મુખ્ય આરોપી અને 1 લાખ રૂપિયાના ઇનામી બદમાશ રવિ યાદવને પોલીસએ એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.માહિતી મુજબ, 1 મે 2026ના રોજ જૌનપુર જિલ્લાના સરાયક્વાજા વિસ્તારના બડઅઉર ગામમાં લગ્નનો માહોલ હતો. દુલ્હા આઝાદ બિંદ ફૂલોથી સજાવેલી કારમાં બારાત લઈને દુલ્હનના ગામ તરફ જઈ રહ્યો હતો. પરિવારજનો અને ગામલોકો આનંદમાં હતા, ત્યારે રસ્તામાં બાઈક પર આવેલા શખ્સોએ દુલ્હાની કારને ટાર્ગેટ બનાવી તાબડતોબ ફાયરિંગ કર્યું હતું.જે બાદ ગોળીઓ વાગતાં દુલ્હા આઝાદ બિંદનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.આ ઘટનાએ સમગ્ર ઉત્તર પ્રદેશમાં ખળભળાટ મચાવ્યો હતો.
તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ હત્યા પૂર્વનિયોજિત સાજિશનો ભાગ હતી. પોલીસે આ કેસમાં અનેક આરોપીઓની ધરપકડ કરી હતી,જ્યારે મુખ્ય આરોપી રવિ યાદવ, પ્રદીપ બિંદ અને ભોલે રાજભર લાંબા સમયથી ફરાર હતા. તેમજ ત્રણેય આરોપીઓ પર પહેલા 50 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું, જેને બાદમાં વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવ્યું હતું. પોલીસ અને STFની અનેક ટીમો સતત આરોપીઓની શોધખોળમાં લાગી હતી. રવિવારે મોડીરાત્રે પોલીસને રવિ યાદવ અંગે ચોક્કસ માહિતી મળી હતી.
જૌનપુરના લાઇન બજાર વિસ્તાર પાસે પોલીસએ ઘેરાબંધી કરી હતી. પોલીસને જોઈ આરોપીએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું, જેના જવાબમાં પોલીસએ પણ ગોળીબાર કર્યો હતો.અથડામણ દરમિયાન રવિ યાદવ ગંભીર રીતે ઘાયલ થયો હતો બાદમાં તેનું મોત નીપજ્યું હતું. આ એન્કાઉન્ટરમાં ક્ષેત્રાસરાય ઇન્સ્પેક્ટર કે.કે. સિંહ પણ ઘાયલ થયા હતા.તેમના હાથમાં ગોળી વાગી હતી, જ્યારે અન્ય એક પોલીસકર્મીની બુલેટપ્રૂફ જેકેટ પર પણ ગોળી વાગ્યાનું સામે આવ્યું છે. હાલ ઘાયલ પોલીસકર્મીઓની સારવાર ચાલી રહી છે.
પોલીસ તપાસમાં અત્યાર સુધી 13થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. કેટલાક પર મુખ્ય આરોપીઓને આશરો આપવાનો પણ આરોપ છે. જોકે હજી પણ બે મુખ્ય આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે અને તેમની શોધખોળ માટે પોલીસ સતત દરોડા પાડી રહી છે.
ચર્ચિત દુલ્હા હત્યાકાંડને લઈને જૌનપુર સહિત સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો.મૃતકના પરિવારજનો સતત ન્યાયની માંગ કરી રહ્યા હતા. સ્થાનિક લોકો અને વિવિધ સંગઠનો દ્વારા પણ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી હતી. આ કેસને લઈને વિરોધ પ્રદર્શન અને રાજકીય નિવેદનો પણ સામે આવ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું છે કે બાકી રહેલા ફરાર આરોપીઓને પણ ઝડપવા માટે ખાસ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરવામાં આવશે. સમગ્ર કેસમાં હજુ વધુ ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.