SURAT

ભેજાબાજોએ ગોવામાં ઇવેન્ટ રાખી જેમાં સુરત-બારડોલીના 80 જેટલા રોકાણકારો ગયા અને પછી..

સુરત: જહાંગીરપુરા ખાતે રહેતા યુવક સહિત અનેક લોકોને સીમ્બા કોઈનમાં ડોલરમાં રોકાણ (Invest) કરાવી બે ભેજાબાજ 2 કરોડથી વધુનો ચૂનો ચોપડી ગયાની ફરિયાદ ક્રાઈમ બ્રાંચમાં (Crime Branch) નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાંચે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે. જહાંગીરપુરા ખાતે વૈષ્ણોદેવી હાઈટ્સમાં રહેતી 41 વર્ષીય મેહુલભાઈ ગોરધનલાલ પટેલ હેલ્થ તથા ઘર વપરાશના પ્રોડક્ટના માર્કેટિંગનું કામ કરે છે. તેમના દ્વારા ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ વર્ષ-2021 જુલાઈમાં મેહુલને તેના મિત્ર શિવકુમારે ફોન કરી સ્ટેશન પાસે આવેલી એક હોટેલમાં બોલાવ્યો હતો. મેહુલ તેના મિત્ર ધર્મેશ સાથે હોટલમાં ગયો હતો. જ્યાં તેને શશીકાંતભાઈ તથા સંગ્મેશભાઈ સાથે ઓળખ કરાવી હતી. તેઓ મહારાષ્ટ્રના શીરડી તથા કર્ણાટકના હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેમને એક સ્કીમ વિશે સમજાવ્યું હતું. તેમને સીમ્બા કોઈન.લાઈવ નામની વેબસાઈડમાં આઈડી બનાવવા કહ્યું હતું. આઈડી બનાવવા ડોલર આધારે જનરેટ થાય છે, જેમાં એક આઈડી ઓછામાં ઓછા 50 ડોલરથી અને વધુમાં વધુ 9 હજાર ડોલરથી બનાવવામાં આવશે તેવી સમજ આપી હતી.

આ કંપની બાબતે મેહુલે શશીકાંતભાઈને પૂછપરછ કરતાં તેમને આ વેબસાઈડના માલિક એલેક્સ જેમ્સન છે અને તે યુકેની છે તેમ કહ્યું હતું. તથા એલેક્સ જેમ્સન વર્ષોથી ફોરેક્સ ટ્રેડિંગનું કામ કરે છે. હાલ જે રોકાણ કરશો તે પૈસા ફોરેક્સમાં તેનું રોકાણ કરી તેમાંથી જે નફો મળે તે રોજેરોજ ચૂકવવામાં આવશે. આ માટે તેમની સીમ્બાકોઈન.લાઈવ વેબસાઈડ ઉપર આઈડી જનરેટ થયા પછી કેવાયસી અપલોડ કરવાનું કહ્યું હતું. અને આઈડીમાં જમા થતા ડોલર ઉપાડી શકો છો તેવું કહ્યું હતું.

બાદમાં પંદર દિવસ પછી શશીકાંતભાઈ દિલ્લી ગેટની હોટલમાં આવ્યા હતા. ત્યાં મેહુલ, ધર્મેશ અને શિવકુમાર ત્રણેય ગયા હતા. ત્રણેયની ભેગી આઈડી બનાવી હતી. મેહુલે 100 ડોલરની સ્કીમમાં રોકાણ કર્યું હતું. 31 ઓગસ્ટ-2021ના રોજ 27 લાખ ગૌરવભાઈના ફોનમાં નાશીક તથા 11.90 લાખ મોકલ્યા હતા. તથા સંગ્મેશભાઈને બેંગ્લુરુમાં શંકર માર્ટના નામે રૂપિયા મોકલ્યા હતા. આ કમિશનર મેહુલભાઈને આપ્યું નહોતું. અને નવા સીમ્બા કોઈન લોન્ચ થવાના હોવાથી કમિશનના રૂપિયા તેમની આઈડીમાં જવા કરતા હતા. આ કમિશનર શશીકાંતે ડેક્ષ-ટ્રેડના એક્સચેન્જ ઉપર ટ્રેડિંગ કરી ત્યાંથી ઉપાડ કરી લેવા કહ્યું હતું. પરંતુ આજદિન સુધી રૂપિયા આપ્યા નથી. બાદમાં વેબસાઈટ પણ બંધ થઈ ગઈ હતી. આ અંગે બાદમાં જાણ થઈ હતી કે 80થી વધારે રોકાણકારો પાસેથી 2 કરોડથી વધારે રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાંચમાં શશીકાંત સુખદેવ અઢવ તથા સંગ્મેશ સંગન્ના બસપ્પા હરલાપુરની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધી વધારે તપાસ હાથ ધરી છે.

આ રીતે રોકાણની સ્કીમ આપી હતી
રોકાણ અંગે વધારે માહિતી મેળવતા 50 ડોલરનું રોકાણ કરવાથી 0.5 ટકા લેખે 50 દિવસ સુધી, 100 ડોલરનું રોકાણ કરવાથી 0.75 ટકા લેખે 333 દિવસ સુધી, 200 ડોલરનું રોકાણ કરવાથી 1 ટકા લેખે 250 દિવસ સુધી, 400 ડોલરનું રોકાણ કરવાથી 1.25 ટકા લેખે 200 દિવસ સુધી, 800થી 9 હજાર ડોલરનું રોકાણ કરવાથી 1.5 ટકા લેખે 166 દિવસ સુધી અઠવાડિયાના પાંચ દિવસ રિટર્ન ચૂકવવાની સ્કીમ છે.

ગોવામાં ઇવેન્ટ રાખી હતી, આંગડિયાથી રૂપિયા મોકલતા હતા
ઓગસ્ટ-2021ના રોજ શશીકાંતભાઈ તથા સંગ્મેશભાઈએ ગોવા ખાતે ઇવેન્ટ રાખી હતી. અને ત્યાં સુરત તથા બારડોલીના 80 જેટલા રોકાણકારો આવ્યા હતા. ત્યાં સંગ્મેશ તથા શશીકાંતભાઈ સીમ્બા કોઈન લોન્ચ કરનાર છે અને તે ડેક્ષ-ટ્રેડ એક્સચેન્જ ઉપર તેનું ટ્રેડિંગ ચાલુ થનાર હોવાનું કહ્યું હતું. ઘણા રોકાણકારોની આઈડી મેહુલની નીચે બની હતી. તેમાં 91,163 ડોલર એટલે 75.33 લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું હતું. શશીકાંત અને સંગ્મેશને આંગડિયા દ્વારા પણ રૂપિયા મોકલતા હતા.

Most Popular

To Top