અફઘાનિસ્તાનમાં મહિલા અને લઘુમતિ સમુદાય પર થતાં અત્યાચાર રોકવા આંતર રાષ્ટ્રીય સમુદાયે આગળ આવવું પડશે

બીબીસીને ત્રણ અલગ અલગ સૂત્રોએ આ આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 100થી વધુ લોકો માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે અને મૃતકોની સંખ્યા વધવાની આશંકા વ્યક્ત કરી છે. આ હુમલો શુક્રવારે શિયા સમુદાયની મસ્જિદમાં નમાજ વખતે જ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો થયો એ સમયે 300થી વધારે લોકો મસ્જિદમાં હતા. અત્યાર સુધી કોઈ પણ ચરમપંથી સમુદાય આ હુમલાની જવાબદારી લીધી નથી. પરંતુ આ હુમલા પાછળ આઇએસઆઇએસનો હાથ માનવામાં આવી રહ્યો છે જે પહેલાથી શિયા સમુદાય પર હુમલા કરવામાં સક્રિય ભૂમિકામાં રહ્યું છે. જો કે, આઇએસઆઇએસ અને તાલિબાન બંને એક બીજાના ચટ્ટા બટ્ટા છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ ભર્યું નથી. તાલિબાનની સરકાર બન્યા પછી ત્યાંની લઘુમતિ મુસ્લિમ કોમ પર હુમલાની ઘટના વધી ગઇ છે તો બીજી તરફ તાલિબાને પણ તેનો અસલ  રંગ બતાવવાનું શરૂ કરી દીધું છે.

પાંચ દિવસ પહેલાં જ  તાલિબાને ૧૩ હઝારા સમુદાયના લોકોની હત્યા કરી હતી. માર્યા ગયેલા ૧૩માંથી ૧૧ અફઘાનિસ્તાન સૈન્યમાં સેવા આપી રહ્યા હતા.  તાલિબાને કબજો કર્યો તેના ૧૫ દિવસ પછી આ હત્યાકાંડ કરાયો હતો. મોટા ભાગના જવાનોએ આત્મસમર્પણ કરી દીધુ હોવા છતાં તેમની તાલિબાને હત્યા કરી નાખી હતી. અફઘાનિસ્તાનમાં ૯ ટકા વસતી હઝારા સમુદાયની છે કે જેઓ શિયા મુસ્લિમો છે જ્યારે તાલિબાન સુન્ની મુસ્લિમોનું સંગઠન છે.

અગાઉ જ્યારે તાલિબાનનો અફઘાનિસ્તાન પર કબજો નહોતો ત્યારે પણ કાબુલ સહિતના વિસ્તારોમાં તાલિબાનના આતંકીઓ શિયા મુસ્લિમોને ટાર્ગેટ કરીને હુમલા કરી રહ્યા હતા. જોકે હવે સત્તા મળી જતા તેઓ વધુ આક્રામક બની ગયા છે તેથી હઝારા અને અન્ય શિયા મુસ્લિમોમાં ભયનો માહોલ છે. અફઘાનિસ્તાનમાં તાલિબાને સત્તા મેળવ્યા બાદ વિચિત્ર ફતવાઓ બહાર પાડી રહ્યું છે. અગાઉ શિક્ષણમાં મહિલાઓ અને પુરુષોને અલગ બેસવાની વ્યવસૃથા કરાઇ હતી.

હવે તાલિબાને કહ્યું છે કે જેમણે પણ વર્ષ ૨૦૦૦થી ૨૦૨૦ દરમિયાન હાઇસ્કૂલનો અભ્યાસ કર્યો હોય તેમની ડીગ્રી બેકાર ગણવામાં આવશે એટલે કે આવી ડીગ્રીને અમાન્ય જાહેર કરીને તેમને બધા જ લાભોથી વંચીત રાખવામાં આવશે. સાથે જ તાલિબાને કહ્યું કે જેમણે આધુનિક શિક્ષણ મેળવ્યું હોય તેમની ડીગ્રી પણ મદરેસાથી શિક્ષણ મેળવનારાઓની સરખામણીએ નબળી માનવામાં આવશે. તાલિબાનના શાસન બાદ ભુખમરો વધ્યો છે. હાલની સિૃથતિ મુજબ વર્ષના અંત સુધીમાં ૧૦ લાખ બાળકો કુપોષણમાં જતા રહેશે. એક તરફ અનેક દેશોએ તાલિબાનને માન્યતા આપવાની ના પાડી દીધી છે.

ફ્રાંસના પ્રમુખ ઇમ્મેન્યૂઅલ મેક્રોને મંગળવારે કહ્યું હતું કે જી-૨૦ દેશોએ તાલિબાન પર દબાણ વધારવુ જોઇએ કે જેથી અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને ખાસ કરીને યુવતીઓનું ભવિષ્ય સુધારી શકાય. મેક્રોને કહ્યું હતું કે તાલિબાનને માન્યતા આપતા પહેલા જી-૨૦ દેશોએ આ પગલા લેવા જોઇએ. હવે તાલિબાન જ્યારે અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારનું સરેઆમ હનન કરી રહ્યું છે અને લઘુમતિમાં રહેલા શિયાઓનો પણ કતલેઆમ કરવામાં આવી રહ્યો છે. ત્યારે અહીં માનવ અધિકારની રક્ષા માટે દુનિયાના દેશોએ એક થઇને અવાજ ઉઠાવવો જોઇએ. અફઘાનિસ્તાનમાં છેલ્લા 20 વર્ષથી અસ્થિર સરકાર છે અને લોકો તાલિબાની આતંકનો સામનો કરી રહ્યાં છે ત્યારે આંતર રાષ્ટ્રીય સમુદાય કે જેનું નેતૃત્વ વિકસિત દેશો કરી રહ્યાં છે તેમણે આગળ આવીને અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને લઘુમતિ સમુદાય પર થથો અત્યાચાર અટકાવવો જોઇએ.

Related Posts