વિશ્વના 50થી વધુ દેશમાં દવાની નિકાસ કરતી હૈદરાબાદની કંપની પર આવકવેરાના દરોડા, કરોડોના બેનામી વ્યવહારના પુરાવા મળ્યા

હૈદરાબાદની ફાર્માસ્યુટીકલ કંપનીની ઓફિસની તિજોરીમાંથી આવકવેરા વિભાગને રૂપિયા 142 કરોડ રોકડા મળી આવ્યા છે. (Income Tax Raid On Haydrabad Farma Company, Collect 142 Crore Cash ) અહીં રોકડ મુકવા માટે બનાવાયેલી તિજોરી નોટોથી છલોછલ હતી. એક તિજોરીમાં તો રોકડ મુકવા માટે વચ્ચે પાર્ટિશન કરવાની પણ જગ્યા નહોતી. નોટબંધી બાદ રોકડના વ્યવહાર ઘટ્યા હોવાના દાવા વચ્ચે હૈદરાબાદની આ કંપનીની ઓફિસમાંથી આટલી મોટી માત્રામાં રોકડ મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. રોકડ ગણવા માટે અધિકારીઓએ નોટ ગણવાના મશીન મંગાવવા પડ્યા હતા.

આવકવેરા વિભાગે હૈદરાબાદની હેટેરો ફાર્માસ્યુટિકલ કંપનીની ઓફિસો પર દરોડા પાડ્યા છે. અધિકારીઓએ કહ્યું કે, દસ્તાવેજો તપાસ્યા પછી ખબર પડી કે, આ કંપનીએ રૂ. 550 કરોડની કમાણીનો ક્યાંય ઉલ્લેખ જ નથી કર્યો. આ કંપની દુનિયાના 50થી વધુ દેશમાં દવાઓની નિકાસ કરે છે. સીબીડીટીએ એક નિવેદનમાં જણાવ્યુ હતું કે દરોડા દરમિયાન અનેક બેંકોના લૉકરની માહિતી મળી હતી. અત્યાર સુધીમાં 142.87 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. કુલ 550 કરોડ રૂપિયાના બેનામી વ્યવહાર મળી આવ્યા છે.

આ કંપની ફાર્માસ્યુટિકલ સામગ્રી વગેરેનું ઉત્પાદન કરે છે અને મોટાભાગે અમેરિકા અને દુબઈ જેવા દેશો તેમનં કેટલાક આફ્રિકન દેશો અને યુરોપિયન દેશોમાં નિકાસ કરે છે. ડિજિટલ મીડિયા, પેન ડ્રાઈવ, દસ્તાવેજો વગેરેના સ્વરૂપમાં ગુના સાબિત કરનારા દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. એસએપી અને ERP સોફ્ટવેરથી ડિજિટલ ‘પુરાવા’ એકત્રિત કરવામાં આવ્યા હતા. કોવિડ-19 ની સારવાર માટે અનેક કરારો પર હસ્તાક્ષર અને વિવિધ દવાઓ જેમ કે રેમડેસિવીર અને ફેવિપીરાવીર જેવી અનેક દવાઓ વિકસિત કરવાને કારણે હેટેરો જૂથ જાણીતું બન્યું હતું. હેટેરો ગ્રુપ ભારત, ચીન, રશિયા, ઇજિપ્ત, મેક્સિકો અને ઈરાનમાં 25 થી વધુ ઉત્પાદન કેન્દ્રો ધરાવે છે.

આવકવેરા વિભાગ દ્વારા કેટલાક અન્ય કાનૂની મુદ્દાઓ પણ શોધી કાઢવામાં આવ્યા હતા જેમ કે વ્યક્તિગત ખર્ચ કંપનીના ખાતાઓમાં લખવામાં આવી રહ્યો છે અને સંબંધિત પક્ષો દ્વારા ખરીદવામાં આવેલી જમીનની કિંમત સરકારી નોંધણી કિંમત કરતાં ઓછી બતાવવામાં આવી છે. કંપની પર આરોપ લગાવતા જણાવવામાં આવ્યું છે કે દરોડા દરમિયાન તે સ્થળોની ઓળખ કરવામાં આવી હતી જ્યાં હિસાબના ચોપડા અને રોકડ ભરેલા અન્ય બંડલ મળી આવ્યા હતા.

હેટેરો કંપનીને હજુ ગયા મહિને COVID-19 ની સારવાર માટે ટોસિલીઝુમેબના બાયોસિમિલર વર્ઝન માટે ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DCGI) તરફથી ઈમરજન્સી ઉપયોગ માટેની પરવાનગી મળી છે. આ ફાર્મા કંપની તે કંપનીઓમાં સામેલ છે, જેણે ભારતમાં કોવિડ-19 વેક્સિન સ્પુતનિક વીના નિર્માણ માટે રશિયન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ ફંડ સાથે કરાર કર્યા છે.

Related Posts