SURAT

સુરતથી ઈન્દોર-ઉદયપુરની ફ્લાઈટનું બુકિંગ આ તારીખથી શરૂ કરવા ઈન્ડિગોની જાહેરાત

સુરત: ઈન્ડિગો એરલાઈન્સે (Indigo Airlines) 1 જુલાઈથી સુરતથી ઉદયપુર (SuratUdaipur) અને ઇન્દોર (Indore) તેમજ 3 જુલાઈથી સુરતથી કોલકાતાની (SuratKolkatta) ડેઇલી ફ્લાઈટ (Flight) શરૂ કરવાની જાહેરાત કર્યાં બાદ અચાનક આ ત્રણેય ફ્લાઈટનું બુકીંગ રદ કરી દીધું હતું. જો કે એરલાઈન્સે હવે ફરી સુરતથી ઉદયપુર અને ઇન્દોરની ફ્લાઈટનું બુકિંગ 21મી ઓગસ્ટથી શરૂ કર્યું છે.

  • અગાઉ એરલાઈન્સે 1 જુલાઈથી ઓપરેશન સ્થગિત કર્યું હતું
  • 3 જુલાઈથી રદ કરેલી કોલકાતાની ફ્લાઈટ અંગે હજુ મૌન

એ જોતાં સુરતને વધુ બે શહેરોની કનેક્ટિવિટી મળશે. જો કે કોલકાતા – સુરત ફ્લાઈટ ઇન્ડિગોએ ફરી શરૂ કરવાની કોઈ તૈયારી દર્શાવી નથી. અગાઉ સુરતનાં કેટલાક પેસેન્જરોએ સુરત વાયા કોલકાતા બેન્ગકોકની ટીકીટ બુક કરાવી હતી, એ ટીકીટ કોલકાતાથી બેન્ગકોકની રદ કરવાની જાહેરાત કરતા સુરતનાં પ્રવાસીઓમાં નારાજગી ફેલાઈ હતી.

જો કે પાછળથી ઇન્ડિગોએ કોલકાતાથી બેંગકોકની કનેકટિંગ ફ્લાઈટને બદલે સુરતથી વાયા બેંગલુરુ-બેંગકોકની ફ્લાઈટની ટીકીટ આપવા વિકલ્પ સુચવ્યો અને રિફંડ પણ ચૂકવી દીધું હતું. ઇન્ડિગોએ સુરતથી ઉદયપુર અને ઇન્દોર રૂટ માટે 72 સીટર એટીઆર વિમાન મોકલવાનો નિર્ણય લીધો છે.

સુરત એરપોર્ટનાં નામકરણ માટે રાજ્ય સરકારે કેન્દ્રને કોઈ દરખાસ્ત મોકલી નથી
સુરત એરપોર્ટનું નામ વીર કવિ નર્મદ, મોરારજી દેસાઈ રાખવાની દરખાસ્ત નાગરિકો અને નાગરિક સંગઠનો દ્વારા કરવામાં આવી છે. કેન્દ્રનાં સિવિલ એવિએશન મંત્રાલયનાં ડેપ્યુટી સેક્રેટરી નરેન્દ્ર સિંહે ‘વી વર્ક ફોર વર્કિંગ એરપોર્ટ એટ સુરત’ ગ્રુપના અગ્રણી ઇ. એચ. પઠાનને પાઠવેલા પત્રમાં જણાવ્યું હતું કે તા.18/5/2023 સુધી એવિએશન મિનિસ્ટ્રીને નામકરણ માટે રાજ્ય સરકાર તરફથી કોઈ પ્રપોઝલ મળી નથી. સામાન્ય રીતે રાજ્ય સરકાર વિધાનસભામાં ઠરાવ કરી નામકરણની પ્રપોઝલ કેન્દ્ર સરકારને મોકલતી હોય છે અને કેન્દ્રીય કેબિનેટ એને મંજુર કરી નામકરણની જાહેરાત કરતી હોય છે.

Most Popular

To Top