SURAT

સુરતનાં પાર્લે પોંઇન્ટના જ્વેલર્સને એક ગ્રાહક ઠગી ગયો!

સુરત: પાર્લે પોઈન્ટ ખાતે કાંતીલાલ જ્વેલર્સમાં અઠવાડિયા પહેલા એક ગ્રાહક (Customer) આવ્યો હતો. તેણે અહીં એક સોનાની ચેઇન આપી હતી અને તેની સામે 1.42 લાખની ચેઇન અને વીંટી ખરીદી હતી. જ્વેલર્સે (Jewellers) આ ચેઇનની તપાસ કરતાં તેમાં માત્ર 14 ટકા જેટલું જ સોનું (Gold) હતું આથી તેમના દ્વારા ઉમરા પોલીસ (Police) સ્ટેશનમાં 1.27 લાખની ઠગાઇની ફરિયાદ કરવામાં આવી છે.

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલી કોસાડરોડ ખાતે સ્વીટ હોમમાં રહેતા 43 વર્ષીય રીતેશભાઈ ગોવિંદભાઈ મુલચંદાનીએ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પાર્લે પોઈન્ટ ખાતે કાંતીલાલ જવેલર્સમાં નોકરી કરે છે. ગત શનિવારે બપોરે તેમની દુકાનમાં એક ગ્રાહક આવ્યો હતો. અને સેલ્સમેન અતુલ પાંડેને મળી સોનાની ચેઈન અને સોનાની વીંટી પસંદ કરી ખરીદવાની વાત કરી હતી.

  • હલકી ગુણવતાની ચેઇન સામે 1.42 લાખના દાગીના લઇ ગયો
  • કાંતીલાલ જ્વેલર્સ સાથે 1.27 લાખની ઠગાઈ

સેલ્સમેન અતુલ પાંડે 1.10 લાખની સોનાની ચેઈન અને 31 હજારની કિમતની વીંટી લઈ કાઉન્ટર પર આવ્યો હતો. તે સમયે કાઉન્ટર પર હાજર કર્મચારી અમિત ગામીતને ગ્રાહકે કહ્યું હતું કે તેની પાસે અંદાજીત 26 ગ્રામની સોનાની ચેઈન છે અને તે વેચવાની છે. આથી અમિત ગામીતે સ્ટોર મેનેજર રીતેશભાઈ મુલચંદાનીને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં ચેઈન સોનાની જણાઈ હતી. આ ચેઈનનું વજન 26.3 ગ્રામ હતું. જેની કિંમત 1.43 લાખની ગણી હતી. ગ્રાહકે દુકાનમાંથી કુલ રૂ.1,42,070 રૂપિયાની ચેઈન અને વીંટી ખરીદી હતી. ગઠિયાએ મહારાષ્ટ્રમાં રહેતી તેની બહેન પ્રિયંકાને દાગીના આપવાના છે તેમ કહીને બહેનનો મોબાઈલ નંબર આપીને બિલ બનાવડાવ્યું હતું. બાદમાં ચેઈન ચકાસતા માત્ર 14 ટકા સોનું નીકળ્યું હતું. ગઠિયાની સામે આ સોનાની કિમતને બાદ કરીને 1.27 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top