Comments

ભારત ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે, પરંતુ ભારત પ્રતિ વ્યક્તિ જીડીપીમાં બાંગ્લાદેશ કરતાં પાછળ રહી ગયું છે તેનું શું?

વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા યુનાઇટેડ સ્ટેટ્સ છે, જેની જીડીપી 26 અબજ અમેરિકન ડોલર છે. ત્યાર બાદ 19 અબજ ડોલર સાથે ચીન આવે છે. ત્રીજા નંબરે જાપાન (4.4 અબજ અમેરિકન ડોલર), જર્મની (4.3 અબજ અમેરિકન ડોલર) અને પાંચમું ભારત (3.7 અબજ અમેરિકન ડોલર) છે. ગયા મહિને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન વડા પ્રધાને કહ્યું હતું કે, ભારતની અર્થવ્યવસ્થા તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન એટલે કે 2024થી 2029 સુધીમાં ભારત દુનિયાની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા હશે. તેમણે ‘મોદી ગેરંટી’ આપી હતી કે આવું થશે.

મે મહિનામાં હિંદુ બિઝનેસલાઇને આ હેડલાઇન લખી હતી: ‘’2022 સુધીમાં બાંગ્લા દેશની માથા દીઠ જીડીપી ભારત કરતાં વધારે છે.’’ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, 2019માં પ્રતિ વ્યક્તિ જીડીપીમાં બાંગ્લાદેશ ભારતથી આગળ નીકળી ગયું છે. આ બંને બાબતો સાચી છે: ભારત ટૂંક સમયમાં ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે અને ભારત પ્રતિ વ્યક્તિ જીડીપીમાં બાંગ્લા દેશ કરતાં પાછળ રહી ગયું છે. જે મહત્ત્વનું છે જે-તે વ્યક્તિ તેને કેવી રીતે જુએ છે તેના પર આધાર રાખે છે.

ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાનું આ લક્ષ્ય હાંસલ થાય તો તેનો શું અર્થ થાય? જર્મનીની વસ્તી 8 કરોડ છે, આપણી 140 કરોડ છે. જ્યારે આપણે સમાન થઈ જઈશું અને તેનાથી આગળ નીકળી જઈશું ત્યારે તેનો અર્થ એ થશે કે એક જર્મન જેટલું જ જીડીપી આઉટપુટ ઉત્પન્ન કરવા માટે 17 ભારતીયો લાગશે. સરેરાશ ભારતીય હજી પણ સરેરાશ બાંગ્લાદેશી કરતાં ગરીબ હશે.

ચાલો આપણે બીજી વાર્તા જોઈએ, જે ‘ભારત જીતી રહ્યું છે’ પણ ભારતીયો હારી પણ રહ્યાં છે, આ વિચારની તપાસ કરવી છે. કેનેડિયન નાગરિકની હત્યા કરી હોવાના આરોપથી ગુસ્સે ભરાયેલી ભારત સરકારે કેનેડાને તેના 41 રાજદ્વારીઓને ભારતમાંથી દૂર કરવા કહ્યું છે. કેનેડામાં આપણા 21 રાજદ્વારીઓ છે જ્યારે કેનેડાના 62 રાજદ્વારીઓ ભારતમાં છે. તેથી વધારાના 41ને પાછા ખેંચવાની જરૂર છે. આ રાજદ્વારીઓ હવે જવા લાગ્યા છે. તેમના જવાનો અર્થ શું છે? તેનો અર્થ એ છે કે ભારત કેનેડા સાથે સમાનતા સ્થાપિત કરશે અને ભારતની જીત થશે, પરંતુ રાજદ્વારીઓના જવાથી કોને અસર થશે?

કેનેડામાં 230,000 ભારતીય વિદ્યાર્થીઓ કેનેડિયન સંસ્થાઓમાં અભ્યાસ કરે છે તે સાથે ભારત હાલમાં કેનેડામાં વિદેશી વિદ્યાર્થીઓનું ટોચનું સ્રોત છે. અહીં ઓછા રાજદ્વારીઓ હોવાથી તેમના માટે વિઝા અને વિઝા એક્સટેન્શન મેળવવું મુશ્કેલ બનશે. 2022માં કેનેડાએ ભારતીયોને 1.85 લાખ સ્ટુડન્ટ વિઝા જારી કર્યા હતા. વિદ્યાર્થીઓ ઉપરાંત, 5.84 લાખ અન્ય ભારતીયો પણ 2022માં કેનેડા ગયા હતા. તેની સરખામણીએ દર વર્ષે લગભગ 3.5 લાખ કેનેડિયન અહીં આવે છે. સંભવતઃ તેમાંથી મોટા ભાગના ભારતીય મૂળના પણ છે. એક કારણ હતું કે કેનેડાને અહીં વધુ રાજદ્વારીઓની જરૂર હતી, પરંતુ કેનેડિયનો કહે છે કે તેનાથી અમને કોઈ ફરક પડતો નથી. કારણ કે, અમે અમારા રાષ્ટ્રને ભારતીયો કરતાં પ્રથમ સ્થાન આપ્યું છે.

એ વિચાર પર કે ‘રાષ્ટ્ર’ને સૌથી પ્રથમ, લોકોથી આગળ સ્થાન આપવું જોઈએ, આરએસએસ અને જનસંઘના નેતા દીનદયાલ ઉપાધ્યાયે તેમના સામુહિક રીતે ‘ઇન્ટીગ્રલ હ્યુમનિઝમ -પૂર્ણ માનવવાદ’ તરીકે પ્રકાશિત થયેલા તેમનાં ચાર પ્રવચનોમાં ભાર મૂકવામાં આવ્યો છે. તેઓ ઇચ્છે છે કે ભારત મહાન બને, પરંતુ તે કેવી રીતે મહાન બનશે તેની કોઈ વિગતો આપતા નથી. એકસાથે ‘ભારત માતા કી જય’ના નારા લગાવવા એ એક જ ક્રિયા છે, જે તે ઇચ્છે છે કે આપણે કરીએ. તે આ ઉપદેશ સાથે પ્રવચનો સમાપ્ત કરે છે. સૂત્રોચ્ચાર કરવાથી શું પ્રાપ્ત થશે? આ વિજય કેવો દેખાય છે અને ભારત જીતી ગયું છે તે કેવી રીતે જાણી શકાશે? ‘ઇન્ટીગ્રલ હ્યુમનિઝમ’માં આવા પ્રશ્નોના જવાબ નથી. ખરેખર, તેમને પૂછવામાં પણ આવતું નથી.

જો કે, ભારતની સમસ્યાઓ ભૌતિક છે. ભારતમાં જે અવિકસિત છે તે ધર્મ અને આધ્યાત્મિકતા નથી – આપણે આવી બાબતોમાં આપણને વિશ્વગુરુ પણ ગણી શકીએ -પરંતુ આ અર્થતંત્ર અને કાયદાનું શાસન છે. રાષ્ટ્રોની સુખાકારી માપી શકાય છે. કારણ કે, તે તેના લોકોની સુખાકારી છે. તે બાળમૃત્યુ દર અને લિંગ ગુણોત્તરમાં, માનવ વિકાસ સૂચકાંકમાં અને માથાદીઠ જીડીપી અને સરેરાશ આવકમાં, નોબેલ પુરસ્કારોમાં, વૈજ્ઞાનિક શોધો અને પરોપકારી યોગદાનમાં છે. ઇન્ટીગ્રલ હ્યુમનિઝમમાં ભારતને ત્યાં સુધી પહોંચાડવાનો કોઈ રોડમેપ નથી કે ત્યાં પહોંચવાની ઇચ્છા પણ વ્યક્ત થતી નથી.

રાષ્ટ્રની માપી શકાય તેવી પ્રગતિ તરીકે જોઈ શકાય તે બધું જ તેમના લખાણમાં આકસ્મિક છે અથવા અપ્રસ્તુત છે. ઉપાધ્યાયની રુચિ અમૂર્ત અસ્તિત્વમાં છે. ઉપાધ્યાયનું ભારત એ લોકો અને ધર્મો અને સંપ્રદાયો અને રાજ્યો અને ભાષાઓ અને આહાર સંબંધી પસંદગીઓ અને સંગીત અને અસંમતિ અને વિવાદોવાળું એક વાસ્તવિક રાષ્ટ્ર નથી. તે એક રચના છે. ભારત માતા એ ભૌગોલિક રેખાઓની માનવરૂપી છબી છે, એક કલ્પિત નકશો છે, એક વિચાર છે.

સંઘના અન્ય પ્રભાવક ગુરુ ગોલવલકરે ભારતને તિબેટ સહિત વ્યાખ્યાયિત કર્યું હતું. કારણ કે, તે દેવતાઓનું નિવાસસ્થાન હતું અને હિંદુ મહાકાવ્યો પણ હિંદુઓનો અફઘાનિસ્તાન, બર્મા, ઈરાન અને લંકાનો પર કબજો દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે, ભારત માતાએ હજારો વર્ષોથી ઈરાનથી સિંગાપોર સુધી બે સમુદ્રમાં પોતાની ભુજાઓ ડુબાડી દીધી હતી, શ્રીલંકા સાથે તેમનાં પવિત્ર ચરણોમાં કમળની પાંખડીઓ અર્પણ કરવામાં આવી હતી. જેને મહાન બનાવવાની ઇચ્છા છે તે આ અમૂર્તતા છે. આજે તેમાં રહેલા વાસ્તવિક લોકો અને સંસ્કૃતિઓ માત્ર ત્યાં સુધી જ ઉપયોગી છે જ્યાં સુધી તેઓ આ અવ્યાખ્યાયિત મહાનતાને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે અને ભારત જર્મનીથી આગળ નીકળવાની વાત પર ગર્વ અનુભવી શકે છે, જ્યારે ભારતીયો બાંગ્લાદેશીઓની પાછળ રહી ગયા છે તેની સલામત રીતે અવગણના પણ કરી શકે છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top