Columns

સૌથી ઉત્તમ

એક દિવસ ગુરુજીએ પ્રશ્ન કર્યો, ‘સૌથી ઉત્તમ પ્રાર્થના કઈ?’ શિષ્યે જવાબ આપ્યો, ‘ધ્યાન…બધું જ ભૂલીને અંતરમનમાં જોવું અને તેમાં બિરાજતા ભગવાનને ખોજવા.’ ગુરુજીએ આગળ પૂછ્યું, ‘વત્સ, તો સૌથી ઉત્તમ ધ્યાન કયું?’ હવે શિષ્યો મૂંઝાયા…..કોઈકે કહ્યું, ‘ધ્યાન જેટલું ખલેલ વિનાનું એટલું ઉત્તમ …’ બીજાએ કહ્યું, ‘ધ્યાન જેટલું લાંબુ એટલું ઉત્તમ.’ ત્રીજાએ કહ્યું, ‘એકાંત સ્થળે કોઈની હાજરી વિના કરેલું ધ્યાન ઉત્તમ.’ કોઈકે કહ્યું, ‘ધ્યાન કુટિરમાં કરેલું ધ્યાન’ વગેરે વગેરે.

ગુરુજી બોલ્યા, ‘શિષ્યો, આ બધું તમે ધ્યાન કેવું અને કયા અને કેટલું કરવું તેના માપદંડ કહ્યા, પણ ઉત્તમ ધ્યાન કયું તે નક્કી કરવા ધ્યાનની ફલશ્રુતિ જાણવી જરૂરી છે.જે ધ્યાન તમને અંદરથી ખુશીથી ભરી દે અને તમારું રોમ રોમ સ્મિત કરવા લાગે તે ધ્યાન ઉત્તમ, પછી તે બે ઘડીનું હોય કે બે કલાકનું …બધાની સાથે કર્યું હોય કે સાવ એકાંતમાં ….ઉત્તમ ધ્યાન છે અંતરમનની મુસ્કુરાહટ.’

ધ્યાન વિષે સમજાવીને ગુરુજીએ આગળ કહ્યું , ‘ઉત્તમ સેવા કઈ?’ એક શિષ્યે જવાબ આપ્યો, ‘ઠાકોરજીની સેવા’ …બીજાએ કહ્યું, ‘ગુરુની સેવા’ …ત્રીજાએ કહ્યું, ‘માતા પિતાની સેવા.’ ગુરુજી બોલ્યા, ‘તમારા કોઈના જવાબ ખોટા નથી ભગવાન, માતા-પિતા અને ગુરુની સેવા કરવી જ જોઈએ.સમાજનું મોટું ઋણ હોય છે આપણા પર એટલે સમાજની સેવા પણ કરવી જોઈએ. સૌથી ઉત્તમ સેવા છે કે તમે ઉત્તમ ધ્યાન કરીને જે આનંદ જે મુસ્કુરાહટ મેળવી છે તે ખુશી તે સ્મિત બીજાના હોઠો સુધી ..બીજાના જીવનમાં પહોંચાડવું .કોઈ રડતા ચહેરાના આંસુ લૂછી તેના હોઠો પર સ્મિત લાવવું સૌથી ઉત્તમ સેવા છે અને તેના માટે લાખોના દાનની જરૂર પડતી નથી.’આજે ગુરુજી વાતો વાતોમાં પોતાના પ્રશ્નો દ્વારા સુંદર સમજ આપી રહ્યા હતા.

ગુરુજીએ આગળ પૂછ્યું, ‘સૌથી ઉત્તમ કળા કઈ?’ શિષ્યો કંઈ બોલ્યા નહિ.ગુરુજીએ કહ્યું, ‘શિષ્યો, જીવનમાં કોઈ પણ કળા તમે શીખો કે ના શીખો.કોઇ પણ કળામાં પારંગત થાવ કે ન થાવ, આ કળા જરૂર શીખજો.’ શિષ્યે કહ્યું, ‘ગુરુજી, આમ તો તમે એમ સમજાવો છો કે જે કળામાં રુચિ હોય તે જ શીખવી. કોઈ કળા રસ હોય તો જ આવડે પરાણે શીખી શકાય નહિ તો પછી એવી કઈ કળા છે જે શીખવી જરૂરી જ છે?’

ગુરુજી બોલ્યા, ‘હું જે કળા કહું છું તે છે સંસારની બધી કળાઓમાં સૌથી ઉત્તમ છે. તે છે બીજાના હ્રદયને સ્પર્શી જવું …સામેવાળાના મનને જીતી લેવું…તમે બધા જ વિનયી ,નમ્ર બની ,પ્રેમ અને સન્માન આપી …મીઠી વાણી બોલી …અન્યને મદદરૂપ થઇ… બીજાના મનને જીતી શકો છો.’ ગુરુજીએ ઉત્ત્મોત્તમ  શું તે સમજાવ્યું.  – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top