National

2030 સુધીમાં ભારત ડ્રોન હબ બની જશે : વડાપ્રધાન મોદી

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી(Pm Modi)એ શુક્રવારે દિલ્હી ખાતે ડ્રોન ફેસ્ટિવલ(Drone Festival) 2022નું ઉદ્ઘાટન કર્યું હતું. આ ડ્રોન ફેસ્ટીવલ બે દિવસ ચાલશે. જેમાં 1,600 થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીએ પ્રદર્શનનું નિરીક્ષણ પણ કર્યું હતું. વડાપ્રધાને કહ્યું, હું ડ્રોન પ્રદર્શનથી પ્રભાવિત થયો છું. 2030 સુધીમાં ભારત ડ્રોન હબ બની જશે. તેમણે કહ્યું કે, આજે હું જે પણ સ્ટોલ પર ગયો હતો ત્યાં બધા ગર્વથી કહેતા હતા કે આ મેક ઇન ઇન્ડિયા છે.

આ ડ્રોનનો જ ઉત્સવ નથી આ ન્યૂ ઈન્ડિયાની ઉજવણી છે: પી.એમ મોદી
વડાપ્રધાને કહ્યું કે, આ ઉત્સવ માત્ર ડ્રોનનો જ નથી, આ ન્યૂ ઈન્ડિયા – ન્યૂ ગવર્નન્સની ઉજવણી છે. ડ્રોન ટેક્નોલોજીને લઈને ભારતમાં જે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તે આશ્ચર્યજનક છે. આ ઉર્જા દેખાય છે, તે ભારતમાં ડ્રોન સેવા અને ડ્રોન આધારિત ઉદ્યોગનાં મોટા પગલાનું પ્રતિબિંબ છે. પીએમ મોદીએ કહ્યું, આ ઉર્જા ભારતમાં રોજગાર નિર્માણના ઉભરતા મોટા ક્ષેત્રની સંભાવના દર્શાવે છે. તેમણે કહ્યું, આ આઠ વર્ષ પહેલા આજ સમયે અમે ભારતમાં સુશાસનના નવા મંત્રો અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું.

ટેક્નોલોજીને સમસ્યાનો ભાગ સમજ્યા
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો ટેક્નોલોજીને સમસ્યાનો ભાગ માનતી હતી. તેમને ગરીબ વિરોધી સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના કારણે 2014 પહેલા શાસનમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે ઉદાસીનતાનું વાતાવરણ હતું. જેનાથી સૌથી વધુ નુકશાન ગરીબો, વંચિતો અને મધ્યમ વર્ગને થયું હતું. તેમણે કહ્યું કે, ટેક્નોલોજી દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ અને અંત્યોદયના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ.

દરેક ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ: પીએમ મોદી
વડાપ્રધાને કહ્યું, દરેક ક્ષેત્રમાં ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે. આજે ખેડૂતો પણ ખેતીમાં ડ્રોનનો ઉપયોગ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આની મદદથી દેશભરમાં વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. હું ડ્રોનની મદદથી સમગ્ર દેશમાં વિકાસ કાર્યોનું ઓચિંતું નિરીક્ષણ કરું છું.

પ્રદર્શનમાં શું છે ખાસ
આ કાર્યક્રમમાં સરકારી અધિકારીઓ, વિદેશી રાજદ્વારીઓ, સશસ્ત્ર દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો, ખાનગી કંપનીઓ અને ડ્રોન સ્ટાર્ટઅપ્સના 1,600 થી વધુ લોકો ભાગ લઈ રહ્યા છે. આ પ્રદર્શનમાં 70 થી વધુ પ્રદર્શકો ડ્રોનના વિવિધ ઉપયોગો અંગે માહિતી આપશે. આ ફેસ્ટિવલમાં ડ્રોન પાયલોટ સર્ટિફિકેટ્સનું ડિજીટલ વિતરણ કરવામાં આવશે, ઉત્પાદનોનું ઉદ્ઘાટન, પેનલ ચર્ચા, તેમજ કામગીરી દર્શાવવામાં આવશે અને મેડ ઇન ઇન્ડિયા ડ્રોન ટેક્સીના મોડલ પણ પ્રદર્શિત કરવામાં આવશે.

Most Popular

To Top