National

દેશના નવા CDS બન્યા લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ

ભારત સરકારે લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) અનિલ ચૌહાણને (Lieutenant General Anil Chauhan) આગામી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કર્યા છે. તેઓ ભારત સરકારના (Indian Government) લશ્કરી બાબતોના વિભાગના સચિવ તરીકે પણ કામ કરશે. આ પહેલા જનરલ બિપિન રાવત આ પોસ્ટ પર તૈનાત હતા જેમનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું. બિપિન રાવત પ્રથમ વ્યક્તિ હતા જેમને આ પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. 40 વર્ષથી વધુની કારકિર્દીમાં લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણે અનેક કમાન્ડ સંભાળ્યા છે. તેમની પાસે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર-પૂર્વ ભારતમાં બળવાખોરી વિરોધી કામગીરીનો પણ બહોળો અનુભવ છે.

ભારતના નવા સીડીએસ કોણ છે
દેશના નવા CDS અનિલ ચૌહાણનો જન્મ 18 મે 1961ના રોજ થયો હતો. વર્ષ 1981માં પ્રથમ વખત તેઓ ભારતીય સેનાની 11 ગોરખા રાઈફલ્સમાં ભરતી થયા હતા. તેઓ નેશનલ ડિફેન્સ એકેડમી (NDA), ખડકવાસલા અને ઈન્ડિયન મિલિટરી એકેડમી (IMA), દેહરાદૂનના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

જૂનમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું
જૂનમાં એક ગેઝેટ નોટિફિકેશન જારી કરીને કેન્દ્ર સરકારે દેશના આગામી ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS)ની નિમણૂક માટે ત્રણેય સેવાઓ (આર્મી, એરફોર્સ અને નેવી)ના નિયમોમાં મોટો ફેરફાર કર્યો હતો. જણાવી દઈએ કે દેશના પહેલા CDS જનરલ બિપિન રાવતના હેલિકોપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ બાદ આ પદ ખાલી હતું.

સંરક્ષણ મંત્રાલયે સીડીએસના પદ માટે લાયક અધિકારીઓના કાર્યક્ષેત્રને વિસ્તૃત કરતી નવી માર્ગદર્શિકા બહાર પાડી હતી. જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ હવે આર્મી, નેવી અને એરફોર્સના ચીફ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સીડીએસના પદ માટે લાયક બનશે. સંરક્ષણ મંત્રાલય દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં અન્ય એક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યો હતો કે તાજેતરમાં જ નિવૃત્ત થયેલા આર્મી ચીફ અને વાઈસ ચીફ પણ આ પદ માટે લાયક ગણાશે. જો કે આ માટે વય મર્યાદા 62 વર્ષથી વધુ ન હોવી જોઈએ.

બિપિન રાવતનું હેલિકોપ્ટર અકસ્માતમાં મોત થયું હતું
દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ એટલે કે સીડીએસ જનરલ બિપિન રાવત ગયા વર્ષે ડિસેમ્બરમાં તમિલનાડુના કુન્નુર પાસે એરફોર્સના હેલિકોપ્ટર દુર્ઘટનામાં માર્યા ગયા હતા. ત્યારથી CDSનું પદ ખાલી હતુ અને ત્યારથી દેશના બીજા CDSની નિમણૂકની રાહ જોવાઈ રહી હતી. જણાવી દઈએ કે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં જનરલ બિપિન રાવત, તેમની પત્ની સહિત 13 લોકોના મોત થયા હતા. આર્મી ચીફના પદ પરથી નિવૃત્ત થયા બાદ જનરલ બિપિન રાવતને દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top