ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામ મામલે પાકિસ્તાનના નાયબ વડાપ્રધાનનું મોટું નિવેદન બહાર આવ્યું છે. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે જાહેરમાં સ્વીકાર કર્યો છે કે, ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના બે મુખ્ય હવાઈ મથકો પર હુમલો કરવામાં આવ્યો તેના લીધે પાકિસ્તાનને યુદ્ધવિરામની ફરજ પડી હતી, જેને પગલે ઈસ્લામાબાદે ભારતને સીઝફાયર માટે વિનંતી કરી હતી.
એક ટેલિવિઝન ન્યુઝ શોના ઈન્ટરવ્યુ દરમિયાન ડારે સ્પષ્ટપણે કહ્યું કે બારતે પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં હાથ ધરેલા ઓપરેશન સિંદૂરના ભાગરૂપે રાવલપિંડી અને પંજાબ પ્રાંતમાં નૂર ખાન અને શોરકોટ એરબેઝ પર હુમલો કર્યો હતો. ત્યાર બાદ ભારતે ફરી રાત્રે 2.30 કલાકે મિસાઈલ હુમલો કર્યો હતો. ભારતીય સેનાએ નૂરખાન એરબેઝ અને શોરકોટ એરબેઝ પર આ હુમલો કર્યો હતો.
આ એટેકની 45 મિનિટની અંદર સાઉદી પ્રિન્સ ફૈઝલે મને ફોન કર્યો હતો. તેમણે કહ્યું કે તેમને (અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ) માર્કો રૂપિયો સાથેની મારી વાતચીત વિશે હમણાં જ ખબર પડી છે. તેમણે પૂછ્યું કે શું ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર સાથે તેઓ પાકિસ્તાન વતી યુદ્ધવિરામ અંગે વાત કરી શકે. શું પાકિસ્તાન યુદ્ધવિરામ માટે તૈયાર છે. મેં કહ્યું હા, ભાઈ, તમે કરી શકો છો. પછી તેમણે મને પાછો ફોન કર્યો અને કહ્યું કે તેમણે જયશંકરને પણ આ વાતની જાણ કરી છે. ડારને હવે વાયરલ થયેલા વીડિયોમાં સાંભળી શકાય છે.
આ અગાઉ ઈસ્લામાબાદે સ્વીકાર્યું હતું કે ભારતીય સેનાના હુમલાને કારણે તેના જેટને ખરેખર ભારે નુકસાન થયું છે.
એક પત્રકાર પરિષદને સંબોધતા, પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ દાવો કર્યો હતો કે પાકિસ્તાનના માત્ર એક જેટને થોડું નુકસાન થયું છે પરંતુ તેમણે વિમાન વિશે વિગતો આપી નથી.
જોકે, ભારતીય વાયુસેનાના અધિકારી, એર માર્શલ એકે ભારતી, જે એર ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ છે, તેમણે જણાવ્યું હતું કે ભારતે ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન વાયુસેનાના કેટલાક હાઇ-ટેક ફાઇટર જેટને તોડી પાડ્યા હતા. તેમણે સંકેત આપ્યો હતો કે ભારતીય બાજુ પણ યુદ્ધમાં નુકસાન થયું છે, પરંતુ ફાઇટર પાઇલટ્સ ઘરે પાછા ફર્યા છે.
તમને જણાવી દઈએ કે ગઈ તા. 22 એપ્રિલના રોજ થયેલા આતંકવાદી હુમલાના લગભગ બે અઠવાડિયા પછી, જેમાં ૨૬ લોકોના મોત થયા હતા, ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં આતંકવાદી માળખાને નિશાન બનાવીને ઓપરેશન સિંદૂર શરૂ કર્યું. ચાર દિવસના તીવ્ર સરહદ પારના ડ્રોન અને મિસાઇલ હુમલાઓ પછી, ભારત અને પાકિસ્તાને 10 મેના રોજ સંઘર્ષનો અંત લાવવા માટે સમજૂતી કરી હતી.
