World

US સ્ટેટ સેક્રેટરીએ કહ્યું ભારત-ચીને જ પરમાણુ હુમલાને રોકી રાખ્યો છે નહીં તો પુતિન…

નવી દિલ્હી: G20 સમિટ (G20 Summit) માટે ભારતની (India) મુલાકાત પહેલા અમેરિકાના વિદેશ મંત્રી (US Secretary of State) એન્ટની બ્લિંકને રશિયા-યુક્રેન યુદ્ધને (Russia Ukraine War) લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે આ યુદ્ધને ખતમ કરવા માટે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ઘણા સમય પહેલા જ યુક્રેન પર પરમાણુ હુમલો (Nuclear attack) કરી દીધો હોત, પણ શક્ય છે કે ભારત અને ચીને તેને આમ કરતા રોકી રાખ્યો છે.

ભારત-ચીને જ પરમાણુ હુમલાને રોકી રાખ્યો…
G20 સમિટ માટે ભારતની મુલાકાત પહેલા બ્લિંકને કહ્યું, ‘પુતિન આ યુદ્ધમાં યુક્રેન સામે વધુ અતાર્કિક પ્રતિક્રિયા આપી શક્યા હોત. મોસ્કો તરફથી વારંવાર પરમાણુ હુમલાની ધમકીઓ મળી રહી હતી. આ એક ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું- અમે તે તમામ દેશોને વિનંતી કરી છે કે જેમના સંબંધો સારા છે આ યુદ્ધનો અંત આવે. મને લાગે છે કે તેની થોડી અસર થઈ છે. જેમાં ચીન અને ભારતનો પણ સમાવેશ થાય છે. બંને દેશોએ રશિયાને યુક્રેન પર પરમાણુ હુમલો કરતા અટકાવવાનો પ્રયાસ કર્યો અને સફળતા મેળવી. ભારતની મુલાકાત પહેલા અમેરિકાના વિદેશ મંત્રીએ ભારત અને ચીનની પ્રશંસા કરી હતી.

રશિયા અને ભારત દાયકાઓથી સારા મિત્ર
વધુમાં તેમણે કહ્યું હતું કે ” રશિયા દાયકાઓથી ભારતની નજીક રહ્યો છે,જેણે તેને તેના સંરક્ષણ માટે લશ્કરી સાધનો પૂરા પાડ્યા હતા, પરંતુ અમે છેલ્લા કેટલાક વર્ષોમાં જે જોયું છે તે એ છે કે માત્ર રશિયા પર આધાર રાખવાને બદલે, ભારત અમારી અને ફ્રાન્સ જેવા અન્ય દેશો સાથે કામ કરી રહ્યું છે.”

ભારત અને ચીને મતદાન કરવાથી દૂર રહ્યા
યુક્રેન યુદ્ધને એક વર્ષ પૂર્ણ થતા યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે શુક્રવારે 193 સભ્યોની યુએન જનરલ એસેમ્બલીમાં ભારત અને ચીને મતદાન કરવાથી દૂર રહ્યા હતા. જ્યારે 141 સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે સાત સભ્યોએ તેનો વિરોધ કર્યો હતો. ભારત અને ચીન ગેરહાજર રહેલા 32 સભ્યોમાં સામેલ હતા.

આ યુદ્ધનો યુગ નથી- પીએમ મોદી
ભારત અને ચીન બંનેએ અત્યાર સુધી યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીત અને શાંતિપૂર્ણ વાટાઘાટોની હાકલ કરવાને બદલે તટસ્થ વલણ અપનાવ્યું છે. યુએનમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રૂચિરા કંબોજે યુએનને જણાવ્યું હતું કે યુક્રેન સંઘર્ષ અંગે ભારતનો અભિગમ લોકો-કેન્દ્રિત રહેશે અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદનને પુનરોચ્ચાર કર્યો કે આ યુદ્ધનો યુગ હોઈ શકે નહીં.

Most Popular

To Top