Sports

IND vs AFG: રોહિત-રિંકુની તુફાની બેટિંગ બાદ ચિન્નાસ્વામીનો કમાલ દેખાયો, ભારતની રોમાંચક જીત

નવી દિલ્હી: બેંગલુરુના (Bengaluru) ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (Chinnaswamy Stadium) ગઇ કાલે 17 જાન્યુઆરીએ ભારત (India) અને અફઘાનિસ્તાન (Afghanistan) વચ્ચે T20 મેચમાં બે સુપર ઓવર (Super Over) રમાઇ હતી. આ ક્રિકેટ ઇતિહાસની પ્રથમ મેચ બની જ્યાં બે સુપર ઓવર (ડબલ સુપર ઓવર) થઈ હતી.

ભારતે અફઘાનિસ્તાનને ત્રણ મેચની T20 શ્રેણીમાં હરાવ્યું છે. પ્રથમ અને બીજી ટી20 છ-છ વિકેટે જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ત્રીજી ટી20માં અફઘાનિસ્તાનને ડબલ સુપર ઓવરમાં હરાવ્યું હતું. રોહિત શર્માના અણનમ 121 રન અને રિંકુ સિંહના અણનમ 69 રનની મદદથી નિર્ધારિત 20 ઓવરમાં ભારતે ચાર વિકેટે 212 રન બનાવ્યા હતા. તેમજ અફઘાનિસ્તાનની ટીમ પણ 20 ઓવરમાં છ વિકેટ ગુમાવીને 212 રન બનાવી શકી હતી. મેચ ટાઈ થઈ હતી અને સુપર ઓવરમાં પહોંચી હતી.

ટીમ ઈન્ડિયાએ બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ડબલ સુપર ઓવર હેઠળ રમાયેલી ત્રીજી મેચમાં પણ અફઘાનિસ્તાનને હરાવ્યું હતું. મેચના પરિણામ કરતાં વધુ આ મેચ ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે યાદ રહેશે. જે પ્રથમ સુપર ઓવરમાં નિવૃત્ત થયા બાદ સુપર ઓવરમાં ફરી બેટિંગ કરી રહ્યો હતો.

20મી ઓવરમાં શું થયું?
અફઘાનિસ્તાનને જીતવા માટે છેલ્લી ઓવરમાં 19 રનની જરૂર હતી. ગુલબદ્દીન નાયબ ક્રિઝ પર હતો. તેણે શરાફુદ્દીન અશરફ સાથે મળીને 20મી ઓવરમાં 18 રન બનાવ્યા અને મેચ ટાઈ થઈ ગઈ હતી. ગુલબદીન 23 બોલમાં ચાર ચોગ્ગા અને ચાર છગ્ગાની મદદથી 55 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો હતો. તેમજ ભારત તરફથી વોશિંગ્ટન સુંદરે ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે જ અવેશ ખાન અને કુલદીપ યાદવને એક-એક વિકેટ મળી હતી.

સુપર ઓવરમાં શું થયું?
પ્રથમ સુપર ઓવરમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 16 રન બનાવ્યા હતા. તેમજ ભારત પણ 16 રન બનાવી શક્યું હતું. બીજી સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ભારતે 11 રન બનાવ્યા અને ત્યારબાદ અફઘાનિસ્તાનને માત્ર એક જ રન બનાવવા દીધો હતો. અફઘાનિસ્તાનની ટીમે ત્રણ બોલમાં બે વિકેટ ગુમાવી દીધી અને આ રીતે ટીમ ઈન્ડિયાનો વિજય થયો હતો. બીજી સુપર ઓવરમાં રવિ બિશ્નોઈ બોલિંગ કરવા આવ્યો અને અફઘાનિસ્તાનની ટીમ તેની સ્પિનમાં ફસાઈ ગઈ હતી. તેણે માત્ર ત્રણ બોલમાં મોહમ્મદ નબી અને રહેમાનુલ્લા ગુરબાઝની બે વિકેટ ઝડપી હતી. જણાવી દઇયે કે સુપર ઓવરમાં જ્યારે એક ટીમ બે વિકેટ ગુમાવે છે ત્યારે ઇનિંગ્સ સમાપ્ત થાય છે.

Most Popular

To Top