Editorial

સુધરે તે પાકિસ્તાન નહીં, ઈરાને પણ પાકિસ્તાનના આતંકવાદી અડ્ડાઓ પર હવાઈ હુમલાઓ કર્યા

કૂતરાની પૂછડી વાંકી તે વાંકી…ક્યારેય સુધરે નહીં…આવી જ સ્થિતિ પાકિસ્તાનની છે. આતંકવાદ અને પાકિસ્તાન જાણે એકબીજાના પર્યાય છે. પાકિસ્તાનની આર્થિક હાલત કથળી ગઈ હોવા છતાં પણ આતંકવાદી જુથો અટકતાં નથી. જાણે આતંકવાદી જુથ પાકિસ્તાનને નેસ્તનાબુદ કરી દેશે. અગાઉ પાકિસ્તાન દ્વારા ભારતમાં છમકલાઓ કરવામાં આવતાં ભારતે સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને બરાબરનો સબક શીખવાડી દીધો હતો. પાકિસ્તાને ત્યારબાદ ભારતમાં મોટા છમકલાઓ કરવાનું ટાળ્યું છે પરંતુ સુધરે તે બીજા. પાકિસ્તાને ઈરાનને હેરાન કરતાં હવે ઈરાને પાકિસ્તાન પર સર્જિકલ સ્ટ્રાઈક કરીને સપાટો બોલાવી દીધો છે.

ઈરાને પાકિસ્તાનમાં આતંકવાદી જુથ જૈશ અલ અદલના ઠેકાણાઓ પર હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં બે બાળકોના મોત થયા હોવાનો દાવો પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે પરંતુ આ હુમલાને પગલે પાકિસ્તાનની મેલી મુરાદો જાહેર થઈ જવા પામી છે. પાકિસ્તાનમાં રહેતા આતંકવાદી જુથો ઈરાનને હેરાન કરતાં હતા. જેને કારણે ઈરાને હવાઈ હુમલાઓ કરવા પડ્યા છે. ઈરાનનો આ હુમલો ગત મહિને દક્ષિણ પૂર્વ વિસ્તાર સિસ્તાન-બલૂચિસ્તાનમાં એક ઈરાની પોલીસ સ્ટેશન પર થયેલા ઘાતક હુમલાના જવાબમાં થયો છે. આ હુમલામાં ઓછામાં ઓછા 11 ઈરાની પોલીસ કર્મચારીઓના મોત થયા હતા. ઈરાની મંત્રી અહમદ વાહિદીએ જૈશ અલ-અદલને તેના માટે જવાબદાર ગણાવ્યા હતા.

તેમણે આરોપ લગાવ્યો હતો કે, આતંકવાદીઓએ પાકિસ્તાન તરફથી પંજગુરની નજીક હુમલો કર્યો હતો, જે ઈરાનના હાલની સૈન્ય કાર્યવાહીઓની પાછળ એક સંભવિત ષડયંત્રને સંકેત આપે છે. ઈરાને આતંકવાદીઓના અડ્ડાઓ પર ડ્રોન તેમજ મિસાઈલો દ્વારા હુમલાઓ કર્યા હતા. જેમાં અનેક આતંકીઓ માર્યા ગયા હોવાનો દાવો પણ ઈરાન દ્વારા કરવામાં આવ્યો છે. જ્યારે સામે પાકિસ્તાને એવો દાવો કર્યો છે કે આ હુમલામાં બેના મોત સાથે ત્રણને ઈજા થઈ છે. આ અમારા એરસ્પેસનું ઉલ્લંઘન છે તેવો આક્ષેપ પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો છે. આ હુમલો ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ દ્વારા કરવામાં આવ્યો હતો. ઈરાને કરેલા હવાઈ હુમલાની આતંકવાદી સંગઠન જૈશ અલ અદલ જુથ દ્વારા પુષ્ટિ પણ કરવામાં આવી છે.

બલૂચિસ્તાનના પહાડોમાં આ સંગઠનના અનેક ઉગ્રવાદીઓના ઘરોને ઈરાન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા. હુમલામાં છ ડ્રોન અને અનેક મિસાઈલોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ હુમલામાં જૈશ અલ અદલના આતંકવાદીઓના બે મકાનો ધ્વસ્ત થઈ ગયા હતા. જેમાં આતંકવાદીઓના સગાઓ ભોગ બન્યા હતા. સને 2012માં બનેલા આ આતંકવાદી સંગઠન સુન્ની આતંકવાદી સંગઠન છે. જે ઈરાનના દક્ષિણ પૂર્વ વિસ્તાર બલૂચિસ્તાનથી સંચાલિત થાય છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ આતંકવાદી સંગઠને ઈરાની સુરક્ષા દળો પર અનેક હુમલાઓ કર્યા છે.

ઈરાનના આ હુમલાનો પાકિસ્તાન દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. પાકિસ્તાને તેહરાનમાં ઈરાનના વિદેશ મંત્રાલયના સંબંધિત વરિષ્ઠ અધિકારી સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો અને કહ્યું હતું કે આતંકવાદ તમામ દેશો માટે એક સામાન્ય ખતરો છે. જેના માટે આપણે સાથે મળીને કામ કરવું જોઈએ. આવા હુમલા સારા પડોશીનો પુરાવો આપતા નથી. આ કારણે દ્વિપક્ષીય વિશ્વાસ નબળો પડી શકે છે. આ પાકિસ્તાનની સંપ્રભુતાનું ઉલ્લંઘન કરવાને કારણે તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. ઈરાને પાકિસ્તાન પર કરેલા હુમલાને કારણે આગામી દિવસોમાં બંને દેશો વચ્ચે વધુ માથાકૂટ થાય તેવી સંભાવના છે. ઈરાને પાકિસ્તાન પર હુમલો કરીને બતાવી આપ્યું છે કે પાકિસ્તાન માટે આતંકવાદ કેવા ગંભીર પરિણામો લાવી શકે તેમ છે.

ભારતે અનેક વખત આરોપો મુકવા છતાં અત્યાર સુધી પાકિસ્તાન એવો દાવો કરતું આવ્યું હતું કે તેમના દેશમાં આતંકવાદી સંગઠનો નથી પરંતુ ઈરાને કરેલા હવાઈ હુમલાઓ પાકિસ્તાનના દાવાઓનો ભાંડો ફોડી નાખ્યો છે. પાકિસ્તાનના સરહદી વિસ્તારોમાં અનેક આતંકવાદી સંગઠનો દ્વારા પોતાના અડ્ડાઓ બનાવવામાં આવ્યા છે. આ અડ્ડાઓ મારફત આતંકવાદીઓ દ્વારા ભારત તેમજ ઈરાન જેવા દેશો પર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે. જોકે, ભારત બાદ ઈરાને હવાઈ હુમલાઓ કરીને પાકિસ્તાનને સબક આપ્યો છે. જો પાકિસ્તાન સુધરશે નહી તો ભારત તો ઠીક મુસ્લિમ દેશો જ પાકિસ્તાનનો સફાયો કરી નાખે તો નવાઈ નહીં હોય.

કંગાલિયતના આરે આવીને ઊભેલા પાકિસ્તાને ખરેખર પોતાને ત્યાં રહેલા આતંકવાદી અડ્ડાઓને જાતે જ નાશ કરવા જોઈએ. આતંકવાદીઓ પાકિસ્તાનને ગાંઠતા નથી અને પાકિસ્તાનમાં જ રહીને પાકિસ્તાનની જ ઘોર ખોદી રહ્યા છે. અગાઉ અમેરિકાએ પણ પાકિસ્તાનમાં જ હવાઈ હુમલા કરીને વિશ્વના સૌથી ખુંખાર આતંકવાદી ઓસામાનો ખાતમો કરવો પડ્યો હતો. પાકિસ્તાનમાં જે રીતે આતંકવાદીઓ અને તેમના સંગઠનો પોતાની નાપાક પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તે પાકિસ્તાન માટે ચેતવણી સમાન છે. ભારત બાદ ઈરાને હવાઈ હૂમલા કર્યા છે અને બની શકે કે આગામી દિવસોમાં અન્ય દેશો કે જે પાકિસ્તાનના આતંકવાદનો ભોગ બન્યા હોય તેવો પણ પાકિસ્તાન પર હવાઈ હુમલા કરી શકે છે. આતંકવાદને નહીં નાથે તો પાકિસ્તાન ભવિષ્યમાં વિશ્વના નકશા પરથી ભૂંસાઈ જશે તે નક્કી છે.

Most Popular

To Top