Dakshin Gujarat

ઈન્કમટેક્સ માફ થયો કે યથાવત રહ્યો?: દક્ષિણ ગુજરાતની 15 સહકારી સુગર મંડળીઓના ખેડૂતો ટેન્શનમાં

સુરત: તા.13/03/2022નાં રોજ તાપી જિલ્લાના બાજીપુરા ખાતે સુમુલ ડેરી દ્વારા આયોજિત સહકારથી સમૃદ્ધિ સંમેલનમાં ભારતના પ્રથમ સહકાર મંત્રી અમિત શાહે દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) સહકારી (Co operative) ધોરણે ચાલતી સુગર મંડળીઓનો યુપીએ સરકારના સમયથી ચાલી આવતા કરોડોના બાકી ઇન્કમટેક્સનો (Income Tax) પ્રશ્ન કેન્દ્ર સરકારે ઉકેલી દીધો હોવાની જાહેરાત પછી કેન્દ્રના નાણાં મંત્રાલયે ટેક્સ માફીને (Tax Relief) લગતું નોટિફિકેશન (Notification) પ્રસિદ્ધ નહીં કરતાં ખેડૂતો (Farmers) અને સુગર મંડળીઓ (Sugar) અવઢવમાં મુકાઈ છે.

સાયણ સુગર સહકારી મંડળીના ડિરેક્ટર અને ખેડૂત આગેવાન દર્શન નાયકે કેન્દ્રના સહકાર મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે. જેમાં જણાવ્યું છે કે, 13 માર્ચના રોજ સુમુલ ડેરીની બાજીપૂરા દાણ ફેકટરીમાં સહકાર મંત્રીએ સુગર મંડળીઓનો 2011-12 થી ચાલી આવતો ઇન્કમટેક્સ અને વ્યાજ માફ કરી દેવાયું છે.આ જાહેરાતને સવા મહિનો થયા છતાં કેન્દ્રના નાણાં મંત્રાલયે દક્ષિણ ગુજરાત સહિત રાજ્યની 17 સહકારી સુગર મંડળીઓનો ટેક્સ અને વ્યાજ માફી અંગે કેન્દ્રના નાણાં મંત્રાલય દ્વારા કોઈ નોટિફિકેશન કે ગેઝેટ પ્રસિદ્ધ કરવામાં આવ્યું નથી. ઇન્કમટેક્સ વિભાગે પણ સુગર મંડળીઓને આવો કોઈ ટેક્સ માફીનો નિર્ણય લેવાયો છે એ અંગે જાણ કરી નથી. જેથી એન્યુઅલ રિટર્નમાં આ બાકી રકમ બહાર કાઢી શકાય.

નાયકે મુખ્યમંત્રી અને સહકાર મંત્રીને શેરડી પક્વતા ખેડૂતોના હિતમાં તાત્કાલીક સુગર મિલો ઉપરના ઇન્કમટેક્ષ માફ કરવા અંગે ગેઝેટ – નોટિફિકેશન બહાર પાડી સહકારી સુગર મિલોને જાણ કરવા માંગ કરી છે. તે ઉપરાંત વર્ષ 2020 ના વર્ષમાં તૌઉતે વાવાઝોડાને કારણે સાયણ સુગર મિલના શેરડી પકવતા ખેડૂત સભાસદોને 14 કરોડ રૂપિયાનું નુકસાન થયુ હતું.અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા થયેલ નુકસાન વળતર ની માંગણી કરવામાં આવી હતી.એનો આજ સુધી કોઈ નિકાલ થયો નથી.અને એક પણ રૂપિયાનું નુકસાની વળતર ખેડૂતો ને સરકાર દ્વારા ચૂકવવામાં આવ્યું નથી.

સહકાર મંત્રી અને મુખ્યમંત્રી સમક્ષ આ માંગણીઓ કરાઈ

  • સુરત ડિસ્ટ્રીકટબેક તરફ થી સુગર મિલોને આપવામાં આવતી ટર્મ લોન સુગર મિલો પાસે 8.25% વસુલ કરવામાં આવે છે જેને ખેડૂતો ના હિતમાં ઘટાડી 7% જેટલો કરવામાં આવે.
  • સરકાર દ્વારા અગાઉના સમયમાં સુગર ફેક્ટરીઓ માટે સોફ્ટલોન આપવામાં આવતી હતી.તે હાલમાં બંધ કરી દેવામાં આવી છે.સંસ્થામાં નાણાકીય વાર્ષિક કામગીરી માટે આ લોન ની જરૂરિયાત હોવાથી તત્કાલ અસર થી શેરડી પકવતા ખેડૂતોના હિતમાં ફરી શરૂ કરવામાં આવે.
  • સુરત જિલ્લા ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા સહકારી મંડળીઓને આપવામાં આવતા ઓવરડ્રાફ્ટ ઉપર 9 ટકા જેટલું વ્યાજ વસુલ કરવામાં આવે છે,જેનો બોજો છેલ્લે ખેડૂતો ઉપર જ આવે છે. ખેડૂતોના હિતમાં સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા સહકારી મંડળીઓ પાસે ઓવરડ્રાફ્ટ ઉપર લેવામાં આવતું વ્યાજ 9 % થી ઘટાડી 8 % કરવામાં આવે.
  • સુરત ડિસ્ટ્રીક બેંક દ્વારા સહકારી મંડળીઓને ક્રોપ લોન આપવામાં આપવામાં આવે છે,જેની ઉપર સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા 8 ટકા વ્યાજ વસુલ કરવામાં આવે છે. આ ક્રોપ લોન ઉપર નો વ્યાજદર ખેડૂતો ના હિતમાં ઘટાડી 7 ટકા કરવામાં આવે.
  • સુરત સહિત દક્ષિણ ગુજરાતની અનેક સહકારી મંડળીઓ દ્વારા પેટ્રોલ- ડીઝલ પંપ ચલાવવામાં આવે છે. આ સહકારી મંડળી ઓને હાલ કન્ઝ્યુમર ભાવે પેટ્રોલ-ડીઝલ આપવામાં આવતું નથી, જેને કારણે અનેક સહકારી મંડળીઓને પેટ્રોલ પંપ બંધ કરવાનો વારો આવ્યો છે અને જે ચાલે છે તેને ખોટ ખાવાનો વારો આવી રહ્યો છે.
  • સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઉનાળુ ડાંગરનો પાક તૈયાર થઈ ગયો છે અને પાકની લળણીની તૈયારી છે. ત્યારે સિઝનની શરૂઆત થવાની હોવા છતાં સરકાર દ્વારા ટેકાના ભાવે ડાંગર ખરીદવા માટે કોઈ પણ કેદ્રોની સહકારી મંડળીઓને ફાળવણી કરવામાં આવી નથી. ડાંગર પકવતા ખેડૂતોના હિત માટે સહકારી મંડળી સરકારમાં અરજી કરે કે ના કરે,તમામ સહકારી મંડળીઓને ટેકાના ભાવે ડાંગર ખરીદ કરવા માટે મંજૂરી આપવામાં આવે.

Most Popular

To Top