Madhya Gujarat

ઉમરેઠમાં સગીરાને વિધર્મીથી બચાવનારા યુવકો સામે ગુનો નોંધાતાં રોષ ભડક્યો

ઉમરેઠ : ઉમરેઠમાં શનિવારની રાત્રે સગીરાની છેડતી કરનાર વિધર્મીને ઠપકો આપ્યા બાદ સ્થિતિ વણસી હતી. તેમાં પણ ખુલ્લા હથિયારો સાથે વિધર્મીના ટોળાએ બે કલાક સુધી આતંક મચાવી ભયનું વાતાવરણ ઉભુ કરવાને લઇ ભારે રોષની લાગણી જન્મી હતી. બીજી તરફ બળતામાં ઘી હોમવા બરાબર ઉમરેઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે જવાબદાર ટોળા સામે કાર્યવાહી કરવાના બદલે બેલેન્સના નામે હિન્દુ યુવકો સામે જ કાવત્રા સહિતની ગંભીર કલમ લગાડી ગુનો નોંધતા સ્થિતિ સ્ફોટક બની ગઈ હતી. જેના પગલે મંગળવારે ઉમરેઠ બંધનું એલાન આપવામાં આવ્યું હતું.

જેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો હતો. બાદમાં બપોરે રેલી કાઢી હિન્દુ યુવકો સામે કરેલો કેસ પરત ખેંચી એ.એસ. રબારીને સસ્પેન્ડ કરવા માગણી કરી હતી. ઉમરેઠ મામલતદારને આપેલા આવેદનપત્રમાં હિન્દુ સંગઠનોએ જણાવ્યું હતું કે, હિન્દુ સગીરાને વિધર્મી દ્વારા છેડતી કરતા તેમના વિરૂદ્ધ રજુઆત કરતા હિન્દુ યુવકો સામે જ ગંભીર કલમો લગાવી કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે તોફાની તેમજ અસામાજિક તત્વોને પાઠ ભણાવવાની જગ્યાએ બેલેન્સ કરવાના બહાને હિન્દુ યુવાનો સામે કેસ દાખલ કરવામાં ઘેરા પડઘા પડ્યાં હતાં.

આ આવેદનપત્રમાં ઉમરેઠ પોલીસ સામે ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ઉમરેઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીને જાણે કે રાતોરાત એવોર્ડ લઇને સિનિયર અધિકારીને ખુશ કરીને ખુબ જ મોટી પોલીસ સ્ટેશન ધારણ કરવી હોય તેમ ઉમરેઠની ઘટનામાં સાચી હકિકત દબાવી હિન્દુ યુવાનો વિરૂદ્ધ ખૂબ જ ગંભીર આક્ષેપો લગાવી ગંભીર કલમો લગાવી પોતાનો અંગત સ્વાર્થ રાખી તદ્દન ખોટો કેસ દાખલ કર્યો છે. ઉમરેઠની સગીર હિન્દુ દિકરીની સરેઆમ વિધર્મી છેડતી કરે છે. રાતોરાત એ દિકરી તેની બહેનપણી પોતાના પિતાને લઇને ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં રૂબરૂ ફરિયાદ આપવા જાય છે, આટલી ગંભીર બાબતને ખૂબ જ સહજતાથી સામાન્ય અરજી લઇને દિકરીઓને પરિવાર સાથે કાલે આવજો. તેમ કહીને મોકલી દેવામાં આવે છે.

ઉમરેઠમાં સગીરાની છેડતી બાદ પોલીસની નીતિ રીતીને લઇ ભારેલો અગ્ની જેવો માહોલ સર્જાયો છે. તેમાં પણ મંગળવારે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને જબરજસ્ત આવકાર મળતાં મોટા ભાગની દુકાનો બંધ રહી હતી. બીજી તરફ હિન્દુ યુવાનો થયેલો કેસ પરત ખેંચવા સહિતની માગણીને લઇને હિન્દુ સંગઠનો દ્વારા બપોરે રેલી યોજી મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપ્યું હતું. આ ઉપરાંત હનુમાન ચાલીસાના પાઠ પણ કરવામાં આવ્યાં હતાં. જોકે, પોલીસે પણ કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

ઉમરેઠ પોલીસ ઉપરાંત એલસીબી, એસઓજી, ડિવિઝનની પોલીસ, હેડ ક્વાટર્સમાંથી માણસો મોકલી સંવેદનશીલ વિસ્તારમાં પોઇન્ટ ગોઠવ્યાં હતાં. આ ઉપરાંત સતત પેટ્રોલીંગ કરવામાં આવ્યું હતું. જ્યારે ગામડામાં પણ છમકલાં ન થાય તે માટે ચાંપતી નજર રાખવામાં આવી હતી. ઉમરેઠ ખાતે રેલી સહિતના કાર્યક્રમમાં એડવોકેટ કેતન પટેલ, પીન્કલ ભાટિયા સહિત મોટી સંખ્યામાં યુવાનો જોડાયાં હતાં. જ્યારે પ્રાંત અધિકારી વિમલ પટેલ, ડીવાયએસપી જે. એન. પંચાલ પણ ઉમરેઠ પહોંચ્યાં હતાં. જેઓએ હિન્દુ સંગઠનના આગેવાનોને શાંતિથી સાંભળ્યા હતાં અને સમગ્ર મામલે ટુંક સમયમાં યોગ્ય કરવા ખાતરી આપી હતી.

હજુ છેડતીનો ગુનો નોંધાયો નથી
ઉમરેઠમાં છેલ્લા બે દિવસથી સગીરાની છેડતીને લઇ સ્થિતિ વણસી છે. આમ છતાં ઉમરેઠ પોલીસ કોઇ ભેદી સંજોગોમાં છેડતી કરનારા યુવકો સામે છેડતીનો ગુનો નોંધતી નથી. બીજી તરફ સગીરાને બચાવવા દોડેલા હિન્દુ યુવકો સામે મારામારી અને કાવત્રાનો ગુનો નોંધી પગલાં ભરવાના શરૂ કર્યાં હતાં. જેથી વધુ રોષ ભડક્યો હતો. જો ઉમરેઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટરે કાર્યવાહી કરી હોત તો પ્રજામાં આનંદની લાગણી હોત હોવાનો પણ કટાક્ષ કર્યો હતો.

ઘાતક હથિયારો લઇ ફરનાર કોણ ?
ઉમરેઠના ચંદ્રમૌલેશ્વર મહાદેવના મંદિરવાળા વિસ્તારમાં રાત્રે વિધર્મીના ટોળે ટોળા જાનલેવા હથિયારો (લાકડી, તલવાર, કાચની બોટલ, પથ્થર) લઇને રમખાણ પાર પાડવાના કાવતરા સાથે ખુલ્લેઆમ નારા સાથે નિકળ્યાં હતાં. તેના સીસીટીવી ફુટેજો પુરાવાના સ્વરૂપે પોલીસને આપવામાં આવ્યાં છે. આમ છતાં પોલીસ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવી ન હોવાનો આક્ષેપ હિન્દુ સંગઠન દ્વારા કરવામાં આવ્યો છે.

  • હિન્દુ સંગઠને કઇ કઇ માગણી કરી હતી ?
  • ચંદ્ર મૌલેશ્વર મહાદેવના વિસ્તારમાં જાનલેવા હથિયારો સાથે જે વિધર્મી રમખાણ મચાવેલું તે તમામને તાત્કાલિક ધપકડ કરવામાં આવે અને તેમના ઘર, આશ્રય સ્થાનોમાં કોમ્બિંગ કરવામાં આવે.
  • વિધર્મી રમખાણ મચાવેલું તે સમયે સરકારી સ્ટ્રીટ લાઇટ કોના ઇશારે બંધ કરવામાં આવી હતી ? તે તપાસ કરવામાં આવે. કારણ કે, સંધ્યાકાળે સરકારી સ્ટ્રીટ લાઇટ બંધ કરીને જાનલેવા હુમલાનાં કાવતરા રચીને ખૂબ મોટું કાવતરૂં રચાઇ શક્યું હોત.
  • વિધર્મીઓએ જે આતંક મચાવ્યો અને જે કલમો લગાવી તે જ કલમ નિર્દોષ હિન્દુ યુવાનો વિરૂદ્ધ લગાવીને પોલીસ શું સાબિત કરવા માંગે છે ? શા માટે બેલેન્સ કરવા માંગે છે ? પોલીસ હિન્દુ યુવાનોને જે ઘટનામાં સંડોવવા માંગે છે તે ઘટના સ્થળે હાજર જ નહતાં. આમ, ખોટી રીતે ફસાવવામાં આવેલા હિન્દુ યુવાનોને ઉમરેઠ પીએસઆઈ એ.એસ. રબારીએ હિન્દુત્વની ભાવનાનો કાંટો કાઢી નાંખા માટે કોટી ફરિયાદ દાખલ કરી છે.
  • પોક્સો જેવા કાયદાની ગંભીર ઘટનાને સમજી ન શકનારા ઉમરેઠ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એસ. રબારીની તાત્કાલિક બદલી કરવામાં આવે તેમજ ફરજ પરની બેદરકારીને ધ્યાને લઇ તેમની વિરૂદ્ધ સત્વરે ખાતાકીય તપાસ કરવામાં આવે.
  • ઉમરેઠ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવે કે સગીરા અને તેના પિતા ફરિયાદ કરવા માટે આવેલા. પરંતુ પીએસઆઈએ ખોટું બોલીને મોટા અધિકારીને કેટલી હદે ગેરમાર્ગે દોર્યા છે. જેના માછલા સમગ્ર પોલીસના માથે ધોવાઇ રહ્યાં છે.

Most Popular

To Top