યુપીએના રાજમાં અંતરિક્ષ-દેવાસ કૌભાંડમાં ૧૨,૫૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો

યુપીએના રાજમાં કોમનવેલ્થ ગેમ્સથી લઈને ૨-જી અને કોલગેટ સુધીનાં કૌભાંડો થયાં હતાં. તેને કારણે કેન્દ્રમાં યુપીએની સરકારની વિદાય થઈ હતી અને ૨૦૧૪ માં ભાજપી મોરચાની સરકાર આવી હતી. તેમાં પણ અંતરિક્ષ-દેવાસ વચ્ચેના સોદામાં ૧૨,૫૦૦ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો. અંતરિક્ષ કંપની ભારત સરકારની માલિકીની હતી તો દેવાસ કંપની ભારતીય હતી, પણ તેમાં વિદેશીઓ દ્વારા મોટું મૂડીરોકાણ કરવામાં આવ્યું હતું. આ કૌભાંડ બહાર આવતાં જ સતર્ક થઈ ગયેલી યુપીએ સરકારે અંતરિક્ષ-દેવાસ સોદો રદ કર્યો હતો, પણ દેવાસ કંપની સરકારના નિર્ણય સામે ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની કોર્ટમાં ગઈ હતી. આ કોર્ટે ભારત સરકારને દેવાસ કંપનીને ૯,૦૦૦ કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. તદુપરાંત ફ્રાન્સ અને કેનેડાની કોર્ટે પણ દેવાસને વળતર ચૂકવવાનો આદેશ કર્યો હતો. ભારત સરકારે દેવાસને વળતર ચૂકવવામાં આનાકાની કરી ત્યારે કોર્ટે વિદેશોમાં રહેલી ભારત સરકારની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ કર્યો હતો, જેમાં ભારત સરકારની માલિકીની એર ઇન્ડિયા કંપનીનાં વિમાનોનો સમાવેશ પણ થતો હતો.

દેવાસ કંપની એક બાજુ ભારત સરકાર સામે ઇન્ટરનેશનલ કોર્ટમાં લડી રહી હતી તો બીજી બાજુ ભારત સરકાર તેની સામે આપણા દેશની નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (એનસીએલટી) માં લડી રહી હતી. એનસીએલટીનો ચુકાદો દેવાસ કંપનીની વિરુદ્ધમાં આવતાં તેણે નેશનલ કંપની લો એપેલેટ ટ્રિબ્યુનલમાં તેની સામે અપીલ કરી હતી. તેનો ચુકાદો પણ દેવાસ કંપનીની વિરુદ્ધમાં આવતાં તેણે ભારતની સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી હતી. હવે સુપ્રિમ કોર્ટે પણ દેવાસ કંપનીની વિરુદ્ધમાં ચુકાદો આપતાં ભારતમાં તેની લડતનો અંત આવ્યો છે. ભારત સરકારે હવે આ ચુકાદાનો ઉપયોગ કરીને ઇન્ટરનેશનલ કોર્ટમાં લડત આપવી પડશે. યુપીએ સરકાર દ્વારા આચરવામાં આવેલા કૌભાંડમાં કોઈને સજા નથી થઈ; પણ તેની લડત ભાજપ સરકારે આપવી પડે છે.

યુપીએના રાજમાં કેવી રીતે સરકારી કોન્ટ્રેક્ટોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હતો, તેનું આદર્શ ઉદાહરણ અંતરિક્ષ-દેવાસ સોદો છે. ઇ.સ. ૨૦૦૫ માં ભારત સરકારની માલિકીની ઇસરો કંપનીની વ્યાપારી શાખા અંતરિક્ષ અને બેંગ્લોરની દેવાસ મલ્ટીમીડિયા કંપની દેવાસ વચ્ચે એક કરાર પર સહી કરવામાં આવી હતી. દેવાસ કંપની ઇસરોના કેટલાક ભૂતપૂર્વ કર્મચારીઓ દ્વારા જ શરૂ કરવામાં આવી હતી. આ કરાર મુજબ અંતરિક્ષ કંપની ૭૬૬ કરોડ રૂપિયાના ખર્ચે બે સેટેલાઈટ લોન્ચ કરીને તેને દેવાસ કંપનીને ૧૨ વર્ષ માટે ૧૬૭ કરોડના ભાડા સાથે લીઝ પર આપવાની હતી. ભારત સરકાર દેવાસ કંપનીને ૨-જી સ્પેક્ટ્રમ પણ ૧,૦૦૦ કરોડ રૂપિયાની મામૂલી કિંમતે વેચવાની હતી. ભારત સરકારે આ સ્પેક્ટ્રમ બીએસએનએલ જેવી સરકારી કંપનીને ૧૨,૫૦૦ કરોડ રૂપિયામાં વેચ્યું હતું. દેવાસ કંપનીને તે પાણીના ભાવે વેચાવાનું હતું. દેવાસ કંપની આ સેટેલાઇટનો ઉપયોગ વિવિધ મોબાઇલ કંપનીઓને ૨-જી સેવા આપવા માટે કરવાની હતી. આ સોદાને કારણે દેશની તિજોરીને આશરે બે લાખ કરોડ રૂપિયાનું નુકસાન જવાની સંભાવના હતી.

ઇ.સ. ૨૦૧૧ માં ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ બહાર આવ્યું ત્યારે ડો. મનમોહનસિંહની સરકારે ઉતાવળમાં અંતરિક્ષ-દેવાસ સોદો રદ કર્યો હતો. ૨૦૧૪ માં ભાજપના મોરચાની સરકાર સત્તા પર આવી તે પછી તેણે સીબીઆઈને આ કૌભાંડની તપાસ કરવાનું કામ સોંપ્યું હતું. ૨૦૧૬ માં સીબીઆઈએ અંતરિક્ષ, દેવાસ અને ઇસરોના ૮ ટોચના અધિકારીઓ સામે ચાર્જશીટ ફાઇલ કરી હતી. તેમાં ઇસરોના ભૂતપૂર્વ ચેરમેન માધવન નાયરનો પણ સમાવેશ થતો હતો. સીબીઆઈના આરોપ મુજબ આ અધિકારીઓએ કાવતરું કરીને દેશની તિજોરીને ૫૭૮ કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું. તેમાંના ૮૫ ટકા રૂપિયા તો વિદેશમાં મોકલી દેવામાં આવ્યા હતા. જો આ સોદો પૂરો કરવામાં આવ્યો હોત તો દેશની તિજોરીને ૧૨,૫૦૦ કરોડ રૂપિયાનું નુકસાન થયું હોત.

ભારત સરકારે સોદો રદ કર્યો ત્યારે દેવાસ કંપનીના કેટલાક વિદેશી રોકાણકારો ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સની કોર્ટમાં ન્યાય માટે ગયા હતા. તેમણે ભારત સરકાર અને અંતરિક્ષ સામે નેધરલેન્ડમાં ફરિયાદ કરી હતી. ભારત સરકારે આ કેસમાં કોઈ વકીલ જ રોક્યો નહોતો. ૨૦૨૦ ના ઓક્ટોબરમાં ઇન્ટરનેશનલ કોર્ટે ભારત સરકારને આદેશ કર્યો હતો કે તેણે દેવાસ કંપનીને ૮૩૫ કરોડ રૂપિયાનું વળતર ચૂકવી આપવું જોઈએ. ભારત સરકારે વળતર ચૂકવવાનો ઇનકાર કર્યો ત્યારે ફ્રાન્સ અને કેનેડાની સરકારે તો તેમના દેશમાં ભારત સરકારની મિલકતો ટાંચમાં લેવા માંડી હતી.

ઇન્ટરનેશનલ કોર્ટના ચુકાદાને કારણે વિદેશોમાં ભારતની બદનામી થતી હોવાથી ભારત સરકાર દ્વારા દેવાસ સામે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલમાં દાવો દાખલ કરવામાં આવ્યો હતો. આ દાવો સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. સુપ્રિમ કોર્ટે પોતાના ચુકાદામાં દેવાસ કંપનીનું વિસર્જન કરવાનો આદેશ કર્યો છે. આ ચુકાદાને લઈને ભારત સરકારે હવે ઇન્ટરનેશનલ કોર્ટમાં જવું પડશે અને તેના ચુકાદાને રદ કરવા માટે પુરુષાર્થ કરવો પડશે. જાણકારો કહે છે કે જો ભારત સરકાર ઇન્ટરનેશનલ કોર્ટમાં બરાબર લડી હોત તો તેણે શરમજનક સ્થિતિમાં મૂકાવું પડત નહીં. તેમના કહેવા મુજબ ઇન્ટરનેશનલ કોર્ટના કેસમાં ભારત સરકારે રાષ્ટ્રીય સુરક્ષાના મુદ્દાનો પણ ઉપયોગ કરવાની જરૂર હતી. જો તેનો ઉપયોગ કરવામાં આવ્યો હોત તો પરિણામ અલગ હોત.

આ કૌભાંડમાં મૂળ સવાલ એ છે કે યુપીએના રાજમાં વડા પ્રધાન અને સંદેશવ્યવહાર ખાતાના પ્રધાનની જાણકારી અને પરવાનગી વગર અંતરિક્ષ કંપની આટલા મોટા સોદા પર સહીસિક્કા કરી શકે તેમ હતી? શું આ કૌભાંડ માટે ઇસરોના તત્કાલીન અધ્યક્ષ માધવન નાયર જ જવાબદાર હતા? શું તે માટે સરકારમાં ઉચ્ચ સ્થાને બેઠેલા કોઈ નેતા જવાબદાર નહોતા? જે રીતે ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં તત્કાલીન ટેલિકોમ મંત્રી એ. રાજાને જેલમાં નાખવામાં આવ્યા હતા અને કોમનવેલ્થ કૌભાંડમાં સુરેશ કલમાડીને જેલમાં નાખવામાં આવ્યા હતા, તેવી રીતે અંતરિક્ષ-દેવાસ કૌભાંડમાં સરકારમાં સત્તાના સ્થાને બેઠેલા કોઈ નેતાને શા માટે જેલમાં નાખવામાં આવ્યા નહોતા? શું આ કૌભાંડ બાબતમાં ભાજપના મોરચા અને યુપીએના નેતાઓ વચ્ચે ફિક્સિંગ થયું હતું?

બહુ ઓછા લોકોને યાદ હશે કે ઇ.સ.૨૦૧૧ માં અંતરિક્ષ દેવાસ સોદામાં ભ્રષ્ટાચારનો જે વિવાદ થયો તેને કારણે ત્યારે જીસેટ-૬-એ સેટેલાઇટ સમાચારોમાં ચમક્યો હતો. ઇ.સ.૨૦૦૫ માં ઇસરોની વેપારી શાખા ગણાતી અંતરિક્ષ કંપનીએ બેંગ્લોરની દેવાસ મલ્ટિમીડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે ૭૦ મેગાહર્ટ્ઝના દુર્લભ ગણાતા એસ બેન્ડ માટે કરાર કર્યો હતો. તે માટે જીસેટ-૬ અને જીસેટ-૬-એ ના ૯૦ ટકા ટ્રાન્સપોન્ડર દેવાસ કંપનીને લીઝ પર આપવાનું નક્કી થયું હતું. તેની સામે દેવાસ કંપની અંતરિક્ષને ૧૨ વર્ષમાં આશરે ૧,૯૦૦ કરોડ રૂપિયા ચૂકવવાની હતી. ૨૦૧૮ માં જીસેટ-૬-એ નામનો સેટેલાઈટ છોડવામાં આવ્યો તે પછી તે અવકાશમાં ગૂમ થઈ ગયો હતો. તેને કારણે ભારતના અવકાશી કાર્યક્રમને ૨૭૦ કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. જો અંતરિક્ષ-દેવાસ સોદો રદ ન કરવામાં આવ્યો હોત તો તેનું નુકસાન પણ ઇસરોને જ ગયું હોત.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top