મધ્યપૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકાને ખુલ્લી ચેતવણી આપતાં વૈશ્વિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. ઈરાનના ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો પશ્ચિમ દેશો અને અમેરિકા સતત દબાણ વધારશે તો ઈરાન Nuclear Non-Proliferation Treaty (NPT)માંથી બહાર નીકળવાનો નિર્ણય લઈ શકે છે. ઈરાને ચેતવણી આપી છે કે જો એવો નિર્ણય લેવાશે તો તેના પરિણામો અમેરિકા અને પશ્ચિમ દેશો માટે ગંભીર બની શકે છે.
ઈરાનના સંસદસભ્યો અને સરકારના નજીકના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ અમેરિકા દ્વારા લગાવવામાં આવેલા નવા પ્રતિબંધો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ અંગે વધતા દબાણને કારણે તેહરાનમાં ભારે નારાજગી છે. તેમજ ઈરાનના કેટલાક નેતાઓએ કહ્યું છે કે જો પશ્ચિમ દેશો ઈરાનને ખૂણામાં ધકેલવાનો પ્રયાસ કરશે તો દેશ NPT કરારમાંથી બહાર નીકળવા માટે મજબૂર થઈ શકે છે. નોંધનીય છે કે NPT એ વૈશ્વિક સ્તરે પરમાણુ હથિયારોના ફેલાવાને રોકવા માટે બનાવવામાં આવેલ મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કરાર છે.
ઈરાને ખાસ કરીને હોર્મુઝ જળસંધિ (Strait of Hormuz) મુદ્દે પણ કડક વલણ દર્શાવ્યું છે. ઈરાની નેતાઓએ જણાવ્યું કે જો દેશની સુરક્ષા અને આર્થિક હિતોને જોખમ પહોંચશે તો હોર્મુઝ જળમાર્ગ અંગે પણ કડક પગલાં લેવામાં આવી શકે છે. સાથે જ હોર્મુઝ જળસંધિ વિશ્વ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે જેનું એ કારણ એ છે કે વિશ્વના મોટા ભાગનું ક્રૂડ ઓઈલ આ જ માર્ગથી પસાર થાય છે. જો અહીં કોઈ વિક્ષેપ સર્જાય તો સમગ્ર વિશ્વમાં તેલના ભાવમાં ભારે ઉછાળો આવી શકે છે.
વિશેષજ્ઞોના મતે ઈરાનની આ ચેતવણી માત્ર રાજકીય નિવેદન નથી પરંતુ તે અમેરિકાને સીધો સંદેશ છે કે તેહરાન હવે વધુ દબાણ સહન કરવા તૈયાર નથી. છેલ્લા કેટલાક અઠવાડિયામાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવમાં નોંધપાત્ર વધારો થયો છે. અમેરિકા ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને ચિંતિત છે, જ્યારે ઈરાનનો આરોપ છે કે અમેરિકા તેની અર્થવ્યવસ્થા અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો માને છે કે જો ઈરાન ખરેખર NPTમાંથી બહાર નીકળે તો મધ્યપૂર્વમાં પરમાણુ હથિયારોની સ્પર્ધા વધી શકે છે. આ પગલાંથી ઈઝરાયેલ, સાઉદી અરેબિયા અને અન્ય પશ્ચિમ સમર્થક દેશોમાં ચિંતા વધી શકે છે. અમેરિકા સહિત અનેક પશ્ચિમ દેશો ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર સતત નજર રાખી રહ્યા છે.હોર્મુઝ જળસંધિ અંગે ઈરાનના નિવેદન પછી વૈશ્વિક બજારોમાં પણ ચિંતા વધી છે. આંતરરાષ્ટ્રીય ઓઈલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઉછાળો નોંધાયો છે. એની સાથે જ જો હોર્મુઝ માર્ગમાં કોઈ પ્રકારનો અવરોધ ઊભો થાય તો ભારત સહિત અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધુ વધી શકે છે. વિશ્વના લગભગ 20 ટકા તેલ પુરવઠો આ જ માર્ગથી પસાર થાય છે, મહત્વ નું છે કે હોર્મુઝ ને વૈશ્વિક ઊર્જા વ્યવસ્થાનો મહત્વપૂર્ણ માર્ગ માનવામાં આવે છે.
ઈરાનના નિવેદન બાદ અમેરિકા તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી છે. અમેરિકી અધિકારીઓએ જણાવ્યું છે કે તેઓ મધ્યપૂર્વમાં સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે અને પોતાના હિતો તથા સાથી દેશોની સુરક્ષા માટે દરેક જરૂરી પગલાં લેવામાં આવશે. અમેરિકાએ ઈરાનને ઉશ્કેરણીજનક નિવેદનોથી દૂર રહેવાની અપીલ પણ કરી છે.
આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે વૈશ્વિક સ્તરે ચિંતા વધી રહી છે કે જો અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ વધુ વધશે તો તેનો સીધો પ્રભાવ વૈશ્વિક અર્થતંત્ર, ઊર્જા બજાર અને આંતરરાષ્ટ્રીય સુરક્ષા પર પડી શકે છે. મધ્યપૂર્વની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનેક દેશો કૂટનીતિક ઉકેલ માટે પ્રયાસો તેજ કરી રહ્યા છે.