Dakshin Gujarat

આ રીતે ભણશે ગુજરાત? ભરૂચની શાળામાં શિક્ષકો નહીં રસોઈ બનાવનાર વિદ્યાર્થીઓને ભણાવે છે!

ભરૂચ: સરકારી શાળાઓ ઘણી વખત શિક્ષણની ગુણવત્તા, અપૂરતી સુવિધાઓ અને શિક્ષકોના કારણે ચર્ચા કે વિવાદોનો વંટોળ ઊભો થાય છે. ભરૂચમાં આવો વધુ એક મામલો સામે આવ્યો છે. જે સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઊભા કરે છે. સૌના માટે આશ્ચર્ય વચ્ચે ભરૂચ શહેરની એક મુખ્ય શાળામાં મધ્યાહન ભોજનના રસોઈયા બહેન વર્ગખંડમાં બાળકોને નજરે પડ્યા હતા. શાળાના એકમાત્ર શિક્ષક શાળામાંથી કામના બહાને રવાના થઇ જતાં રસોઈની કડછી છોડી મધ્યાહન ભોજનના રસોઈયા બહેન શિક્ષિકા બની ગયાં હતાં.

  • ભરૂચ શહેરની શાળામાં શિક્ષકની ગેરહાજરીમાં ભોજન બનાવવાવાળા બહેન શિક્ષણ આપે છે
  • ભરૂચની લાલ બજાર મિશ્ર શાળામાં શિક્ષકની ઘટ, ધો-૧થી ૫ના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક
  • અમારા શિક્ષક બીજી સ્કૂલમાં ગયા છે, અમને મધ્યાહન ભોજનવાળા માસી ભણાવે છે: શાળામાં ભણતાં બાળકો
  • હું રસોઈ કરવા આવું છું, રીસેસ હતી એટલે સાચવવા બેઠી હતી, મધ્યાહન ભોજનનાં રસોઈયા ભૂમિકાબેન

ગરીબ પરિવાર મફત શિક્ષણ અને મધ્યાહન ભોજનની સુવિધાઓ મળતી હોવા છતાં તકલીફ વેઠીને પણ બાળકને ખાનગી શાળાઓમાં મૂકવાનું પસંદ કરતા હોય છે. ભરૂચની લાલબજાર મિશ્ર શાળામાં શિક્ષકની ઘટ છે. એક જ શિક્ષક ધોરણ-૧થી ૫ના ૫૦ જેટલા વિદ્યાર્થીને અભ્યાસ કરાવે તેવી વ્યવસ્થા છે. શાળામાં રમેશ વસાવા એકમાત્ર શિક્ષક છે. પરંતુ શાળામાંથી કામના બહાને રવાના થઇ જતાં આખરે રસોઈનું કામ છોડીને મધ્યાહન ભોજનના કર્મચારી બહેન શિક્ષિકા બની ગયાં હતાં.

અમારા શિક્ષક બીજી સ્કુલમાં ગયા છે અમને ભોજનવાળા માસી ભણાવે છે: વિદ્યાર્થી
સ્કૂલનો એક વિદ્યાર્થી કહે છે કે અમારા શિક્ષક બીજી સ્કૂલમાં ગયા છે. અમને મધ્યાહન ભોજનવાળા માસી ભણાવે છે. સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાં તમામ એકબીજાનો બચાવ કરી રહ્યા છે. મધ્યાહન ભોજનનાં રસોઈયા ભૂમિકાબેન કહે છે કે, શાળામાં શિક્ષક કામ અર્થે બહાર ગયા છે. હું રસોઈ કરવા આવું છું. રિસેસ હતી એટલે સાચવવા બેઠી હતી.આ મુદ્દે શિક્ષકની ગેરહાજરી હોવાની ઘટના ખબર પડતાં શિક્ષક તાબડતોબ શાળામાં આવી પહોંચ્યા હતા.

અરજન્ટ કામ હોય તો જ રસોઈયા બહેનને બેસાડીએ છીએ
શિક્ષક રમેશ વસાવા કહે છે કે, શાળામાં અગાઉ પ્રવાસી શિક્ષક મૂક્યા હતા. ફરી લેવાના છે. એકબીજાને સોંપીને જવું પડે છે. અરજન્ટ કામ હોય તો રસોઈયા બહેનને બેસાડીએ છીએ.

હવે પ્રવાસી શિક્ષક મૂકવાના છે
ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનાં ચેરમેન ઇન્દીરાબેન રાજે જણાવ્યું હતું કે, શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. સરકાર ભરતી કરતી નથી, પણ હવે પ્રવાસી શિક્ષક મૂકવાના છે. કુલ ૨૬ શાળામાં આ સમસ્યા દૂર થશે.

Most Popular

To Top