Dakshin Gujarat

ભરૂચ: એક્સપ્રેસ-વે ઉપર ટ્રકનો ક્લીનર ટાયરોની હવા ચેક કરી રહ્યો હતો ત્યારે કન્ટેનરે ટક્કર મારતા મોત

ભરૂચ: (Bharuch) જામનગર રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણા ભરીને નાસિક જવા દિલ્હી-મુંબઈ સુપર એક્સપ્રેસ-વે ઉપરથી પસાર થતી ટ્રકનાં (Truck) ટાયરમાં હવા ઓછી જણાતા ક્લીનર નીચે ઉતર્યો હતો. દહેગામ પાસે ક્લીનર ટાયરો ચેક કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા કન્ટેનરે પૂરપાટ ઝડપે આવીને ક્લીનરને ટક્કર મારી હતી. ગંભીર રીતે ઘાયલ થયેલા ક્લીનરને ભરૂચ સિવિલ હોસ્પીટલ લઇ જવાતાં તબીબે મરણ જાહેર કર્યો છે. વડોદરા-ભરૂચ સુપર એક્સપ્રેસ રોડ બન્યા બાદ ભરૂચ જિલ્લામાં અકસ્માત મોતની પહેલી ઘટના પ્રકાશમાં આવી છે.

  • સુપર એક્સપ્રેસ-વે ઉપર દહેગામ પાસે અજાણ્યા કન્ટેનરે ટક્કર મારતા ક્લીનરનું મોત
  • જામનગરથી નાસિક જતી ટ્રકનો ક્લીનર ટાયરોની હવા ચેક કરી રહ્યો હતો ત્ચારે ઘટના બની

જામનગર પીર દરગાહ પાસે રહેતા અખ્તર ઈબ્રાહીમ ખીરા ટ્રકના ડ્રાઈવર છે. તેમની સાથે ટ્રક પર સલીમ હારુન જુનેજા (ઉ.વ.૩૬) ક્લીનર તરીકે કામ કરે છે. ૨૧મી માર્ચે ખોડીયાર ટ્રાન્સપોર્ટ ટ્રક (નં-GJ-૧૦ Z-૮૪૭૮) પર બંને જણા જામનગરમાં આવેલી રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટિકનાં દાણા ભરીને નાસિક જવા માટે નીકળ્યા હતા. ૨૨મી માર્ચે રાત્રે દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ટ્રક પસાર થતી હતી. ભરૂચના દહેગામ પાસે ટ્રક દબાતા ડ્રાઈવર અખ્તરભાઈએ પહેલા ટ્રેક પર ઉભી રાખી હતી. ક્લીનર સલીમને ટાયર ચેક કરવાનું કહેતા નીચે ઉતરીને ચેક કરતો હતો.

ડ્રાયવર સાઈડ ટાયર ચેક કરતા વડોદરા તરફથી એક પુરપાટ ઝડપે આવતા અજાણ્યા કન્ટેનરે ક્લીનર સલીમ જુનેજાને ટક્કર મારી હવામાં ફંગોળી દીધો હતો. સલીમને માથામાં અને જમણા પગના થાપાના ભાગે ગંભીર ઈજા થઈ હતી. તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લઇ ગયા હતા. જોકે હોસ્પિટલમાં તબીબે સલીમને મરણ જાહેર કર્યો હતો. આ અંગે ભરૂચ રૂરલ પોલીસમાં અજાણ્યા કન્ટેનર ચાલક વિરૂદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top