National

VIDEO: પટનામાં પ્રદર્શનકારીના હાથમાં તિરંગો હોવા છતાં ADMએ ડંડાથી ઢોર માર માર્યો

પટના: બિહારની (Bihar) રાજધાની પટનામાં (Patna) પોલીસની બર્બરતાનો વીડિયો (Video) વાયરલ (Viral) થઈ રહ્યો છે. પટનામાં સોમવારે પોલીસ (Police) અને બેરોજગાર વિદ્યાસહાયકોના પ્રદર્શન (Protest) દરમિયાન ઘર્ષણ સર્જાયું હતું. જ્યાં પટનામાં એક પ્રદર્શનકારી પર પોલીસ નિર્દયતા પૂર્વક લાઠીચાર્જ કર્યો હતો. વિરોધ કરી રહેલા વિદ્યાસહાયકના હાથમાં તિરંગો હોવા છતાં પણ ADM તેના પર ડંડાથી માર માર્યો હતો. અન્ય પોલીસ કર્મીઓ વિદ્યાસહાયક પાસેથી તિરંગો ખેંચી ફરી તેને ઢોર માર માર્યો હતો. અધિકારીએ તે યુવકને એટલો માર માર્યો કે તે લોહિલૂહાણ થઈ ગયો હતો.

પટનામાં 5000 CTET અને BTET પાસ વિદ્યાર્થીઓ પોસ્ટઓફિસ ચાર રસ્તા પાસે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા હતા. પ્રદર્શનકારીને રોકવા માટે પોલીસે તેમની પર લાઠીચાર્જ કર્યો હતો. તેમજ પોલીસે તેમના પર વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. આ વિદ્યાર્થીઓ સાતમા તબક્કાની નિમણૂકની માગ માટે વિરોધ પ્રદર્શન કરતા હતા. આ દરમિયાન એક અધિકારીએ વિદ્યાર્થીને જમીન પર પછાડી દીધો હતો અને લાકડીઓ વડે માર માર્યો હતો. વિદ્યાર્થીના હાથમાં ત્રિરંગો હતો, જે ત્યાં ઉભેલા પોલીસકર્મીએ છીનવી લીધો હતો અને એડીએમ બેરહેમીથી વિદ્યાર્થી પર લાકડીઓ વરસાવતા કેમેરામાં ઝડપાયા હતા. પોલીસના લાઠીચાર્જમાં અનેક આંદોલનકારી વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા છે અને તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ તમામ વિદ્યાર્થીઓ બિહારના નવા શિક્ષણમંત્રી વિરુદ્ધ વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા. CTET, BTET પાસ આ વિદ્યાસહાયકોની માંગ હતી કે પ્રાથમિક લિસ્ટ જાહેર કરવામાં આવે.

ADMની ‘હિટલરશાહી’નો વીડિયો
બિહાર શિક્ષક પાત્રતા પરીક્ષા યોજવાની માગણી માટે ડાક બંગલા ચોકડી પર આ પ્રદર્શન યોજાઈ રહ્યું હતું. સમગ્ર બિહારમાંથી ઉમેદવારો પટના પહોંચી ગયા છે અને તેઓની માંગ છે કે BTET પરીક્ષા વહેલી તકે લેવામાં આવે. પ્રાથમિક શિક્ષણ વિભાગ હજુ પણ પરીક્ષા લેવાનો ઈન્કાર કરી રહ્યું છે, પોલીસે ઉમેદવારો પર બળપ્રયોગ કર્યો છે. તેનો વીડિયો પોલીસની બર્બરતાનો પુરાવો છે. 

જમીન પર પડેલા પ્રદર્શનકારી પર લાકડીઓનો ઉપયોગ કરનાર અધિકારીનું નામ કેકે સિંહ છે, જે એડીએમ તરીકે તૈનાત છે. સિનિયર ઓફિસર હોવાના નાતે તેમણે આંદોલનકારીઓને સમજાવવાની કોશિશ કરવી જોઈતી હતી, પરંતુ અધિકારીએ ઘમંડ બતાવીને જમીન પર પડેલા વિદ્યાર્થીના હાથ, પગ અને મોં પર લાકડીઓ વડે માર માર્યો હતો. આ પછી વિદ્યાર્થી જમીન પર બેભાન થઈ ગયો હતો. તેણે પહેલા હાથમાં તિરંગો લઈને પોતાનો ચહેરો બચાવવાનો પ્રયાસ કર્યો, પછી એક પોલીસકર્મી પાસેથી તિરંગો છીનવી લીધો અને આ દરમિયાન ADM સાહેબ રોકાયા વિના વિદ્યાર્થી પર લાકડીઓનો વરસાદ વરસાવતા રહ્યા હતા.

2019ના STET પરિક્ષામાં પાસ ઉમેદવારોનું કહેવું છે કે, અમે લોકો મેરિટ લિસ્ટ વાળા છીએ અને હજી સુધી સરકાર અમારી સમસ્યાનો ઉકેલ લાવી નથી. નવી સરકાર બન્યા પછી આજે અમે રાજભવન માર્ચ માટે નીકળ્યા હતા. પરંતુ પોલીસે અમને રોકી દીધા હતા, તેથી હવે અમે રસ્તા પર ઉભા રહીને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છીએ. બિહારમાં STET પરિક્ષા 8 વર્ષ પછી થઈ છે.

રોજગારીનું વચન અને યુવાનો પર લાઠીચાર્જ
બિહારમાં તાજેતરમાં સત્તા પરિવર્તન થયું છે અને નીતિશ કુમાર હવે આરજેડીના સમર્થનથી મુખ્યમંત્રી બન્યા છે. તેજસ્વી યાદવ અને તેમની પાર્ટી એનડીએ સરકાર દરમિયાન વિદ્યાર્થીઓ પર થયેલા લાઠીચાર્જનો વિરોધ કરી રહી છે અને તેઓ અગ્નિવીર પ્રદર્શન દરમિયાન ઘણી વખત આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છે. પરંતુ હવે તેમના ડેપ્યુટી સીએમ તરીકે બિહારમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે આ પ્રકારનું વર્તન ચોક્કસપણે પ્રશ્નો ઉભા કરે છે. એટલું જ નહીં, તેજસ્વીએ સરકારમાં આવતાની સાથે જ યુવાનોને 20 લાખ નોકરીઓનું વચન પણ આપ્યું છે અને હવે તેમની પોલીસ પરીક્ષાની માંગ સાથે રસ્તા પર ઉતરેલા વિદ્યાર્થીઓને દબાવવા માટે આ બર્બર રીતે કામ કરી રહી છે. 

Most Popular

To Top