National

મુંબઈમાં ભારે વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયા, હજુ 5 દિવસ ધોધમાર વરસાદની આગાહી

મુંબઈ: દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની (Rain) એન્ટ્રી થઈ ચૂકી છે. ત્યારે મુંબઈ (Mumbai), દિલ્હી (Delhi), રાજસ્થાન (Rajasthan), મધ્યપ્રદેશ (Madhaypradesh) અને ગુજરાતમાં (Gujarat) મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈમાં સતત વરસતા વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. તો કેટલાક વિસ્તારોમાં NDRFની ટીમને તૈનાત કરી દેવામાં આવી છે. ત્યારે હવામાન વિભાગે દિલ્હી માટે મંગળવારે યલો એલર્ટ (Yellow Alert) જાહેર કર્યું છે.

મુંબઈમાં ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન મુશ્કેલ બન્યું છે. સતત વરસી રહેલા વરસાદના કારણે અહીંના અનેક વિસ્તારો પાણીમાં ભરાઈ ગયા છે. સાયન, બોરીવલી, કાંદિવલીમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાના અહેવાલ સામે આવ્યા છે. પાણી ભરાવાને કારણે અંધેરી સબવે બંધ કરવો પડ્યો હતો.તો અનેક ઘરોમાં વરસાદી પાણી ઘુસી ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું કે શુક્રવાર સુધી મુંબઈમાં વરસાદની સંભાવના છે. મુંબઈના પૂર્વ ભાગમાં 58.6 મિમી, જ્યારે પશ્ચિમ વિસ્તારમાં 78.69 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે.

ટ્રાફિક સેવાઓ ખોરવાઈ
મુંબઈમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અહીંના નીચાણવાળા વિસ્તારો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. અનેક ઘરો અને દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે. દરમિયાન મુંબઈમાં વાહનવ્યવહાર પણ ખોરવાઈ ગયો છે. મળતી માહિતી મુજબ બસ અને લોકલ ટ્રેન સેવાને વરસાદની અસર થઈ છે. તેમજ BMCએ લોકોને દરિયાથી દૂર રહેવાની અપીલ કરી છે. સાંજે 4 વાગ્યે હાઈટાઈડનું એલર્ટ કરવામાં આવ્યું છે. હાઈટાઈડ દરમિયાન 4થી 6 મીટર ઊંચી લહેરો આવી શકે છે.

એનડીઆરએફની પાંચ ટીમો ઉતારવામાં આવી હતી
વરસાદને કારણે મુંબઈની હાલત ખૂબ જ ખરાબ છે. સોમવારે સાંજથી શરૂ થયેલો વરસાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ સાથે જ હવામાન વિભાગે પણ તેના પાંચ દિવસ સુધી વરસાદની આગાહી કરી છે. આ પછી ઘણા પ્રશાસનોએ NDRFની પાંચ ટીમોને મદદ માટે તૈનાત કરી દીધી છે.

અંધેરી સબવે બંધ
વરસાદના કારણે અંધેરી સબવેમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે અહીં લોકોના વાહનો ફસાઈ જતા લોકોને બહાર કાઢવા ભારે જહેમત ઉઠાવવી પડી હતી. તેને જોતા વહીવટીતંત્રે અંધેરી સબ-વેને હાલ પૂરતો બંધ કરી દીધો છે.

સીએમ શિંદેની બેઠક
સતત વરસતા વરસાદના કારણે પ્રસાશન એલર્ટ બન્યું છે ત્યારે મુંબઈના મુખ્યમંત્રી એકનાથ શિંદેએ મુખ્ય સચિવ મનુકુમાર અને અન્ય અધિકારીઓ સાથે વરસાદની સ્થિતિ પર બેઠક યોજી હતી. તેમણે તમામ અધિકારીઓને પરિસ્થિતિ પર દેખરેખ રાખવા અને નિયંત્રણ કરવા સૂચનાઓ આપી હતી.

24 કલાકમાં 95.81 મીમી વરસાદ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 95.81 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે પૂર્વ અને પશ્ચિમ ઉપનગરોમાં અનુક્રમે 115.09 મીમી અને 116.73 મીમી વરસાદ નોંધાયો હતો.

ભૂસ્ખલનને કારણે મકાન ધરાશાયી થયું
મુંબઈમાં ભારે વરસાદ બાદ ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, અહીંના પંચશીલ નગરના ઘાટકોપરમાં એક ઈમારત ધરાશાયી થઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડિંગને ઘણું નુકસાન થયું છે. જો કે હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ફ્રાયર બ્રિગેડને ઘટનાસ્થળે કામગીરી શરૂ કરી દીધી છે. આ સિવાય થાણેમાં સતત વરસાદને પગલે મુંબ્રા વિસ્તારમાં 16 ફૂટ લાંબી દિવાલ ધરાશાયી થઈ હતી.


Most Popular

To Top