Dakshin Gujarat

બારડોલીના બાબેનમાં પાડોશીએ યુવતીના પગમાં સળગતું લાકડું ચાંપી દીધું

બારડોલી: બારડોલી તાલુકાનાં બાબેન ગામે રાજીવ નગરમાં રહેતા બે પરિવાર વચ્ચે નજીવી બાબતમાં ઝઘડો થતાં એક જણે 20 વર્ષીય યુવતીને છીણકું (બળતું લાકડું) ચાંપી ઇજા પહોંચાડી હતી. સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષની સામસામે ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.

  • પત્નીને ગાળો દઈ છે તેમ માની પાડોશી સાથે ઝઘડો કર્યા બાદ તેની પુત્રીને છીણકું ચાંપી દીધું : સામસામી ફરિયાદ

આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલીના બાબેન ગામના રાજીવ નગરમાં નજમાબેન નુરમહમદ ખટિક તેમના પરિવાર સાથે રહે છે. તેમના ઘરની નજીકમાં જ ચંચન સંજયભાઈ ચૌહાણનો પરિવાર રહે છે. બુધવારે સાંજે બંને પરિવાર વચ્ચે ઝઘડો થતાં મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ લીધી હતી.

જેમાં નજમાબેન ખટિકે ચંચન સંજયભાઈ ચૌહાણ, તેમની પત્ની રમિલાબેન ઉપરાંત અન્ય પરિવારજનો શેખરભાઇ, ઉષાબેન ઉર્ફે દાકલી, મનિશાબેન, રોશની અને સવિતાબેન વિરુદ્ધ આપેલી ફરિયાદ અનુસાર બુધવારે સાંજે નજમાબેન નુરમહમદ ખટિકને તેના મોટા પુત્ર અંસારએ બાજુમાં રહેતા દિલસાદ ગુલાબનબી ખટિકને ત્યાં લાઇટ ચાલુ હોય તે બાબતે બોલાચાલી કરી હતી.

તે સમયે ચંચનભાઈની પત્ની રમિલા ત્યાંથી પસાર થતી હોય અંસાર તેને ગાળ દેતો હોવાનું લાગતાં તેણે આ વાત તેના પતિ ચંચનને કરતાં ચંચન નજમાબેનના ઘરે આવ્યો હતો. ચંચન અંસાર સાથે ગાળા ગાળી કરવા લાગ્યો હતો. ત્યારબાદ તેમની સાથે શેખર, ઉષાબેન, મનીષાબેન, સવિતાબેન, રોશનીબેન પણ આવી ગાળા ગાળી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. દરમ્યાન ચંચન ઘરમાં સળગાવેલા ચૂલામાંથી છીણકું લઈ આવ્યો હતો અને નજમાની પુત્રી મુસ્કાનના પગમાં ચાંપી દેતાં તેને ઇજા થઈ હતી.

એ જ રીતે ચંચન ચૌહાણે અંસાર નુરમોહમદ ખટિક, મુસ્કાન નુરમોહમદ ખટિક અને નઝમા નુરમોહમદ ખટિક સામે ફરિયાદ આપી હતી. જેમાં જણાવ્યુ છે કે, ચંચનની પત્ની સાંજે દુકાનથી સામાન લઈ પરત ફરી રહી હતી તે સમયે અંસાર નૂર મોહમ્મદે બીભત્સ ગાળો આપી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આથી ચંચનની અંધ માતા સવિતાબેન નઝમાને કહેવા જતાં નઝમા અને તેની દીકરી મુસ્કાને પણ ગાળાગાળી કરી હતી. આ દરમ્યાન પોલીસ સ્થળ પર પહોંચી જતાં પોલીસે બંને પક્ષની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top