Comments

એક લટાર શાકભાજી બજારમાં..!

લટાર મારવા માટે સોનાની લગડી જેવી કે હવા ભરવાની બીજી સરસ જગ્યા ભલે સીલ્લ્કમાં હોય, પણ એ બધું પડતું મૂકીને એક વાર શાકભાજી માર્કેટમાં પણ પગ છૂટા કરવા જેવા..! હલ્લો..હાઈ કરવાવાળા જથ્થાબંધ માણસો મળે. સગાં કરતાં વહાલાં વધારે મળે ને માથાના મળે તે બોનસમાં..! આવો જ એક નમૂનો મને મળેલો. ભાઈ જુએ છે કે, મારા હાથમાં થેલી છે, તો હું શાકભાજી લેવા જ નીકળ્યો હોઉં, છતાં છતી આંખે પૂછે, ‘શાકભાજી લેવા નીકળ્યા..?’ત્યારે તો એવું ખુન્નસ ચઢે કે, લાવ એને કહી દઉં કે,, ‘ના,માર્કેટમાં દરિયાઈ મુસાફરી કરવા આવ્યો છું..! તારા કપાળમાં કાંદા ફોડું..!

જ્યારથી શાકભાજીના ભાવ ગોવર્ધન પર્વતની માફક ઉંચકાયા છે ત્યારથી, મારી ‘શાંતુડી’ ના મગજનું ‘એલાઈમેન્ટ’ખોરવાઈ ગયું છે બોસ..! જોવાની વાત એ છે કે, બજાર ભાવ ઘટે ત્યારે પ્રેસર ભલે Law નહિ થાય, પણ ભાવ વધે એટલે પ્રેસર Hight પકડવા માંડે ..! એમાં ટામેટાંના ભાવે તો આજકાલ કમાલ કરી નાંખી મામૂ..! પેટ્રોલ કરતાં પણ ટામેટાં મોંઘાં થયાં.! પબ્લિક ક્યારનું ચિહાળા પાડતું હતું કે, પેટ્રોલ સસ્તું કરો..પેટ્રોલ સસ્તું કરો.

એમાં ટામેટાના ભાવ એટલા વધ્યા કે, પેટ્રોલના ભાવને પણ ટપી ગયું..! પેટ્રોલ સસ્તું લાગે..! રીંગણ ટામેટાંનું શાક ખાવું હોય તો, ‘ટોમેટો-સોસ’થી ચલાવી લેવું પડે, એવા અચ્છે દિન આવ્યા..! જો આ જ રીતે ભાવવધારો ચાલુ રહ્યો તો, ‘બ્લેક-કમાન્ડો’ સાથે ટામેટાં ખરીદવા જવું પડે તો નવાઈ નહિ..! જે શાકભાજીવાળીનો ટોપલો ટામેટાંથી ભરેલો હોય એ શ્રીમંત ઘરાનાની લાગે..! એના ટોપલામાંથી ભૂલમાં પણ એક ટામેટું ઉપાડ્યું તો, અપહરણ કર્યા જેટલો અપરાધ લાગે..! કોઈ મહાશય ‘BMW ‘ગાડી લઈને ટામેટાં ખરીદવા આવે તો, માનવું કે, આજે એમને ત્યાં કોઈ ‘સેલીબ્રેટી’ જમવા આવે છે. ટામેટું પણ ખાનદાની રઈશ બની ગયું..!

ઘણાંને ખબર હશે કે, ભણતાં ત્યારે બકાસુર રાક્ષસની એક વાર્તા આવતી. એને રોજની ખાધ માટે એક માણસ ‘સપ્લાય’ કરવો પડતો. મોંઘવારીના રાક્ષસનો કોઠો ટાઢો કરવા અત્યારે આવું જ છે. ક્યારેક કાંદાના ભાવ ઉંચકાય, ક્યારેક બટાકાના ભાવ ઉંચકાય, ક્યારેક મરચાંનાં ભાવ ઉંચકાય, તો ક્યારેક આદુ- લસણ કે રીંગણાનાં ભાવ ઉંચકાય..! કયા દિવસે કોનો વારો આવે એ નક્કી નહિ..! એના કપાળમાં કાંદા ફોડું એક માત્ર માણસના જ ભાવ નહિ ઉંચકાય..! માટે કહું છું કે, મોંઘવારીની દુકાન જોવાની ઈચ્છા થાય તો અત્યારે શાક્ભાજી માર્કેટમાં લટાર મારવા જેવી.

બે ફાયદા થશે. એક તો હવાફેર કરવાની મળશે, થાય, બીજું કે, સુરણ અને રતાળુ કોને કહેવાય એનું ‘નોલેજ’ મળશે..! તંઈઈઈઈઈ..! દોસ્ત…ભલે ને ગમે એટલી ઉંચી પદવીના ચોપડાં ઉથલાવ્યા હોય, બાકી મારી માફક છોલેલાં બટાકા જેવાં એવાં ઘણા હશે કે, જેને ચોળી-ચોળા-કોબીઝ-ફ્લાવર કે ફણસી-પાપડીના ભેદની ઓળખ નહિ હોય..! મુદ્દલે ઓળખ નહિ હોય તો, બગડેલા પાણીચા અથાણા જેવા લાગીએ..! રતનજીની વાત કરું તો, એક વાર એની વાઈફે ‘કોરું’ મંગાવેલું ને એ પકડી લાવેલો સકરટેટી..! એમાં એની ‘ફાયર-બ્રાંડ’ લેડીએ એવી ધોલાઈ કરી કે, શિયાળો ક્યારે બેઠો એની સૌથી પહેલી ખબર એને પડી જાય..! એક વાર તો હું પણ ભેરવાઈ ગયેલો મામૂ..!

મંગાવેલા ‘આલુ (ફ્રુટ) ને પકડી લાવેલો, ‘ટામેટાં’..! શાકભાજી માર્કેટમાં લટાર લગાવવાનો મોટામાં મોટો ફાયદો આ જ છે. બીજો ફાયદો એ કે, કોઈ પણ શાકભાજીવાળી તમને સગી બહેનની કોઈ ખોટ સાલવા નહિ દે. બૂમો પાડતી જ હોય કે, ‘આવ ભાઈ આવ, રીંગણ લઇ જાવ, સુરણ લઇ જાવ, આદુ-લસણ-ધાણા-મકાઈ-ભાજી લઇ જાવ, બોલો શું આપું ભાઈ..?’ માત્ર આપણી નિયત સાફ જોઈએ. બાકી, આ બધાના ઘરે મોસાળા કરવાના આવે તો ભારે પડી જાય..! એમાં જો તમે એમને ઓળખ આપવા બેઠાં કે, તમારી પાસેથી શાકભાજી લઇ જાય, એ ‘શાંતુડી’મારી વાઈફ થાય તો ખલ્લાસ..! તરત કહેશે કે, ‘બહેન તો કહેતાં હતાં કે, ભાઈને ભીંડાં જોઇને તમ્મર આવી જાય ને તમે તો ભીંડાં જ ખરીદવા બેઠાં..!

ત્યારે પોલ ખુલે કે, આપણા ઘરમાં આપણને ભાવતી શાકભાજી આવતી નથી..! આ તો એક સેમ્પલ..! બાકી તમારો સ્વભાવ અને વ્યવહાર જોઇને એ તરત માપી લે કે, બેમાંથી કોના નસીબમાં દહીંથરું આવેલું .! સસ્તું-નમતું ને ઉધાર માંગો નહિ, ને તોક્યા પછી ટોપલામાંથી થોડુંક ઉપાડીને થેલીમાં નાંખો નહીં એટલે પહેલી નજરે તો એ તમારા ઉપર વારી જ જાય કે, ભાઈનો સ્વભાવ તો આઈસ્ક્રીમ જેવો છે, ઠંડો-સ્વાદિષ્ટ ને રૂપાળો..! બહેન જ તીખાં મરચાં જેવી..! જો કે, ઘરે ખબર પડી તો વાઈફ નહિ બદલાય, પણ શાકભાજીવાળી જરૂર બદલાઈ જાય..!
દુનિયામાં દરેકને પોતપોતાનો ‘જ્યુસ’એટલે કે રસ હોય દાદૂ..! અમારા ચમનિયાને ખરીદી કરતાં, ભાવતાલ જાણવાની ભારે તાલાવેલી. પછી એ ભાવતાલ શાકભાજીના હોય કે, શેર બજારના..! ઓટલે છાપું પડે એટલે શેરબજારના ભાવતાલ જુએ, ને શાકભાજીવાળી ઓટલો ચઢે એટલે બકાલાના ભાવ પૂછવા માંડે. આ એની રોજની ખંજવાળ..! કોક દિવસ છાપું નહિ આવે તો, મુંબઈ કે અમદાવાદના સ્ટોક માર્કેટમાં નહિ જાય, પણ શાકભાજીવાળી નહિ આવી તો, શાકભાજી માર્કેટમાં જઈને ખરીદે કંઈ નહિ, પણ ભાવ-તાલ જાણી લાવે.
આજે શાકભાજીની જ વાત નીકળી છે ત્યારે, મને મારું બચપણ યાદ આવી ગયું. માડીના લૂગડાંનો પાલવ પકડીને માડી સાથે હું પણ શાકભાજી ખરીદવા જતો. એ એવો જમાનો હતો કે, એ વખતની માતાઓને છોકરું ‘લટકણિયું’નહિ લાગતું. બીજું કે, એ વખતે ઊંચા સ્કર્ટ પહેરવાની ફેશન નહિ, એટલે માડીનો પાલવ આરામથી પકડાતો. બજારમાં પીઝા-બર્ગર કે મેગી જેવી લેટેસ્ટ ખાધ હતી નહિ, એટલે શાકભાજીવાળીના હાથનું એકાદ ટામેટું ખાવા મળતું એમાં છપ્પન ભોગ મળ્યા હોય એટલો આનંદ આવતો. એ વખતે તો અત્યારના ભાવે એક ટામેટું પણ નહિ આવે, એટલા પૈસા લઈને તો માડી શાકભાજી ખરીદવા નીકળતી. એટલે ઈચ્છા હોય તો પણ અપાવે શું..? તોફાન કરતાં તો ધૂળમાં આળોટીને જાતે જ ઊભાં થઇ જતાં. પણ માડીને મારી દયા નહિ આવતી કારણ કે મારા જેવી બીજી ત્રણ-ચાર ઝેરોક્ષ તો ઘરે પડી હોય. એકને લાડ લડાવવા જાય તો બાકીના આંદોલન કરે. પણ ગર્વ સાથે કહું કે, એ જમાનામાં સિંગ-ચણા જ અમારા બેલી બનતાં. સિંગ-ચણાની પાંચ-છ ભૂંગળી માડી ઉધાર અપાવતી એમાં તો ‘ચીઝ મસાલા ઢોસા’ મળ્યા હોય એટલાં રાજીના Red થઇ જતાં..! આજે ઘણાને શાકભાજી ખરીદતા આવડતી નથી, કે ફાંફા પડે છે એનું કારણ એ જ કે, તેમની પાસે અમારા જેવો ભૂતકાળ નથી. નિશાળમાં ‘ઉનાળાની બપોર-શિયાળાની સવાર-ચોમાસાની સાંજ કે, પૂનમની રાત જેવા નિબંધ તો ઘણા શીખવાડ્યા, પણ શાકભાજીની લટાર વિષે નિબંધ પુછાયા હોય એવું ઓછું..! શાકભાજી ખરીદી માટે ગૃહિણી પાસે કુનેહ છે, એ પ્રત્યેક પતિનું નસીબ છે. બાકી, એના જેવું સસ્તું-નમતું ને ઉધાર લેવાની ત્રેવડ તો ડીગ્રીધારીમાં પણ નહિ આવે. એમાં તો બોસ, બહેનોની જ માસ્ટરી.! આવી ગૂઢ વિદ્યા જેનામાં નથી એ ભણેલો હોવા છતાં પણ અભણ છે. શું કહો છો ચમનિયા..?

લાસ્ટ ધ બોલ
નિવૃત્ત કર્મચારીએ એક બેંક કર્મચારીને પૂછ્યું :
આ વખતે અધિક માસ છે, તો અધિક માસનું પેન્શન, આ મહિના સાથે જ આપશો કે, અલગ..!
બેંકનો કર્મચારી હજી ભાનમાં આવ્યો નથી..!
એના કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top