Columns

પાકિસ્તાનની ચૂંટણીમાં જેલમાં રહેલા ઈમરાન ખાને ચમત્કાર કર્યો છે

પાકિસ્તાનમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં કોઈ પણ પક્ષને બહુમતી મળી નથી, પરંતુ ઈમરાન દ્વારા સમર્થિત અપક્ષોએ સૌથી વધુ બેઠકો જીતી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન ઈમરાન ખાને સાબિત કરી આપ્યું છે કે જો લોકોનો ટેકો હોય તો જેલમાં રહીને પણ ચૂંટણી જીતી શકાય છે. ઈમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારો સરકાર બનાવે તો પણ કોર્ટના ચુકાદાને કારણે ઈમરાન ખાન વડા પ્રધાન બની નહીં શકે, પણ પાકિસ્તાનનું લશ્કર ઈમરાન ખાન સમર્થિત ઉમેદવારને વડા પ્રધાન બનવા દેશે કે કેમ? તે પણ શંકા છે. દરમિયાન લશ્કરના આશીર્વાદ સાથે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટો સરકાર બનાવવાના વિકલ્પો તપાસી રહ્યા છે. જો લશ્કર ઈમરાન સમર્થિત ઉમેદવારની વિરુદ્ધમાં જશે અને જનતા ઈમરાનના ટેકામાં મજબૂત બનીને ઊભી રહે તો પાકિસ્તાનમાં ફરી લશ્કરી શાસન કે અંધાધૂંધીનો યુગ શરૂ થઈ શકે તેમ છે.

પાકિસ્તાનમાં ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે. મતગણતરીમાં ઘણો વિલંબ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભૂતપૂર્વ વડા પ્રધાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના સંસ્થાપક ઈમરાન ખાને જીતનો દાવો કર્યો છે. ઈમરાને AI આધારિત અવાજ સાથે વિજય ભાષણનો વિડિયો જાહેર કર્યો છે. તેમણે કહ્યું છે કે પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વડા નવાઝ શરીફનો લંડન પ્લાન નિષ્ફળ ગયો છે.  ઈમરાન ખાનનો આ વિડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે પાકિસ્તાન ચૂંટણીમાં તેમની પાર્ટીને સમર્થન કરી રહેલા અપક્ષ ઉમેદવારો સીટોની સંખ્યાના મામલે આગળ ચાલી રહ્યા છે. અપક્ષ ઉમેદવારોએ ૯૭ બેઠકો જીતી છે, જ્યારે નવાઝ શરીફની પાર્ટીને ૭૨ બેઠકો મળી છે. બિલાવલ ભુટ્ટોની પીપીપી ૫૨ બેઠકો સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનમાં ૨૬૫ સીટો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાંથી ૨૫૨ સીટો પર પરિણામો આવી ગયાં છે. બહુમત માટે ૧૩૩ સીટોની જરૂર છે. હવે નવાઝ શરીફ અને બિલાવલ ભુટ્ટોએ સરકાર બનાવવા માટે વાતચીત શરૂ કરી છે. બિલાવલ ભુટ્ટો અને આસિફ ઝરદારી તડજોડ કરવા માટે લાહોર પહોંચી ગયા છે.

પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી માટે મતગણતરી ચાલી રહી છે, જેમાં મોટા પાયે ગોટાળો થયો હોવાના અહેવાલો છે. પાકિસ્તાનમાં ૮મી ફેબ્રુઆરીએ એટલે કે ચૂંટણીના દિવસે ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું હતું અને સોશ્યલ મીડિયા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પાકિસ્તાનના કાર્યવાહક ગૃહ મંત્રી ગૌહર ઈજાઝ મંત્રીએ પણ ચૂંટણી દરમિયાન ઈન્ટરનેટ પર પ્રતિબંધને લઈને નિવેદન આપતાં કહ્યું છે કે ‘‘આવી સક્રિયતા બતાવીને સંસ્થાઓ લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માંગે છે. આ સુનિશ્ચિત કરવાની મારી જવાબદારી છે.’’ ઈન્ટરનેટ પરના પ્રતિબંધની સ્પષ્ટતા કરતા મંત્રીએ કહ્યું હતું કે ‘‘જો એક પણ અનિચ્છનીય ઘટના બની હોત તો હજારો લોકોએ જીવ ગુમાવ્યો હોત. સશસ્ત્ર દળો અને પોલીસે તેમની ભૂમિકા ભજવી છે. મને વિશ્વાસ છે કે ચૂંટણી પંચ પણ તેની ભૂમિકા ભજવશે. દેશની જનતાને ખ્યાલ નથી કે પાકિસ્તાન સરકાર અને ગુપ્તચર એજન્સીઓ આ સમયે કેવા પ્રકારના ખતરાનો સામનો કરી રહ્યા છે.’’

પાકિસ્તાનના ચૂંટણી પંચે ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)  પાર્ટીને ચૂંટણી લડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો અને તેમનું ચૂંટણી ચિહ્ન બેટ પાછું લઈ લીધું હતું. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના નિર્ણયને યથાવત્ રાખ્યો હતો. આ જ કારણ છે કે પીટીઆઈના ઉમેદવારોએ પાર્ટીના સિમ્બોલ પર નહીં, પણ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી છે. ચૂંટણી કાયદાને ટાંકીને વિશ્લેષકો કહે છે કે સ્વતંત્ર ઉમેદવારોએ રાજકીય પક્ષોમાં જોડાવાની કાયદેસર જરૂર નથી. જો તેઓ ઈચ્છે તો સ્વતંત્ર ક્ષમતામાં રાષ્ટ્રીય અથવા પ્રાંતીય વિધાનસભામાં રહી શકે છે. જો કે, તેઓ વિવિધ કારણોસર રાજકીય પક્ષમાં જોડાય તેવી અપેક્ષા રાખવામાં આવે છે.

રાજકીય વિશ્લેષક રફીઉલ્લાહ કક્કરના મતે રાજકીય પક્ષમાં જોડાવાનો સ્વતંત્ર ઉમેદવારનો ઉદ્દેશ તેની રાજકીય કારકિર્દી બનાવવાનો, પોતાની જાતને રાજકીય વિચારધારા સાથે જોડવાનો અથવા સંસદમાં વધુ સક્રિય ભૂમિકા ભજવવાનો હોઈ શકે છે. તેમણે કહ્યું કે જીત્યા બાદ આ ઉમેદવારો પાસે ત્રણ દિવસનો સમય હશે, જે દરમિયાન તેમણે કોઈ રાજકીય પક્ષમાં જોડાવું પડશે. તેમનું કહેવું છે કે ચૂંટણી પંચના નિયમો અનુસાર અપક્ષ ઉમેદવારો જ એ પાર્ટીમાં જોડાઈ શકે છે, જેમના ચૂંટણી ચિહ્ન તેમને બેલેટ પેપરમાં આપવામાં આવ્યા હોય. રફીઉલ્લાહ કક્કર કહે છે કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ હવે સક્રિય નથી, તેથી આ સ્વતંત્ર ઉમેદવારો માટે એ નક્કી કરવું એક મોટો પડકાર હશે કે તેઓએ કઈ પાર્ટીમાં જોડાવું જોઈએ. ચૂંટણી પહેલાં તહરીક-એ ઈન્સાફના નેતાઓએ સંકેત આપ્યા હતા કે તેઓ કોઈ પણ રાજકીય પક્ષમાં જોડાઈ શકે છે. આ કારણે ઈમરાન ખાન સમર્થિત અપક્ષ ઉમેદવારો ભારે દ્વિધાનો અનુભવ કરી રહ્યા છે.

અત્યાર સુધીનાં બિનસત્તાવાર પરિણામો અનુસાર, પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ ખૈબર પખ્તુનખ્વામાં આગળ છે, મુસ્લિમ લીગ-એન પંજાબમાં આગળ છે, જ્યારે પાકિસ્તાન પીપલ્સ પાર્ટી સિંધમાં આગળ છે. ખૈબર પખ્તુનખ્વામાં અપક્ષ ઉમેદવારોની આશ્ચર્યજનક સફળતા બાદ તેમને બે મુખ્ય પક્ષો તરફથી જોડાવાની ઓફર મળી રહી છે. બિલાવલ ભુટ્ટો ઝરદારીએ આ ઉમેદવારોને પીપલ્સ પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. નવાઝ શરીફની પાર્ટી પાકિસ્તાન મુસ્લિમ લીગ-એનએ એમ પણ કહ્યું કે તેમની પાર્ટીમાં સ્વતંત્ર ઉમેદવારોને સામેલ કરવામાં કોઈ સમસ્યા નથી. કેટલાકના મતે આ અપક્ષ ઉમેદવારોને પીટીઆઈમાં જોડાવા દેવા જોઈએ.

એક મોટી ચૂંટણી અપસેટમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અને મુસ્લિમ લીગ-એનના નેતા નવાઝ શરીફ રાષ્ટ્રીય વિધાનસભા મતવિસ્તારમાં પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવાર સામે ચૂંટણી હારી ગયા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર શહઝાદ મોહમ્મદ ખાને નેશનલ એસેમ્બલી મતવિસ્તાર NA-૧૫ માનસેરામાં નવાઝ શરીફને મોટા માર્જિનથી હરાવ્યા છે. નવાઝ શરીફની ઓસરી રહેલી લોકપ્રિયતાનો આ મોટો પુરાવો છે. જો કે, નવાઝ શરીફ લાહોરના નેશનલ એસેમ્બલી મતવિસ્તાર ૧૩૦માંથી મુસ્લિમ લીગના ઉમેદવાર હતા, જ્યાં તેઓ જીત્યા હતા.

પાકિસ્તાનની રાજનીતિ પર નજર રાખનાર પ્રોફેસર નિલોફર સિદ્દીકી કહે છે કે ચૂંટણી વલણો ઈમરાન ખાનના ઉમેદવારોની તરફેણમાં જઈ રહ્યા છે. આ ખૂબ જ ચોંકાવનારાં છે અને એક રીતે આ રાજકીય ભૂકંપ સમાન છે. જો પ્રારંભિક વલણો સાચાં હોય તો ઇમરાન ખાન જેલમાં હોવા છતાં, ચૂંટણી ચિહ્ન વિના અને પ્રચારની પરવાનગી ન મળવા છતાં પીટીઆઈએ જે પ્રદર્શન કર્યું છે તે ખૂબ જ અસાધારણ છે. પીટીઆઈ સાથે જોડાયેલા અપક્ષ ઉમેદવારો વોટ મેળવે તે પીટીઆઈની તરફેણમાં છે કે શરીફની પાર્ટીની વિરુદ્ધ અથવા સેના વિરુદ્ધ જનતાનું પગલું છે.

ઘણા વિશ્લેષકો કહે છે કે સેના આ અપક્ષો પર દબાણ લાવી શકે છે અને નવાઝ શરીફને મત આપવા દબાણ કરી શકે છે. જો કે એવો પણ અંદાજ છે કે આ અપક્ષો ઈમરાન ખાન સાથે રહી શકે છે. પાકિસ્તાની વિશ્લેષક એજાઝ સૈયદનું કહેવું છે કે આ સ્થિતિ ઈમરાન ખાન માટે ખતરાની ઘંટડી સમાન છે. સૈયદે કહ્યું કે આ ચૂંટણી પરિણામ પાકિસ્તાની સેના માટે મોટો ઝટકો છે અને તેની સમગ્ર રણનીતિ નિષ્ફળ ગઈ છે. આર્મી ચીફે ISIની મદદથી ચૂંટણીને પલટાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓ સફળ થયા ન હતા. જો કે, હવે જનરલ અસીમ મુનીર એક નવા પગલાંમાં તમામ અપક્ષ ઉમેદવારોને તેમની પસંદગીના નેતાને મત આપવા દબાણ કરી શકે છે. આ નેતા બિલાવલ ભુટ્ટો અથવા નવાઝ શરીફ હોઈ શકે છે. આનાથી ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે.

Most Popular

To Top