Comments

સત્તાનો ઉપયોગ કરીને નેતાને જેલમાં નાંખી શકાય પરંતુ મતદારોની વિચારધારાને નહીં

દુનિયાના કોઇ દેશમાં ચૂંટણી થાય તેની સાથે ભારતને તેની આર્થિક અને વિદેશનીતિ પૂરતો જ સંબંધ હોય છે પરંતુ પાકિસ્તાન માટે એવું નથી. પાકિસ્તાનમાં થતી કોઇ પણ રાજકીય, આર્થિક કે સંરક્ષણની ગતિવિધિ સાથે ભારતને ઊંડાણપૂર્વકનો સીધો સંબંધ છે. આ માટે જ પાકિસ્તાનની સામાન્ય ચૂંટણી પર ભારત અને ભારતીયો સીધી નજર રાખી રહ્યાં છે. પાકિસ્તાનના તત્કાલિન વડા પ્રધાન ઇમરાન ખાનને ત્યાંની સત્તાધારી પાર્ટીએ યેનકેન પ્રકારે જેલમાં નાંખી દીધા છે. સતત સત્તાપક્ષે કરેલા અન્યાયને ઇમરાનખાન છેલ્લા કેટલાક વખતથી સહન કરી રહ્યાં છે.

પાકિસ્તાનના અન્ય નેતાઓની જેમ તેમણે દેશ છોડીને ભાગી જવાનું પસંદ નથી કર્યું પરંતુ જેલમાં રહીને જ ચૂંટણી લડવાનું નક્કી કર્યું હતું. તેઓ જેલમાં છે ત્યારે 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં ચૂંટણી યોજાઇ હતી અને તેની મતગણતરી ચાલી રહી છે. ઇમરાન ખાનની પાર્ટીના નેતાઓએ પાકિસ્તાન તહેરીક એ ઇસ્લામ એટલે કે પીટીઆઇને બદલે સ્વતંત્ર ચૂંટણી લડવાનું નક્કી કર્યું તેમ છતાં તેના ઉમેદવારો અત્યાર સુધીની મત ગણતરીમાં આગળ રહ્યાં છે. તેનાથી સાબિત થાય છે કે, સત્તા અને અધિકારીઓનો ઉપયોગ કરીને નેતાને જેલમાં નાંખી શકાય છે પરંતુ મતદારોની વિચારધારાને નહીં.

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીમાં પીટીઆઈ સમર્થિત ઉમેદવારોના ભારે વિજય બાદ પાર્ટીના પ્રમુખ અને વડા પ્રધાનમંત્રી ઇમરાન ખાને નિવેદન આપ્યું છે. જોકે આ નિવેદન એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે કારણ કે ઇમરાન ખાન આ વખતે ભ્રષ્ટાચારના કેસમાં જેલમાં છે. પૂર્વ વડા પ્રધાનની પાર્ટી પીટીઆઈ તરફથી સોશિયલ મીડિયા સાઇટ પર એક્સ પર તેમના અવાજમાં આ નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. આ સંદેશમાં અડિયાલા જેલમાં બંધ ઇમરાન ખાન કહી રહ્યા છે કે, ‘તમે તમારો મત આપીને સાચી આઝાદીનો પાયો નાખ્યો છે.

હું તમને ઇલેક્શન 2024 જીતવા માટે અભિનંદન આપું છું.’ તેમણે કહ્યું કે, ‘લંડન પ્લાન તમારા વોટને કારણે ફેઇલ થઈ ગયો.’ ઇમરાન ખાનના સંદેશમાં પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ પર ટિપ્પણી કરવામાં આવી છે. અને કહ્યું છે કે ‘તેમના તરફથી 30 બેઠકો પાછળ ચાલતા હતા તો પણ વિક્ટ્રી સ્પીચ આપવામાં આવી.’ ઇમરાન ખાને દાવો કર્યો કે, ‘ગોટાળો શરૂ થયો એ પહેલાં અમે નેશનલ એસેમ્બલીની 150 બેઠકો પર જીતી રહ્યા હતા.’ તેમણે કહ્યું કે, ‘આ વખતે અમે ફૉર્મ 45ના ડેટા અનુસાર નેશનલ એસેમ્બલીની 170 બેઠકો પર જીતી રહ્યા હતા.’ પીટીઆઈ તરફથી ચૂંટણીપંચ તરફથી હજુ સુધી અંતિમ પરિણામ નથી જાહેર કરવામાં આવ્યું. પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે.

પીટીઆઈએ ગોટાળાના આક્ષેપ કર્યા છે પરંતુ તેમના તરફથી કોઈ પુરાવા નથી આપવામાં આવ્યા. પાકિસ્તાનમાં ગુરુવારે થયેલા મતદાન બાદ મતગણતરી ચાલુ છે. અત્યાર સુધીમાં જે પરિણામો આવ્યાં છે એના પર નજર કરીએ તો ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફના સમર્થિત ઉમેદવારોની 266 સભ્યવાળી નેશનલ ઍસેમ્બલીમાં 84 બેઠકો પર જીત થઈ છે. તો નવાઝ શરીફના નેતૃત્વવાળી પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝની 70 સીટ પર જીત થઈ છે.

તો પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની 51થી વધુ સીટ પર જીત થઈ છે. એવામાં અપક્ષ ઉમેદવારો નિર્ણાયક બની શકે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનમાં અપક્ષ ઉમેદવારોએ જીતના 72 કલાકની અંદર કોઈ પાર્ટીનું પોતાનું સમર્થન આપવાનું હોય છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ સામાન્ય ચૂંટણી ખતમ થયા બાદ શુક્રવારે સાંજે લાહોરમાં પોતાના કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમની સાથે શહબાઝ શરીફ અને મરિયમ નવાઝ પણ દેખાયાં. તેમણે કહ્યું, “આ દેશ મુશ્કેલીમાંથી બહાર કાઢવાની જવાબદારી આપણા સૌની છે.

આપણે લોકોના ભરોસા પર ખરા ઊતરવાનું છે, ત્યારે જ આપણે આ મુશ્કેલીમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકીશું.” આ સાથે જ તેમણે કહ્યું કે આ દેશ સંતુલન અને સ્થિરતા સાથે ઓછામાં ઓછાં દસ વર્ષ સુધી ચાલે એ જરૂરી છે. તેમણે કહ્યું કે દેશની તમામ પાર્ટીઓએ તેમની સાથે બેસવું જોઈએ જેથી આગળનો રસ્તો સ્પષ્ટ થઈ શકે. તેમણે કહ્યું કે શહબાઝ શરીફને પીપીપી, એમક્યૂએમ અને મૌલાના ફઝલ-ઉર-રહમાન સાથે મુલાકાત કરવાની જવાબદારી સોંપાઈ છે. નવાઝ શરીફે કહ્યું છે કે અમારી પાસે એટલો મોટો જનમત નથી કે અમે એકલા સરકાર રચી શકીએ, આવી સ્થિતિમાં અમે બીજાં દળોને સાથે આવવાનું આમંત્રણ આપીએ છીએ.

પાકિસ્તાન ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલાં શરૂઆતનાં વલણો અનુસાર સામાન્ય ચૂંટણીમાં ભારે સંખ્યામાં સ્વતંત્ર ઉમેદવાર જીતી રહ્યા છે. આ પૈકી મોટા ભાગનાને ઇમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઇન્સાફનું સમર્થન પ્રાપ્ત છે. અત્યાર સુધી લગભગ 60 સ્વતંત્ર ઉમેદવારોએ નેશનલ ઍસેમ્બલી (પાકિસ્તાની સંસદ)ની બેઠકો જીતી છે.  તેમાં તહેરિક-એ-ઇન્સાફના અધ્યક્ષ બૅરિસ્ટર ગોહર અલી ખાન, વરિષ્ઠ ઉપાધ્યક્ષ લતીફ ખોસા, પૂર્વ નૅશનલ ઍસેમ્બલી સ્પીકર અસર કૈસર અને પાર્ટીના સભ્ય અલી અમીન ગંડાપુર સામેલ છે. 

Most Popular

To Top