Columns

હુથી હુમલા અને અમેરિકાના વળતા હુમલા: મધ્ય-પૂર્વની પરિસ્થિતિ વકરી રહી છે

રાતા સમુદ્રમાં યમનના હુથી બળવાખોરો દ્વારા જહાજો પરના હુમલાઓએ યુરોપ અને એશિયા વચ્ચેના ટૂંકા શિપિંગ માર્ગ પરના આંતરરાષ્ટ્રીય વેપારને અસર કરી છે. ગાઝામાં ઇઝરાયેલી હુમલાઓના વિરોધમાં પેલેસ્ટિનિયનોને સમર્થન આપવા હુથી દ્વારા આ હુમલા થઈ રહ્યા છે. આ દરિયાઈ માર્ગ વિશ્વના શિપિંગ ટ્રાફિકનો લગભગ ૧૫ ટકા હિસ્સો ધરાવે છે. હુથી હુમલાઓના કારણે ઘણી શિપિંગ કંપનીઓએ તેમના જહાજોને બીજા માર્ગે વાળવાં પડ્યાં છે અથવા હાલ પૂરતા સ્થગિત કરવા પડ્યાં છે. સુએઝ કેનાલ અને બાબ અલ-માંડેબ સામુદ્રધુનીમાંથી પસાર થતાં ઘણાં વ્યાપારી જહાજો માટે દક્ષિણ આફ્રિકાના કેપ ઓફ ગુડ હોપની આસપાસ વૈકલ્પિક માર્ગ છે, પણ તે ખૂબ લાંબો માર્ગ છે, જેના કારણે ખર્ચ અને સમય વધી જાય છે.

હુથી જૂથ સામે યુએસ-યુકેએ કાર્યવાહી શરૂ કરી છે. ત્રીજી ફેબ્રુઆરીએ અમેરિકાએ યમનના હુથી-નિયંત્રિત વિસ્તારો ઉપરાંત ઇરાક અને સીરિયામાં સશસ્ત્ર જૂથોને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. યુએસ સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ) એ જણાવ્યું હતું કે તેણે એક હુમલામાં રાતા સમુદ્રમાં હુથી એન્ટિશિપ મિસાઇલનો નાશ કર્યો છે. યુએસ અને યુકેએ જણાવ્યું હતું કે તેઓએ યમનમાં ૩૬ હુથી સ્થાનોને નિશાન બનાવ્યાં છે, જ્યારે હુથી લશ્કરી પ્રવક્તા યાહ્યા સારીએ જણાવ્યું હતું કે રાજધાની સના પર હુમલો થયો હતો પણ અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.

૨૮ જાન્યુઆરીએ જોર્ડનમાં એક ચોકી પર ત્રણ અમેરિકી સૈનિકો ઈરાન સાથે જોડાયેલાં સશસ્ત્ર જૂથ ઈસ્લામિક રેઝિસ્ટન્સ દ્વારા કરવામાં આવેલા ડ્રોન હુમલામાં માર્યા ગયા હતા. યુએસ સેનાએ જણાવ્યું હતું કે તેમણે ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી) તેમજ રાજકીય અને સૈન્ય જૂથો સાથે જોડાયેલા સીરિયા અને ઈરાકનાં ૮૫ લક્ષ્યો પર હુમલો કર્યો હતો. ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથોએ ગાઝા પર ઇઝરાયેલના હુમલાને પગલે આ ક્ષેત્રમાં અમેરિકી મથકો પર ડઝનબંધ હુમલાઓ કર્યા છે. તેઓ ઇઝરાયેલ યુદ્ધવિરામની ઘોષણા કરે અને વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહેલા પેલેસ્ટિનિયનમાં માનવતાવાદી સહાયની મંજૂરી મળે એવી માંગ કરી રહ્યા છે. તેઓ સીરિયા અને ઇરાકમાં યુએસ સૈન્ય સામે લડવાની વાત પણ કરી રહ્યા છે. સીરિયાના પૂર્વીય પ્રાંત દેર અલ-ઝોર અને ઉત્તરપૂર્વીય પ્રાંત હસાકેહ, જ્યાં યુએસ બેઝ આવેલા છે ત્યાં વર્ષોથી હુમલા થતાં રહે છે. ઈરાનનું કહેવું છે કે ઇરાક, સીરિયા, લેબનોન અને યમનમાં સશસ્ત્ર દળો સ્વતંત્ર રીતે કામ કરે છે અને ઉત્તર જોર્ડનમાં યુએસ બેઝ પરના હુમલામાં ઈરાનની કોઈ ભૂમિકા નથી.

રશિયા અને ચીને તાજેતરમાં ઇરાક અને સીરિયામાં કરાયેલા હવાઈ હુમલા માટે અમેરિકાની ટીકા કરી છે. બંને દેશોએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકમાં અમેરિકા પર ક્ષેત્રીય તણાવ વધારવાનો આરોપ લગાવ્યો હતો. રશિયાએ એ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે અમેરિકી હુમલાઓ શરૂ કરવાનો નિર્ણય નવેમ્બરમાં આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે જોડાયેલો છે. ઈરાન, ઈરાક અને સીરિયાએ પણ અમેરિકી હુમલાની નિંદા કરતાં તેને દેશોની સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કહ્યું હતું. હમાસ અને ઈરાનનું કહેવું છે કે અમેરિકન સ્ટ્રાઇક્સ પેલેસ્ટિનિયનો પર ઈઝરાયેલના હુમલાઓથી ધ્યાન હટાવવા કરવામાં આવે છે. યુકે અને ઇયુએ અમેરિકાને સમર્થન આપ્યું હતું, જ્યારે વિશ્લેષકોએ ચિંતા વ્યક્ત કરી હતી કે આનાથી સમગ્ર પ્રદેશમાં યુદ્ધ ફેલાઈ શકે છે.

જો કે અમેરિકા અને તેના સાથીઓની હુથીઓ સામેની સૈન્ય કાર્યવાહી અત્યાર સુધી યમનના જૂથને રાતા સમુદ્રમાં વ્યાપારી જહાજો પર હુમલો કરવાથી રોકવામાં નિષ્ફળ રહી છે. વધતા તણાવ વચ્ચે, હુથીઓએ કહ્યું છે કે ઇઝરાયેલ, યુએસએ અને યુકે સાથે જોડાયેલાં ન હોય તેવાં જહાજો (એટલે રશિયા અને ચીનનાં જહાજો) સલામત છે. આ તણાવને કારણે ઓઇલના ભાવમાં વધારો થવાની શક્યતા છે. ભારત રશિયા પાસેથી જે ઓઇલ ખરીદે છે તે પણ આ માર્ગે જ આવે છે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top