Columns

ચાલો ફરી પ્રેમમાં પડીએ

વેલેન્ટાઇન ડે નજીકમાં છે એટલે ચારે બાજુ પ્રેમનું વાતાવરણ છે.સવારે મોર્નિંગ વોકમાં એક અંકલ રેડ ટી શર્ટ પહેરીને આવ્યા હતા.અંકલની ઉંમર તો ૭૫ની આસપાસ હશે, પણ મનમોજી હતા. તેઓ બધા સાથે મસ્તી મજાક કરતા રહેતા.એક યુવાનના ગ્રુપે મસ્તી કરી, ‘અરે વાહ અંકલ, તમે પણ કૈંક પ્રેમની મોસમમાં વેલેન્ટાઈન મૂડમાં લાગો છો.આંટીને લઈને ક્યાં જવાના છો.’ અંકલ હસ્યા અને બોલ્યા, ‘અરે બેટા,તમારી આંટી બે વર્ષ પહેલાં જ મને એકલો મૂકીને ભગવાન પાસે ચાલી ગઈ છે.’આવો જવાબ સાંભળીને બધા અચાનક ચૂપ થઇ ગયા.સોરી બોલવાની પણ કોઈની હિંમત ન થઈ.

અંકલ બોલ્યા, ‘અરે અરે એમાં તમારે ભારેખમ થવાની કે ચૂપ થવાની જરૂર નથી. સમજયા, તમને થોડી ખબર હતી તમે તો નિર્દોષ મજાક કરી અને હું તો માનું જ છું કે માણસે મનથી જીવંત ,ખુશ અને મનમોજી રહેવું હોય જીવનમાં મસ્તી ભરવી હોય તો પ્રેમમાં પડતાં જ રહેવું જોઈએ.’ બધા તેમની વાત સાંભળી રહ્યા,અંકલ ફરી હસ્યા અને બોલ્યા, ‘અરે વળી મારી મજાક ન કરતા, કોઈ બીજી આંટીના પ્રેમમાં હું પડ્યો નથી.હું તો કહું માણસે પ્રેમમાં પડતાં રહેવું જોઈએ, એટલે પોતાના પ્રિયજન સાથે ફરી ફરી પ્રેમમાં પડવું જોઈએ.હું તો તમારી આન્ટીની યાદોના પ્રેમમાં ફરી ફરી પડું છું.’ કોઈ પ્રેમમાં દુઃખી થયેલ, યુવાને કહ્યું, ‘અંકલ ,પણ કોઈ છોકરી દિલ તોડીને જતી રહે તો શું કરવું?’

અંકલ બોલ્યા, ‘એ સાચો પ્રેમ નહિ હોય તેમ સમજી આગળ વધવું.પણ પ્રેમમાં પડવાનું ન છોડવું અને હું કંઈ એમ નથી કહેતો કે કોઈ પ્રિય પાત્રના જ પ્રેમમાં પડો ….તમે જીવનમાં ખુશીઓ લાવવા.સંગીતના પ્રેમમાં પડી શકો છો …કોઈ કલાને પ્રેમ કરી શકો છો …તમારી કારકિર્દીને ચાહી શકો છો …રોજ કોઈ બે રડતા બાળકને હસાવવાના કામમાં પ્રેમ શોધી શકો છો …કોઈ એકલા વડીલ સાથે બે કપ ચા પીને તેમની વાતોમાં પ્રેમ શોધી શકો છો..

કોઈ સેવાના કાર્યમાં પોતાનો પ્રેમ શોધી શકો છો …જરૂરી નથી કે તમે કોઈ એક વ્યક્તિને જ પ્રેમ કરો અને તેના જ પ્રેમમાં બંધાઈને રહો..તમને સાચો પ્રેમ અને સાચો પ્રેમ કરનાર વ્યક્તિ મળે તો નસીબદાર છો કારણકે સાચો પ્રેમ બાંધતો નથી, તે તો મ્હેકે છે અને ફેલાય છે.તે વ્યક્તિ સંગાથે તમે પ્રકૃતિના પ્રેમમાં પડો …સાગર કિનારે ફરો સૂર્યોદય અને સૂર્યાસ્તના રંગોમાં ખોવાઈ જાવ …ચાંદ તારાને સાથે ગણો…બસ જીવનને જીવંત રાખવા પ્રેમમાં પડો …પ્રેમ કરો ..પ્રેમ ફેલાવો.’બધાએ અંકલની વાતોને તાળીઓથી વધાવી. ચાલો આપણે પણ ફરી પ્રેમમાં પડીએ અને પ્રેમ ફેલાવીએ.           – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top