SURAT

તંત્ર સાથે સેટિંગ કરી સુરતમાં ઉત્રાણના તાપી કિનારે અરવિંદ નામના શખ્સે ગેરકાયદે રેતીખનન ચાલું કરી દીધુ

સુરત: સુરત શહેરના પાલ, વરિયાવ નાનાવરાછા બાદ હવે ઉત્રાણ ગામમાં ગેરકાયદે રેતીખનન (Illegal sand mining) ધમધમવા માંડ્યુ છે. ખાણખનીજ અને પોલીસ વિભાગની આંખ આડા કાન કરવાની વૃતિને કારણે ઉત્રાણમાં રાતના અંધકારમાં ગેરકાયદે રેતીખનન શરુ થઇ ગયું છે. સુરત શહેરમાં તાપી કિનારે લાંબા સમયથી ગેરકાયદે રેતીખનન ધમધમે છે. સુરત શહેરમાં પાલ સહિત ડભોલી, વરિયાવ અને વરાછા સહિત કાપોદ્રા અને બાકી હતું તે હવે ઉત્રાણ ગામના રેતીખનન ધમધોકાર ચાલી રહ્યું છે.

  • ઉત્રાણ ગામના ધાબાના વડ નજીક મહાદેવ મંદિર પાછળ આખી રાત રેતીખનન
  • અરવિંદે તંત્ર સાથે સેટિંગ કરી લીધાની ચર્ચા
  • રાતે દસથી સવારે 6 વાગ્યા સુધી ધૂમ રેતીખનન થાય છે
  • આખી રાતમાં પચાસથી વધુ ટ્રક રેતી સપ્લાય કરાય છે
  • ગેરકાયદે રેતીખનનને લીધે નદીના પટને નુકસાન થતું હોવા છતાં તંત્ર મૌન

સૂત્રોના જણાવ્યાનુસાર કેટલાંક સમયથી ઉત્રાણ ગામના ધાબાના વડ નજીક મહાદેવ મંદિર પાછળના ભાગે આખી રાત રેતીખનન ચાલુ થયું છે. રેતીખનનમાં અરવિંદ નામના ખનીજકારનું નામ ઉછળ્યું છે. આ વ્યકિતએ તંત્ર સાથે સેટિંગ કરી લીધું હોવાની ચર્ચા છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ રાતે દસથી સવારે છ દરમિયાન આ વિસ્તારમાં ધૂમ રેતીખનન થાય છે. એક રાતમાં એક હજાર ટન રેતી ઉસેટી લેવામાં આવે છે. આખી રાતમાં પચાસથી વધુ ટ્રક રેતી સપ્લાય કરવામાં આવે છે. જેને લઇને સ્થાનિક લોકો પણ પરેશાન છે. કેમ કે ગામને નજીક આવેલા ભાગે થઇ રહેલા ગેરકાયદે રેતીખનનથી પટને પણ નુકશાન થઇ રહ્યું છે. પરંતુ પોલીસ અને ખાણખનીજ વિભાગે આંખે પાટા બાંધી લેતા રેતીચોરોને બખ્ખા થઇ ગયા છે.

નાના વરાછા અને કાપોદ્રામાં પણ રેતીનું ગેરકાયદે ખનન બેરોકટોક
સુરત શહેરમાં ખાણ ખનીજ વિભાગની લાપરવાહીને કારણે વિતેલા કેટલાંક દિવસથી શહેરમાં તાપી કિનારે ઠેરઠેર રેતીખનન ચાલુ થયું છે. ખાણ ખનીજ વિભાગ પાસે સ્ટાફ ઓછો હોય હવે રેતીચોરો ઉપર વોચ રાખી શકાતી નથી. જેનો સીધો લાભ પોલીસ ઉઠાવી રહી છે. શહેર પોલીસ તંત્રની અમીનજરને પ્રતાપે શહેર આખામાં તાપી કિનારે રેતીખનન ચાલુ થયું છે.આ વિસ્તારમાં પહેલા એક ધારાસભ્યના સુપુત્રનું નામ ઉછળ્યું હતું. અહીં ધારાસભ્યના પુત્રને અગાઉ દંડ પણ થયો હતો.પરંતુ ખાણખનીજ વિભાગને જંગી દેડ છતાં પણ આ ટોળકી ગાંઠતી નથી. વરાછા વિસ્તારમાં રેતીનો ગેરકાયદે સ્ટોક પણ અધધ કરાયો છે. આગામી દિવસોમાં તે અંગે વધુ ઘટસ્ફોટ કરાશે.

મંડળીના નામે તગારાથી રેતી કાઢવાને બદલે યાંત્રિક બોટ મૂકી દેવાઇ
સુરત શહેરમાં તાપી નદીમાં કોસ્ટલ રેગ્યુલેશન ઝોન હેઠળ કેટલાક નિયંત્રણો લાદવામાં આવ્યા છે. જે મુજબ તાપી નદીમાં સીઆરઝેડ એરિયામાં રેતીખનન માટે યાંત્રિક બોટ કે મશીનરીનો ઉપયોગ કરી શકાતો નથી. તેમ છતાં સુરત શહેરમાં સહકારી મંડળી ઊભી કરી રાતોરાત આપવામાં આવેલી કેટલીક લીઝની પરવાનગી શંકાના દાયરામાં આવી છે. આ લીઝ પૈકી કેટલાક લીઝ ધારકોએ મહાકાય બોટ અને મસમોટા યંત્રો તાપી નદીમાં ઉતારી બેરોકટોક રેતીખનન ચાલુ કરી દીધુ છે. ખાણ ખનીજ વિભાગના કેટલાંક ભ્રષ્ટ ચહેરાઓના પાપે આ રેતીચોરોએ નવો રસ્તો શોધી કાઢયો છે. આગામી દિવસોમાં આ અંગે સુરત જિલ્લા કલેકટર આયુષ ઓકને લેખિત ફરિયાદ કરવા તડામાર તૈયારીઓ શરુ કરી દેવાઇ છે.

Most Popular

To Top