SURAT

‘ફ્લેટ ખાલી કરાવવા આવશો તો મારી નાખીશ’: કીર્તિ પટેલ સામે સુરતમાં ગંભીર ગુનો નોંધાયો

સુરતમાં વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલની મુશ્કેલીઓ સતત વધી રહી છે. એક દિવસ પહેલાં બદનક્ષી અને ધમકીના કેસમાં ધરપકડ થયા બાદ હવે તેના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો વધુ એક ગંભીર ગુનો નોંધાયો છે. આ વખતે આરોપ છે કે તેણે વર્ષો પહેલાં ભાડે લીધેલો ફ્લેટ ખાલી કર્યો નથી, ભાડું પણ ચૂકવ્યું નથી અને મકાનમાલિકને ધમકી આપી ફ્લેટ પર ગેરકાયદેસર કબજો જમાવ્યો છે. આ સમગ્ર મામલો સુરતના ડુંભાલ વિસ્તારમાં આવેલી ‘કુશલ દર્શન વાટીકા’ નામની રહેણાંક સોસાયટીનો છે. અહીં રહેતા વૃદ્ધ દંપતી મંજુલાબેન અને તેમના પતિએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે વર્ષ 2019માં તેમણે કીર્તિ પટેલને માસિક રૂ. 9,500ના ભાડે પોતાનો ફ્લેટ આપ્યો હતો. શરૂઆતમાં સામાન્ય રીતે રહેવા આવેલી કીર્તિ પટેલે બાદમાં ભાડું ચૂકવવાનું બંધ કરી દીધું અને અનેક વખત સમજાવવા છતાં ફ્લેટ ખાલી કર્યો નહીં. ફરિયાદ મુજબ, વર્ષ 2016માં વૃદ્ધ દંપતીએ આ ફ્લેટ ખરીદ્યો હતો. બાદમાં સોસાયટીના પ્રમુખની ઓળખાણથી કીર્તિ પટેલને ભાડે આપવાનો નિર્ણય કર્યો હતો. ભાડાકરાર માટે જરૂરી દસ્તાવેજો આપવા કહેવામાં આવ્યા હતા, પરંતુ કીર્તિ પટેલે આધારકાર્ડ સહિતના જરૂરી દસ્તાવેજો આપ્યા નહોતા અને વારંવાર બહાનાં બનાવી સમય પસાર કરતી રહી હતી.

થોડા સમય બાદ કીર્તિ પટેલ અન્ય એક ગુનામાં જેલમાં ગઈ હતી. જેલમાંથી બહાર આવ્યા પછી મકાનમાલિકે ફરીથી ફ્લેટ ખાલી કરવા જણાવ્યું હતું. ત્યારે તેણે થોડા દિવસમાં બીજું મકાન શોધી ખાલી કરી દેશે એવી ખાતરી આપી હતી. જોકે બાદમાં કોરોના મહામારી આવી જતા તેણે આ પરિસ્થિતિનો પણ લાભ લીધો અને ફ્લેટ ખાલી કર્યો નહીં. એટલું જ નહીં, આ સમય દરમિયાન ભાડું પણ ચૂકવ્યું નહોતું. વૃદ્ધ દંપતીના જણાવ્યા પ્રમાણે તેઓ અનેક વખત પોતાના ફ્લેટ અંગે વાત કરવા ગયા હતા, પરંતુ દરેક વખતે તેમને અલગ-અલગ કારણો આપીને પાછા મોકલવામાં આવ્યા હતા. બાદમાં કીર્તિ પટેલે ખુલ્લેઆમ કહી દીધું કે તે ફ્લેટ ખાલી કરવાની નથી. તેણે એવો પણ દાવો કર્યો કે મકાનનું વીજ બિલ તે ભરે છે એટલે હવે ફ્લેટ તેના કબજામાં જ રહેશે. મકાનમાલિકે વિરોધ કરતાં તેણે કથિત રીતે ધમકી આપી હતી કે જો ફરી ફ્લેટ ખાલી કરાવવા આવશો તો જાનથી મારી નાખીશ. આ ધમકી બાદ વૃદ્ધ દંપતી ભારે ડરી ગયા હતા. આખરે તેમણે પોલીસનો સંપર્ક કરીને સમગ્ર ઘટના અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સુરતની પુણા પોલીસે કીર્તિ પટેલ સામે ‘ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ-2020’ હેઠળ લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધ્યો છે. સાથે ભારતીય દંડ સંહિતાની ધમકી સંબંધિત કલમો પણ ઉમેરવામાં આવી છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ ACP કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.

ફરિયાદી કીર્તિભાઈ ઈશ્વરદાસ પટેલે જણાવ્યું કે, શરૂઆતમાં કીર્તિ પટેલે કહ્યું હતું કે તે પોતાના ભાઈ અને ભાભી સાથે રહેશે. તેથી વિશ્વાસ રાખીને ફ્લેટ ભાડે આપવામાં આવ્યો હતો. પરંતુ થોડા સમય પછી ત્યાં ઝઘડાના બનાવો બનવા લાગ્યા. ત્યારબાદ મકાનમાલિકે ફ્લેટ ખાલી કરવા જણાવ્યું હતું, છતાં કીર્તિ પટેલે કોઈ વાત માની નહીં. તેમણે વધુમાં કહ્યું કે, ભાડાકરાર માટે જરૂરી દસ્તાવેજો પણ ક્યારેય આપવામાં આવ્યા નહોતા. આ અંગે અનેક વખત યાદ અપાવી હોવા છતાં કોઈ જવાબ મળ્યો નહીં. જ્યારે ફ્લેટ ખાલી કરાવવા દબાણ કરવામાં આવ્યું ત્યારે કીર્તિ પટેલે વારંવાર સમય માગ્યો અને પછી કોરોના મહામારીનો બહાનો બનાવી ત્યાં જ રહેતી રહી. ફરિયાદીનું કહેવું છે કે તેઓ વર્ષોથી આ મામલે માનસિક તણાવમાં જીવી રહ્યા છે. તેમના પરિવારના સભ્યો પણ સતત ચિંતામાં રહ્યા છે, કારણ કે પોતાની માલિકીની મિલકત હોવા છતાં તેઓ તેનો ઉપયોગ કરી શકતા નથી. ઘણી વખત પોલીસની મદદ પણ લેવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં પણ કીર્તિ પટેલને ફ્લેટ ખાલી કરવા સમજાવવામાં આવ્યું હતું, પરંતુ તેણે માત્ર આશ્વાસન આપ્યું અને પછી કોઈ કાર્યવાહી કરી નહીં. મકાનમાલિકે વધુમાં જણાવ્યું કે, કોરોના પછી પણ અનેક વખત ફ્લેટ ખાલી કરાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. પરંતુ દરેક વખતે કીર્તિ પટેલે દાદાગીરીભર્યું વર્તન કર્યું. તેણે સ્પષ્ટ કહી દીધું કે તે ફ્લેટ છોડવાની નથી અને જે કરવું હોય તે કરી લો.

કીર્તિ પટેલ વિરુદ્ધ અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. સોશિયલ મીડિયા પર વિવાદાસ્પદ પોસ્ટ, ધમકી, મારામારી સહિતના કેસોમાં તેનું નામ સામે આવ્યું છે. ગઈકાલે જ એક અન્ય કેસમાં પોલીસે તેની ધરપકડ કરી હતી. હવે લેન્ડ ગ્રેબિંગ જેવા ગંભીર કેસમાં પણ તેનું નામ જોડાતા તેની કાનૂની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. પુણા પોલીસે મંજુલાબેનની ફરિયાદના આધારે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે. તપાસ દરમિયાન ભાડાકરાર, મિલકત સંબંધિત દસ્તાવેજો, સાક્ષીઓના નિવેદનો તેમજ અન્ય પુરાવાઓ એકત્ર કરવામાં આવશે. પોલીસે જણાવ્યું છે કે કેસની તમામ દિશામાં તપાસ ચાલી રહી છે અને પુરાવાના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ સમગ્ર ઘટના પછી સુરતમાં ફરી એક વખત ભાડે મકાન આપતી વખતે યોગ્ય દસ્તાવેજી પ્રક્રિયા અને પોલીસ વેરિફિકેશનનું મહત્વ ચર્ચામાં આવ્યું છે. કાનૂની નિષ્ણાતોના મત મુજબ, કોઈપણ વ્યક્તિને મકાન ભાડે આપતા પહેલાં લેખિત ભાડાકરાર, ઓળખના પુરાવા અને જરૂરી ચકાસણી કરવી અત્યંત જરૂરી છે. નહીં તો ભવિષ્યમાં આવા વિવાદો ઊભા થઈ શકે છે.

Most Popular

To Top