Comments

જો તમને સીસ્ટમ સામે ગુસ્સો છે, તો તમારું સીસ્ટમમાં હોવું જરૂરી છે

2003 ની વાત છે. હું ગુજરાતના એક મોટા અખબારમાં ક્રાઈમ રીપોર્ટર તરીકે જોડાયો. પહેલા દિવસે મેં સ્ટાફમાં કોણ કોણ કામ કરે છે તેની જાણકારી મેળવી તો મને ખબર પડી કે એક સાવ જુનિયર રીપોર્ટર જે મારી અગાઉ ક્રાઈમ રીપોર્ટર તરીકે કામ કરતો હતો તેને હું અખબારમાં જોડાઈ રહ્યો છું તેવી ખબર મળતાં તેણે રાજીનામું આપી દીધું. મને આશ્ચર્ય થયું કે જે માણસને હું મળ્યો જ નથી તેણે માત્ર મારી હાજરીને કારણે કેમ રાજીનામું આપ્યું હશે. મેં તેના અંગે તપાસ કરી તો જાણકારી મળી કે તેણે જતી વખતે એવું કારણ આપ્યું કે મારે ક્રાઈમ રીપોર્ટર જ થવું છે, પરંતુ પ્રશાંત દયાળ જો આ સંસ્થામાં હોય તો મને કયારેય કામ કરવાની તક મળશે જ નહીં, એટલે હું નોકરી છોડી રહ્યો છું. સમયાંતરે હું આ વાત ભૂલી ગયો. બે વર્ષ પછી 2005 માં એક યુવાન ફરી હું જે અખબારમાં કામ કરતો હતો ત્યાં નોકરી મેળવી આવ્યો. મને મારા તંત્રીએ કહ્યું, આ તારા સહાયક ક્રાઈમ રીપોર્ટર તરીકે કામ કરશે, તેને મદદરૂપ થજો.

જે નવો યુવાન ક્રાઈમ રીપોર્ટર તરીકે મારી સાથે જોડાયો હતો, તેના વિશે કોઈ આવી મને કહ્યું કે બે વર્ષ પહેલાં તમારા કારણે જેણે નોકરી છોડી તે આ જ છોકરો છે. મેં તેને બોલાવ્યો. મેં તેને પૂછયું, તને મારી સામે કોઈ વાંધો છે, તેણે કહ્યું, ના. તેણે મને બે વર્ષ પહેલાં નોકરી છોડી તેનું કારણ આપ્યું, જે હું જાણતો જ હતો. મેં તેને મારી પાસે બેસાડયો અને કહ્યું આપણે એસ.ટી. સ્ટેન્ડ ઉપર જઈએ અને બારી પાસેની સીટ મળે તેવી આપણી ઈચ્છા છે. આપણે જે સ્ટેન્ડ ઉપર ઊભા છીએ ત્યાં જેટલી બસ આવે છે તે બધી ભરાયેલી આવે છે. આપણે ખાલી બસ આવે અને તે બસમાં બારી પાસેની સીટ ખાલી હોય તેવી અપેક્ષા રાખીએ, એક પછી એક બસ આવતી જાય છે અને બધી જ બસ મુસાફરો ભરેલી આવે છે. એક પછી એક બસ જાય અને આપણે ત્યાં જ ઊભા રહી જઈએ છીએ. બારી પાસેની સીટ મળે તેવી ઈચ્છા હોય તો આપણે ભરેલી બસમાં પણ ચઢી જવાનું શકય છે કે આગળના સ્ટેન્ડ ઉપર અથવા પછીના સ્ટેન્ડ ઉપર કોઈ મુસાફર ઊતરે અને આપણને બારીવાળી સીટ મળે.

પરંતુ બારીવાળી સીટ મળે તે માટે આપણું બસ હોવાનું જરૂરી છે. જો આપણે બસમાં દાખલ જ થઈશું નહીં તો બારીવાળી સીટ મળશે જ નહીં. તે યુવાનને મારી વાત સમજાઈ અને આજે તે એક રાષ્ટ્રીય અખબારમાં આસીસ્ટન્ટ એડીટર તરીકે ફરજ બજાવે છે. આમ જેઓ પણ બીજા કરતાં જૂદું વિચારે છે, તે તમામનું સીસ્ટમમાં હોવું જરૂરી છે, કારણ સીસ્ટમ ખરાબ છે અથવા સીસ્ટમ ચલાવનાર માણસો ખોટા છે તેમ કહી સીસ્ટમ છોડી દેવી સહેલી બાબત છે, પણ તકલીફો અને મુશ્કેલી વચ્ચે મેદાનમાં ઊભા રહેવું જરૂરી છે, કારણ જો મેદાનમાં ઊભા રહીશું તો આપણને અનુકૂળ બોલ આવશે અને આપણે રમી શકીશું, પણ સીસ્ટમની બહાર નીકળ્યા પછી લોકોનું તો ઠીક, આપણું પણ ભલું નહીં થાય. મારી કેરિયરનાં પ્રથમ વીસ વર્ષમાં મારી અઢાર નોકરી બદલાઈ, કયાંક સીસ્ટમ ખરાબ છે તેમ કહી મેં નોકરી છોડી, કયાંક સીસ્ટમે તમે અમને અનુકૂળ નથી તેમ જણાવી મારી નોકરી લઈ લીધી. જો કે સદ્દનસીબે મને તરત નોકરી મળી જતી હતી, પણ બધા મારા જેવા નસીબદાર હોતા નથી, કારણ એક વખત સીસ્ટમમાંથી નીકળી ગયા પછી ફરી એન્ટ્રી લેવી બહુ અઘરી હોય છે.

મારા અનુભવ પછી શીખ્યો, લડી ઝઘડી સીસ્ટમની બહાર જઈ બધું જ ખાડે ગયું છે તેવી ટીકા કરવી સહેલી છે. હું કાયમ મારા પત્રકારત્વના વિદ્યાર્થીઓને કહું છું, કોઈ આપણો કોલર પકડી આપણને આ સીસ્ટમમાં લાવ્યું નથી. આપણે જાતે આ રસ્તો પસંદ કર્યો છે ત્યારે તકલીફ તો રહેવાની એટલે મુશ્કેલી અંગે ફરિયાદ કરવા કરતાં કેવી રીતે બીજા માટે સારું કામ થઈ શકે તેવો પ્રયાસ કરવાનો. આપણા માટે પ્રતિકૂળ સ્થિતિ હોય ત્યારે એક ખૂણામાં ચુપચાપ ઊભા રહેવાનું પણ સીસ્ટમ છોડી જતાં રહેવાનું નહીં, જયારે આપણી અનુકૂળ સ્થિતિ આવે ત્યારે ચોગ્ગા છગ્ગા મારી લોકો માટે ઉત્તમ થાય તે કામ કરવાનું. હું માત્ર પત્રકારત્વની જ વાત કરતો નથી, આપણે જયાં પણ કામ કરીએ છીએ ત્યાં તમામ સ્થળે વત્તા ઓછા પ્રમાણમાં આવી જ સ્થિતિ છે, પણ સીસ્ટમ અને સીસ્ટમ ચલાવનાર લોકોને દોષ આપી આપણે તેમાંથી બહાર જતાં રહીએ તે આપણા જીવનનો સૌથી ખોટો નિર્ણય સાબિત થતો હોય છે.

થોડા દિવસ પહેલાં હું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પગારના મુદ્દે મરણાંત ઉપવાસ કરનાર મહિલા કોન્સ્ટેબલ નીલમ મકવાણાને મળવા ગયો હતો. તેને સીસ્ટમ સામે ખૂબ નારાજગી હતી. તેણે મને કહ્યું, મને લાગે છે કે મારે પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેવું જોઈએ. મેં તેને કહ્યું, મુશ્કેલી અને નારાજગીને કારણે નોકરી છોડી દેવી તે તો સહેલો રસ્તો છે, પણ તારું પોલીસમાં હોવું જરૂરી છે, કારણ જો તું પોલીસમાં નોકરી કરીશ તો જ તારા પોલીસ સ્ટેશનમાં આવનાર કોઈ ગરીબ અને સામાન્ય માણસનું તું ભલું કરી શકીશ. જો તું પોલીસમાં નોકરી જ નહીં કરે તો તારી અંદર લોકોને મદદરૂપ થવાની ઈચ્છા હશે તો પણ સત્તા નથી તેના કારણે તું કંઈ જ કરી શકીશ નહીં. સીસ્ટમમાં તે તકલીફ છે તે કદાચ કાલે દૂર પણ થઈ જાય  અને સીસ્ટમ સારી રીતે ચાલવા લાગે ત્યારે આપણી પાસે કામ નહીં હોય તો શું કરીશું. આખી સીસ્ટમમાં આપણી ભૂમિકા એક મોટા મશીનના નટ બોલ્ટ જેવી હોય છે પણ નટ બોલ્ટ પણ સારી રીતે ફીટ હોય તે જરૂરી છે. આપણું યોગદાન નાનું હોવા છતાં આપણે તે કામ પ્રામાણિકપણે કરીએ તે પણ જરૂરી છે, પણ તેના માટે સૌથી અગત્યની બાબત છે મશીનરૂપી સીસ્ટમમાં આપણી હાજરી હોવી અનિવાર્ય છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top