Editorial

કાશ્મીરનો મુદ્દો ઉઠાવતા રહેવું એ પાકિસ્તાનના નેતાઓની મજબૂરી છે

પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ તરત જ શાહબાઝ શરીફે પોતાના પ્રથમ પ્રવચનમાં જ સોમવારે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબૂદીનો મુદ્દો ઉપાડ્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે કાશ્મીરના ખીણના લોકોનું લોહી  વહી રહ્યું છે અને પાકિસ્તાન તેમને રાજદ્વારી અને નૈતિક ટેકો પુરો પાડશે અને સાથોસાથ આ બાબત દરેક આંતરરાષ્ટ્રીય મંચ પર ઉપાડશે. આ જો કે કોઇ નવી બાબત નથી. પાકિસ્તાનમાં કોઇ પણ વ્યક્તિ વડાપ્રધાન બને, તે  તરત જ કાશ્મીરનો રાગ આલાપવા લાગી જાય છે. કાશ્મીર એ પાકિસ્તાનના નેતાઓની મજબૂરી બની ગયું છે. કાશ્મીરનો મુદ્દો ઉપાડે તે જ સાચો રાષ્ટ્રવાદી નેતા એવો માહોલ પાકિસ્તાનમાં ઉભો કરી દેવામાં આવ્યો છે અને હવે  સ્થિતિ એવી છે કે કોઇ પણ નેતાએ કાશ્મીરનો મુદ્દો ઉપાડીને ભારતને પ્રસંગોપાત ઝાટકતા રહેવું પડે છે. ખરેખર તો આ સ્થિતિ પાકિસ્તાન માટે જ સારી નથી પરંતુ પાકિસ્તાનમાં હજી સુધી કોઇ પણ નેતા એવો પાક્યો નથી કે જે  ખોંખારીને એમ કહી શકે કે કાશ્મીરની હવે વાત છોડો, આપણા દેશની જ સમસ્યાઓ પર ધ્યાન આપો. જો કોઇ નેતા આવું બોલવા જાય તો દેશદ્રોહીમાં ખપી જાય તેવો માહોલ ત્યાં ઉભો કરી દેવામાં આવ્યો છે.

શાહબાઝ શરીફ, કે જેઓ હાઇ વોલ્ટેજ રાજકીય લડાઇ પછી ઇમરાન ખાનની જગ્યાએ પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા છે તેમણે કહ્યુ કે તેઓ ભારત સાથે સારા સંબંધો ઇચ્છે છે પરંતુ તે કાશ્મીરનો મુદ્દો ઉકેલ્યા વિના પ્રાપ્ત કરી  શકાય તેમ નથી. પાકિસ્તાનના વડાપ્રધાનો અને અન્ય નેતાઓ આવું જ કહેતા આવ્યા છે અને એ જ વાતનું પુનરાવર્તન શાહબાઝ શરીફે કર્યું છે. તેમણે કહ્યું હતું કે પાડોશીઓ પસંદ કરી શકાતા નથી, તે એવી બાબત છે કે જેની  સાથે અનુકૂળ થઇને આપણે જીવવાનું હોય છે અને કમનસીબે ભારત સાથે પાકિસ્તાનના સંબંધો તેની સ્થાપના સમયથી ક્યારેય સારા રહ્યા નથી. આ સંબંધો કેમ આટલા બધા બગડ્યા તેના મૂળમાં જવાનું શાહબાઝને સારુ લાગ્યું  નથી અને પાકિસ્તાનના કોઇ નેતાને સારુ નહીં લાગ. જ્યારે ભારતે ઓગસ્ટ ૨૦૧૯માં કલમ ૩૭૦ નાબૂદ કરી તે સમયે ગંભીર અને રાજદ્વારી પ્રયાસો નહીં કરવા બદલ તેમણે ઇમરાન ખાન પર પ્રહારો કર્યા હતા.

જ્યારે ઓગસ્ટ  ૨૦૧૯માં બળપૂર્વક દબાણ કરવામાં આવ્યું અને કલમ ૩૭૦ નાબૂદ કરવામાં આવી ત્યારે આપણે કયા ગંભીર પ્રયાસો કર્યા, કઇ ડિપ્લોમસી આપણે અજમાવી… કાશ્મીરીઓનું લોહી કાશ્મીરના રસ્તાઓ પર વહી રહ્યું છે અને  કાશ્મીર ખીણ તેમના લોહીથી લાલ બની ગઇ છે એમ શાહબાઝે કહ્યું. દેખીતી રીતે તેઓ ઉશ્કેરણીનો પ્રયાસ કરી રહ્યા છે. ઇમરાન ખાનની સરકારની નબળાઇ દેખાડવા માટે શાહબાઝે કલમ ૩૭૦ નાબૂદી વખતે તે સરકારે યોગ્ય  પગલાઓ નહીં ભર્યા તેમ કહ્યું તે સમજી શકાય તેવી વાત છે, રાજકારણીઓ પોતાના વિરોધીઓને ભીંસમાં લેવા કે નીચા પાડવા આવા મુદ્દાઓ ઉપાડતા હોય છે તે જાણીતું છે. પણ કાશ્મીરમાં કાશ્મીરીઓનું લોહી રસ્તાઓ પર વહી  રહ્યું છે અને કાશ્મીર ખીણ કાશ્મીરીઓના લોહીથી લાલ બની ગઇ છે તેવા ઉચ્ચારણો હાલના સંજોગોમાં સ્વાભાવિક રીતે અતિશયોક્તિપૂર્ણ જ છે અને તે ઉશ્કેરણીજનક પણ છે અને પાકિસ્તાનના વડાપ્રધાન બનતા જ શાહબાઝે  આવી બાબત ઉચ્ચારી છે તે કમનસીબ બાબત છે.

શાહબાઝ શરીફે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ હાકલ કરી છે કે તેઓ કાશ્મીરનો મુદ્દો ઉકેલવા આગળ આવે તેથી બંને દેશો ગરીબી, બેરોજગારી, દવાઓની તંગી તથા અન્ય મુદ્દાઓ હાથ ધરવા પર ધ્યાન કેન્દ્રિત કરી  શકે. શા માટે આપણે આપણી આવનારી પેઢીઓ સહન કરતી રહે તેવું ઇચ્છીએ છીએ. આવો, આપણે કાશ્મીરનો મુદ્દો યુએનના ઠરાવો મુજબ અને કાશ્મીરીઓની ઇચ્છાઓ અનુસાર ઉકેલીએ, જેથી આપણે સરહદની બંને બાજુએ  ગરીબીનો અંત લાવવા સક્ષમ બનીએ એમ તેમણે કહ્યું હતું. ગરીબી, બેકારી દૂર કરવાની વાતો, પ્રજાને પીડતી અન્ય સમસ્યાઓ દૂર કરવાની ડાહી ડાહી વાતો કરીને શાહબાઝ શરીફ ફરીથી એ જ કાશ્મીરનો મુદ્દો વચ્ચે લાવ્યા  છે. કાશ્મીરનો મુદ્દો ઉકેલાય તે પછી આ સમસ્યાઓ ઉકેલાય અને કાશ્મીરનો મુદ્દો ઉકેલાય તેના પછી જ ગરીબી, બેકારી જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી શકાય તેવો તેમની વાતનો સૂર છે અને આ બાબત જ હાસ્યાસ્પદ છે. 

કાશ્મીરનો મુદ્દો યુએનના ઠરાવો મુજબ અને કાશ્મીરીઓની ઇચ્છા મુજબ ઉકેલવાની વાત તેઓ કરે છે પરંતુ આટલા વર્ષો સુધી પાકિસ્તાને ફક્ત કાશ્મીરમાં જ નહીં પણ ભારતના અન્ય ભાગોમાં પણ ત્રાસવાદની નિકાસ કરી તેના  પછી હવે કાશ્મીરનો મુદ્દો યુએનના ઠરાવો મુજબ ઉકેલવાની વાત કરવાનો અધિકાર પાકિસ્તાને ગુમાવી દીધો છે. કાશ્મીરીઓની ઇચ્છાઓ અનુસાર આ મુદ્દો ઉકેલવાની વાત કરતી વખતે પાકિસ્તાની નેતાઓએ એ યાદ રાખવાની  જરૂર છે કે બલોચિસ્તાનનું સળગતું તાપણુ તેમને ત્યાં પણ છે. દુનિયામાં અનેક સ્થળે આવા અલગતાવાદી સંઘર્ષો ચાલી રહ્યા છે અને બધી જગ્યાએ પ્રજાને આત્મનિર્ધારનો અધિકાર આપી દેવાનું યોગ્ય હોતું નથી. થોડી  સમજાવટથી, થોડી કડકાઇથી, થોડી લાલચથી – એ રીતે જ આવા અજંપાગ્રસ્ત પ્રદેશોને શાંત રાખવાનો પ્રયાસ વિશ્વના અનેક દેશો કરે છે અને ભારત પણ તે જ કરે છે. કાશ્મીર હવે મળવાનું નથી એવું સમજવા છતાં પાકિસ્તાની  નેતાઓ તેના વિશે નિવેદનો આપતા રહે છે અને એ નિવેદનોને શેષ વિશ્વમાં હવે કોઇ ગંભીરતાથી લેતું પણ નથી.

Most Popular

To Top