વિધાનસભાઓની ચૂંટણી પૂરી થઈ કે તરત મે મહિનામાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો. તેની શરૂઆત ૧૫ મેના રોજ થઈ હતી, જ્યારે પ્રતિ લિટર લગભગ ૩ રૂપિયાનો મોટો ભાવવધારો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ૧૯ મેના રોજ પ્રતિ લિટર લગભગ ૮૭ થી ૯૧ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો. ત્રીજો વધારો ૨૩ મેના રોજ થયો, જેમાં ફરી ભાવમાં આશરે ૮૭ થી ૯૧ પૈસા પ્રતિ લિટરનો વધારો થયો. ચોથો અને સૌથી તાજેતરનો વધારો ૨૫ મેના રોજ થયો, જેમાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૨.૬૧ રૂપિયા અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર ૨.૭૧ રૂપિયાનો વધારો થયો. એટલે કે ૧૫ મે થી ૨૫ મે દરમિયાન, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કુલ ૭ થી ૭.૫ રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયો છે.
સરકારનો દાવો છે કે સરકારી તેલ કંપનીઓ લાંબા સમયથી પડતર કિંમત કરતાં ઓછી કિંમતે ઇંધણ વેચી રહી હતી અને દરરોજ ભારે નુકસાન સહન કરી રહી હતી, તેથી તે નુકસાન ઘટાડવા માટે આ વધારો જરૂરી બન્યો હતો. સરકારે એમ પણ કહ્યું છે કે ગ્રાહકોને રાહત આપવા માટે તેણે લાંબા સમયથી ભાવવધારો અટકાવ્યો હતો અને એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને બોજો ઘટાડી દીધો હતો. જો આ પગલાં લેવામાં ન આવ્યાં હોત, તો ઇંધણની કિંમત વધી ગઈ હોત.
કિંમતમાં વધારો થાય તે પહેલાં કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે આંતરરાષ્ટ્રીય ક્રુડ ઓઇલના ભાવમાં વધારાથી ગ્રાહકોને બચાવવા માટે સરકારી તેલ કંપનીઓ દરરોજ ૧,૦૦૦ કરોડ રૂપિયાનું નુકસાન કરી રહી છે, પરંતુ ૧૩ થી ૧૯ મે દરમિયાન ત્રણ મુખ્ય તેલ કંપનીઓ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમે જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૬ માટે તેમનાં ત્રિમાસિક પરિણામો જાહેર કર્યાં હતાં. આ પરિણામો દર્શાવે છે કે આ સમયગાળા દરમિયાન ત્રણેય કંપનીઓએ સારો નફો નોંધાવ્યો હતો. ત્રણેય કંપનીઓના સંયુક્ત નફામાં આશરે ૧૯,૦૦૦ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
દિલ્હી સ્થિત થિંક ટેન્ક ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના ડિરેક્ટર અજય શ્રીવાસ્તવ દેશમાં તેલ કંપનીઓને નુકસાન થાય છે, તેવા દાવા પર સવાલ ઉઠાવે છે. તેઓ કહે છે કે તાજેતરમાં તેલ કંપનીઓનાં પરિણામો બહાર આવ્યાં તેમાં બધી સરકારી કંપનીઓએ જંગી નફો દર્શાવ્યો. દરમિયાન, એવા અહેવાલો પણ વહેતા કરવામાં આવ્યા છે કે આ કંપનીઓ દરરોજ કરોડોનું નુકસાન કરી રહી છે, કારણ કે સરકાર યોગ્ય રીતે ભાવમાં વધારો કરી રહી નથી. આમાં સચ્ચાઈ શું છે? સિસ્ટમમાં પારદર્શિતા હોવી જોઈએ જેથી જાણી શકાય કે તેલ કંપનીઓ દ્વારા કેટલા ટકા પૈસા લેવામાં આવશે અને સરકાર દ્વારા કેટલો ટેક્સ લેવામાં આવશે.
જો આ બધા આંકડા ઉપલબ્ધ કરાવવામાં આવે તો બધું સ્પષ્ટ થઈ જશે. જ્યારે ૨૦૨૦-૨૧માં તેલના ભાવ પ્રતિ બેરલ ૨૫થી ૩૦ ડોલર હતા, ત્યારે આપણા ભાવ લગભગ સમાન હતા. ત્યારે જો મોટો નફો થયો હોત, તો તે નફો એક પુલમાં નાખવો જોઈતો હતો. કંપનીઓ પેટ્રોલના ભાવ ઘટાડી પણ શકી હોત, જે સરકારે કર્યું નહીં. જો નફો પુલમાં રાખવામાં આવ્યો હોત, તો જ્યારે કિંમત અસામાન્ય રીતે વધી હતી, ત્યારે આ પૈસાનો ઉપયોગ ગ્રાહકોને નુકસાન ન થાય અને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધુ પડતો વધારો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા માટે કરી શકાયો હોત. આ સમગ્ર ગૂંચવણ પારદર્શિતાના અભાવ પર આધારિત છે અને પારદર્શિતા લાવવાથી સમસ્યાઓનો ઉકેલ આવશે.
૨૦૨૨ માં યુક્રેન યુદ્ધ પછી ભારતની તેલ આયાત નીતિમાં મોટો ફેરફાર થયો હતો. પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા, જેના કારણે રશિયન તેલ સસ્તા ભાવે ઉપલબ્ધ થયું અને ભારતે આનો લાભ લઈને ઝડપથી આયાત વધારી હતી. ભારતે મોટા પાયે રશિયન ક્રુડ ઓઇલ ખરીદવાનું શરૂ કર્યું અને રશિયા ઝડપથી ભારતનું મુખ્ય સપ્લાયર બની ગયું. ૨૦૨૨-૨૦૨૩ દરમિયાન આ વૃદ્ધિ વધુ ઝડપી બની. ભારતની કુલ ક્રુડ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો લગભગ ૨ ટકાથી વધીને ૧૯ ટકા થયો અને ૨૦૨૩-૨૦૨૪માં ૩૫-૪૦ ટકા સુધી પણ પહોંચી ગયો.
સસ્તા તેલના કારણે ભારતને આયાત ખર્ચ ઘટાડવામાં મદદ મળી અને રશિયા ભારતનો સૌથી મોટો તેલ સપ્લાયર બન્યો, જેણે મોટા ભાગે પરંપરાગત મધ્ય પૂર્વીય દેશોનું સ્થાન લીધું. ભારતે રશિયાનું ખનિજ તેલ સસ્તામાં ખરીદ્યું પણ તેનો લાભ જનતાને મળ્યો નહોતો. જ્યારે ઈરાન યુદ્ધ શરૂ થયું ત્યારે ચીન, સિંગાપોર અને બે-ત્રણ અન્ય દેશો સહિત ઘણા દેશોએ રિફાઈન્ડ પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. યુદ્ધ શરૂ થયા પછી ઊભી થનારી અછતને પહોંચી વળવા માટે તેઓએ આ કર્યું. ભારતે પણ એવું જ કરવું જોઈતું હતું. ચીન પાસે છ મહિનાથી વધુ સમય માટે અનામત હતું પણ ભારતનું અનામત ખૂબ જ ટૂંકા ગાળા માટે હતું.
શું ભારતની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા) કટોકટી વચ્ચે અણધાર્યો ફાયદો મેળવી રહી છે? આ ચર્ચાના કેન્દ્રમાં એક નોંધપાત્ર આંકડો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫-૨૬માં ઓઇલ કંપનીઓએ ૭૭,૮૨૧ કરોડ રૂપિયાનો સંયુક્ત નફો નોંધાવ્યો હતો. આ નફો નોંધપાત્ર લાગે છે, પરંતુ વાસ્તવિકતા ખૂબ જટિલ છે. જ્યારે તમે માર્જિન, કુલ ટર્નઓવર અને વૈશ્વિક ક્રુડ ઓઇલના ભાવમાં વધઘટને ધ્યાનમાં લો છો, ત્યારે ચિત્ર અલગ બની જાય છે.કાગળ પર ૭૭,૮૨૧ કરોડ રૂપિયાનો નફો નોંધપાત્ર લાગે છે, પરંતુ લગભગ ૨૦ લાખ કરોડ રૂપિયાના જંગી ટર્નઓવર પર તે ફક્ત ૩ થી ૪ ટકાના માર્જિનનું પ્રતિનિધિત્વ કરે છે.
રિફાઇનિંગ અને ઇંધણ છૂટક વેચાણ જેવા કોમોડિટી વ્યવસાયોમાં આ એકદમ સામાન્ય નફો માનવામાં આવે છે. આને ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના ઉદાહરણથી સમજીએ. ઇન્ડિયન ઓઇલનું ટર્નઓવર લગભગ ૧૦ લાખ કરોડ રૂપિયા છે અને નફો ૨૦ થી ૩૦ હજાર કરોડ રૂપિયા છે, જે ફક્ત ૩ ટકાનું માર્જિન દર્શાવે છે. જો કંપનીઓ ૨૦ લાખ કરોડ રૂપિયાના ટર્નઓવર પર માત્ર ૨,૦૦૦ કરોડ રૂપિયા કમાય છે, તો માર્જિન ઘટીને ૦.૧ ટકા થઈ જશે. આટલા ઓછા માર્જિન સાથે સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ભવિષ્યના રિફાઇનરી વિસ્તરણ અથવા નવીનીકરણીય ઊર્જા પ્રોજેક્ટો માટે સરળતાથી કામ કરી શકશે નહીં અથવા મૂડી એકત્ર કરી શકશે નહીં.
સરકારી ઓઈલ માર્કેટિંગ કંપનીઓના વાર્ષિક નફાનો લગભગ અડધો ભાગ કોર્પોરેટ ટેક્સ અને ડિવિડન્ડના રૂપમાં સરકારને જાય છે. આ નાણાંનો ઉપયોગ રસ્તાઓ, હાઇ વે, રેલવે, મેટ્રો રેલવે અને અન્ય માળખાગત સુવિધાઓ બનાવવા માટે થાય છે. બાકીના ભંડોળનો ઉપયોગ રિફાઇનરીનું વિસ્તરણ, પાઇપલાઇન નાખવામાં અને સ્વચ્છ ઊર્જા માળખાંને મજબૂત બનાવવામાં થાય છે. સરકારી કંપનીઓ જાહેર જનતાને આપવામાં આવતી સબસિડીનો બોજો પણ સહન કરે છે.
નાણાંકીય વર્ષ ૨૦૨૫ માં જ્યારે LPG સિલિન્ડરની કિંમત ૫૫૦ રૂપિયા પર જાળવી રાખવી પડી હતી, ત્યારે કંપનીઓએ તેમના પોતાના નફાના પુલમાંથી ૪૦,૪૩૪ કરોડ રૂપિયાનો ખર્ચ ઉઠાવ્યો હતો. તાજેતરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લિટર ૧૦ રૂપિયાનો ઘટાડો કરી દીધો હતો. કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી હતી કે આ એક્સાઇઝ ડ્યુટી ઘટાડાથી આશરે ૧ લાખ કરોડ રૂપિયાનું મહેસૂલી નુકસાન થશે. સરકારી કંપનીઓનો વહીવટ પ્રોફેશનલ ધોરણે કરવામાં નથી આવતો પણ રાજકીય દાવપેચને ટેકો આપવાનાં સાધન તરીકે કરવામાં આવે છે, જેને કારણે તેનો વહીવટ અપારદર્શક બને છે. જો આ વહીવટ પારદર્શક બનાવવામાં આવે તો જ પ્રજાના મનની શંકાઓ દૂર થઈ શકે તેમ છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.