Charchapatra

ક્રેડિટ સુઇસે બેન્ક દેવાળું કાઢશે તો દુનિયાભરની બેન્કો આફતમાં મૂકાઈ જશે

ઇ.સ. ૨૦૦૮માં મંદી આવી ત્યારે અમેરિકાની લેહમેન બ્રધર્સ નામની કંપનીએ દેવાળું ફૂંક્યું તેની ચેઇન ઇફેક્ટ દુનિયાભરમાં જોવા મળી હતી. લેહમેન બ્રધર્સે દેવાળું કાઢ્યું તેના થોડા જ દિવસો પહેલાં તેના સીએફઓએ જાહેર નિવેદન બહાર પાડ્યું હતું કે ‘બેન્કની આર્થિક હાલત બહુ નક્કર છે, માટે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.’બરાબર તેવું જ નિવેદન તાજેતરમાં સ્વિટ્ઝર્લેન્ડની સૌથી મોટી બેન્ક ક્રેડિટ સુઈસે દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ બેન્કની સ્થાપના ૧૮૫૬માં થઈ હતી અને તેની ગણતરી દુનિયાની મોટામાં મોટી બેન્ક તરીકે થાય છે. આશરે ૧૦ અબજ ડોલરની મૂડી ધરાવતી ક્રેડિટ સુઈસે બેન્ક છેલ્લા ૬ મહિનાથી મુસીબતમાં છે. છેલ્લા ૬ મહિનામાં તેના શેરોના ભાવોમાં ૫૦ ટકાનો ઘટાડો થયો છે, જે પૈકી ૧૦ ટકા ઘટાડો છેલ્લા દિવસમાં થયો છે. પરિસ્થિતિ એવી છે કે તેણે ઉધાર લીધેલાં નાણાંનું વ્યાજ ચૂકવવા તેણે વધુ ઉધારી કરવી પડે છે.

ક્રેડિટ સુઈસે બેન્કને જે નાણાં સંસ્થાઓ લોન આપે છે તેમને પણ ભરોસો નથી કે તેમની રકમ તેમને પાછી મળી જશે. આ કારણે તેઓ લોનનો વીમો ઊતરાવે છે. આ વીમાનું પ્રિમિયમ પણ ક્રેડિટ સુઈસે બેન્કે ચૂકવવું પડે છે. આ પ્રિમિયમના ભાવો સાંભળીને આંખો પહોળી થઈ જાય છે. ૨૦૦૮માં દુનિયાભરમાં મહામંદી આવી ત્યારે ઉધાર નાણાં લેનારે જેટલું પ્રિમિયમ ચૂકવવું પડતું હતું તેટલું પ્રિમિયમ ક્રેડિટ સુઈસે અત્યારે ચૂકવી રહી છે. ગઈ કાલે બેન્કના સીઈઓ દ્વારા નિવેદન જારી કરવામાં આવ્યું કે ‘‘બેન્કની આર્થિક હાલતનો અંદાજ તેના શેરના ભાવો પરથી માંડવાની ભૂલ કરતા નહીં.

બેન્કની આર્થિક હાલત ઘણી સદ્ધર છે.’’જો કે આ નિવેદન પર કોઈને ભરોસો નથી. આ નિવેદન સામે નસીમ તાલેબ નામના નિષ્ણાતે ટ્વિટ કરી કટાક્ષ કર્યો કે ‘‘જ્યાં સુધી અફવાને સત્તાવાર રદિયો આપવામાં ન આવે ત્યાં સુધી તેને ખોટી માનવી જોઈએ.’’તેમના કહેવાનો મતલબ એ હતો કે બેન્કના સીઈઓ દ્વારા અફવાનું ખંડન કરવું પડે તેનાથી જ બેન્ક પરનો ભરોસો ઘટી જાય છે. ક્રેડિટ સુઈસે બેન્ક તકલીફમાં છે, તેનું કારણ એ છે કે તેનો મુખ્ય ધંધો મોટી મોટી કંપનીઓને મોટા મોટા પ્રોજેક્ટો માટે મોટી મોટી લોન આપવાનો છે.

આ મહાકાય પ્રોજેક્ટો ફેઈલ થઈ જાય ત્યારે કંપનીઓ લોનની ચૂકવણી કરી શકતી નથી અને હાથ ઊંચા કરી દે છે. તેનું આદર્શ ઉદાહરણ ગ્રીનસીલ નામની કંપની છે. તેમનો ધંધો સપ્લાય ચેઇનને ફાઇનાન્સ કરવાનો હતો. કોરોનાને કારણે દુનિયાભરની સપ્લાય ચેઇન ખોરવાઈ જતાં આ કંપની મુસીબતમાં મૂકાઈ ગઈ હતી. સપ્લાય ચેઈન કંપનીઓને નાણાં ધિરવા તેણે ક્રેડિટ સુઈસે પાસેથી મોટી લોન લીધી હતી.

તાજેતરમાં ગ્રીનસીલ કંપનીએ દેવાળું કાઢતાં ક્રેડિટ સુઈસે બેન્કના અબજો ડોલર તેમાં ડૂબી ગયા હતા. તેવી રીતે ક્રેડિટ સુઈસે બેન્કે આર્કેગોઝ કેપિટલ નામની કંપનીને અબજો ડોલરની લોન આપી હતી. તેનો ધંધો જોખમી શેરોમાં રોકાણ કરવાનો હતો. આ કંપની ડૂબી ગઈ તે સાથે ક્રેડિટ સુઈસેના અબજો ડોલર પણ ડૂબી ગયા હતા. ક્રેડિટ સુઈસે બેન્ક દ્વારા આવી જોખમી લોન મોટા પ્રમાણમાં આપવામાં આવે છે, કારણ કે તેમાં વ્યાજ પણ તગડું મળતું હોય છે. આ જોખમો સામે કામ પાડવા ક્રેડિટ સુઈસે બેન્ક રિસ્ક મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ચલાવે છે, પણ તેની ધારણા કરતાં પણ જોખમ વધી ગયું છે.

ક્રેડિટ સુઈસે બેન્કનું મુખ્ય કામ ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ છે. જો દુનિયામાં કંપનીઓના મોટા પ્રમાણમાં મર્જર અને એક્વિઝીશન થતાં હોય તો તેનો ધંધો બરાબર ચાલે છે. કોરોનાને કારણે આ ગતિવિધિ મંદ પડી ગઈ હોવાથી ક્રેડિટ સુઈસેનો ધંધો પણ મંદ પડી ગયો છે. તેને કારણે તેણે અમેરિકા, બ્રિટન અને સ્વિટ્ઝર્લેન્ડના રેગ્યુલેટરોને પેનલ્ટીના રૂપમાં ૨૭.૫ કરોડ ડોલર ગયા વર્ષે ચૂકવવા પડ્યા હતા. આ કારણે બેન્કની મૂડી ઘટી રહી છે. બેન્ક ખોટમાં ચાલી રહી હોવાથી તેણે બજારમાંથી ઊંચા વ્યાજે મૂડી લેવી પડે છે, જેને કારણે તેનો ખર્ચો સતત વધી રહ્યો છે.

તેને કારણે બેન્કે છેલ્લા ત્રણ ક્વાટર દરમિયાન સતત ખોટ દેખાડવી પડી હતી. જાણકારોને ડર છે કે ટૂંક સમયમાં બેન્કને નવું ધિરાણ મળતું બંધ થઈ જશે તો તેની પાસે દેવાળું ફૂંકવા સિવાય કોઈ વિકલ્પ બાકી નહીં રહે. બેન્ક દ્વારા કટોકટી ખાળવા માટે તેના ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ વિભાગને ત્રણ ભાગમાં વહેંચી દેવામાં આવ્યો, પણ તેને કારણે રોકાણકારો વધુ નારાજ થઈ ગયા હતા. તેમણે વધુ પ્રમાણમાં બેન્કના શેરો વેચવા કાઢ્યા હતા. બેન્કનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું હોવાથી ટોચના હોદ્દા પર કામ કરતાં કેટલાક અધિકારીઓ બીજી નોકરી શોધી રહ્યા છે. તેમને વિશ્વાસ નથી કે આ બેન્ક ટકી શકશે. જો ક્રેડિટ સુઈસ દેવાળું ફૂંકશે તો તેની સાથે જોડાયેલી વિશ્વભરની બેન્કો મુસીબતમાં મૂકાઈ જશે.

સ્વિટ્ઝર્લેન્ડની ક્રેડિટ સુઈસે બેન્કની જેમ ચીનની બીજી સૌથી મોટી રિયલ એસ્ટેટ કંપની એવરગ્રાન્ડે હાલમાં ચર્ચામાં છે, કારણ કે તે નાદારીના આરે પહોંચી ગઈ છે. દુનિયાના મોટા ધનવાનોના પૈસા કંપનીમાં રોકવામાં આવ્યા છે અને હવે તેની લોન ડિફોલ્ટ થઈ ગઈ છે. એવરગ્રાન્ડે પર હાલમાં આશરે ૩૦૦ અબજ ડોલરનું દેવું છે અને કંપની ચીનમાં વિદેશી બોન્ડ્‌સમાં લગભગ ૯ ટકા હિસ્સો ધરાવે છે.

જો એવરગ્રાન્ડે નાદાર થઈ જાય તો ચીનની અર્થવ્યવસ્થાને ભારે ફટકો પડશે, જેની અસર સમગ્ર વિશ્વ પર પડશે. ભારતીય શેરબજાર પણ આમાંથી બાકાત નથી. એવરગ્રાન્ડે ગ્રુપ ચીનમાં ૧,૩૦૦ થી વધુ મિલકતો ધરાવે છે અને આશરે ૨,૮૦૦ રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્‌સનું સંચાલન કરે છે. કંપની લગભગ ૨ લાખ કર્મચારીઓને રોજગારી આપે છે અને આ કંપની દર વર્ષે ચીનમાં લગભગ ૩૮ લાખ નોકરીઓ પેદા કરતી હતી. જો એવરગ્રાન્ડે નાદાર થઈ જાય તો જેમણે તેના પ્રોજેક્ટ હેઠળ બાંધવામાં આવી રહેલી ઇમારતોમાં નાણાં રોક્યા છે, તેમની મહેનતની કમાણી ધોવાઈ જશે.

બેંકો, સપ્લાયર્સ, ઘર ખરીદનારા બધાને અસર થશે. કેટલાક વિશ્લેષકોને ડર છે કે એવરગ્રાન્ડે કટોકટી કદાચ ચીનમાં લેહમેન બ્રધર્સ જેવી કટોકટી સાબિત થશે. એવરગ્રાન્ડે પરની જવાબદારીઓ ચીનના સમગ્ર પ્રોપર્ટી માર્કેટની જવાબદારીઓમાં ૬.૫ ટકા હિસ્સો ધરાવે છે. આ વર્ષે એવરગ્રાન્ડેનો સ્ટોક લગભગ ૮૦ ટકા ઘટ્યો છે. એવરગ્રાન્ડે લગભગ ૩૫૫ અબજ ડોલરની સંપત્તિ ધરાવે છે. ઘણાં વર્ષો સુધી, એવરગ્રાન્ડે ચીન સહિત વિશ્વભરનાં બજારોને ખ્યાલ ન આવવા દીધો કે તે ભારે દેવું છે. જ્યારે નિયમો બદલાયા ત્યારે ચીની સરકારને તેના વિશે ખબર પડી. પ્રથમ વખત એવરગ્રાન્ડ સત્તાવાર રીતે સ્વીકાર્યું છે કે તેના પર ૩૦૦ અબજ ડોલરથી વધુનું દેવું છે.

વિશ્વના સૌથી મોટા લોકોએ એવરગ્રાન્ડેમાં રોકાણ કર્યું છે. એલોન મસ્ક, જેફ બેઝોસ, વોરેન બફેટ, બિલ ગેટ્‌સ, માર્ક ઝુકરબર્ગ વગેરેએ કંપની પર કટોકટીને કારણે ૨૬ અબજ ડોલરથી વધુની સંપત્તિ ગુમાવી છે. વિશ્વના ૫૦૦ સૌથી ધનિક લોકોની સંપત્તિમાં ૧૩૫ અબજ ડોલરનો ઘટાડો થયો છે. ભારતમાં ઘણી કંપનીઓ સીધી કે આડકતરી રીતે એવરગ્રાન્ડે સાથે સંકળાયેલી છે, ખાસ કરીને સ્ટીલ, રસાયણો અને ધાતુ ક્ષેત્રની કંપનીઓ. આ કંપનીઓના ઉત્પાદનનો મોટો હિસ્સો ચીનમાં રિયલ એસ્ટેટમાં એવરગ્રાન્ડે મારફતે વપરાય છે. તેમનો વેપાર પણ ખોરવાઈ ગયો છે. એક રિપોર્ટ અનુસાર જાપાનની ટોઇલેટ, એસી, પેઇન્ટ મેન્યુફેક્ચરિંગ કંપનીઓના શેરો પણ જમીન પર આવી ગયા છે. જપાનમાં પણ તેના આંચકા લાગી રહ્યા છે. – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top