Sports

ICCની કડક કાર્યવાહી: ઇંગ્લેન્ડના 12 WTC પોઇન્ટ કપાયા, ભારે દંડ પણ ફટકારાયો

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2025-27 સાયકલમાં ઇંગ્લેન્ડની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. ઓવલ ખાતે રમાયેલી બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 253 રનની કારમી હાર બાદ હવે ઇંગ્લેન્ડ પર ICCએ પણ કડક કાર્યવાહી કરી છે. સ્લો ઓવર રેટ માટે ટીમને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે અને સાથે WTCના મહત્વના પોઇન્ટ્સ પણ કપાઈ ગયા છે. ICCના નિયમો મુજબ ઇંગ્લેન્ડની ટીમ નિર્ધારિત સમય કરતાં 12 ઓવર પાછળ રહી હતી. આ કારણે ICC એલિટ પેનલના મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે ઇંગ્લેન્ડની મેચ ફીના 50 ટકા જેટલો દંડ ફટકાર્યો છે. એટલું જ નહીં, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના 12 પોઇન્ટ્સ પણ કાપી લેવામાં આવ્યા છે. ICCના નિયમ અનુસાર, ટીમ જેટલી ઓવર ઓછી ફેંકે છે, તેના આધારે ખેલાડીઓની મેચ ફીમાંથી 5 ટકા દંડ વસૂલવામાં આવે છે. બીજી તરફ WTCના નિયમો મુજબ પ્રતિ ઓવર એક ચેમ્પિયનશિપ પોઇન્ટ કપાય છે. ઇંગ્લેન્ડ 12 ઓવર પાછળ હોવાથી તેને સીધા 12 પોઇન્ટ્સનું નુકસાન થયું છે.

આ સજાનો ઇંગ્લેન્ડની સ્થિતિ પર સીધો પ્રભાવ પડ્યો છે. પોઇન્ટ્સ કપાયા બાદ ટીમ WTC પોઇન્ટ્સ ટેબલમાં સાતમા સ્થાને પહોંચી ગઈ છે. તેના ખાતામાં હવે માત્ર 38 પોઇન્ટ્સ બચ્યા છે. સાથે જ ટીમનો પોઇન્ટ પર્સન્ટેજ 34.72 ટકાથી ઘટીને 26.38 ટકા થઈ ગયો છે. ક્રિકેટ નિષ્ણાતો માને છે કે હવે ઇંગ્લેન્ડ માટે WTC ફાઇનલમાં પહોંચવું ખૂબ મુશ્કેલ બની ગયું છે. ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે પણ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. મેદાન પરના અમ્પાયરો દ્વારા લગાવવામાં આવેલા આરોપોને તેમણે સ્વીકારતા કોઈ ઔપચારિક સુનાવણી કરવાની જરૂર પડી નહોતી. હવે ત્રણ ટેસ્ટની શ્રેણી 1-1ની બરાબરી પર આવી ગઈ છે. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડે જીત મેળવી હતી, જ્યારે બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડે શાનદાર વાપસી કરી હતી. હવે 25 જૂનથી નોટિંગહામમાં રમાનારી ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ બંને ટીમો માટે ‘કરો કે મરો’ જેવી સાબિત થશે.

Most Popular

To Top