Comments

માનવ મસ્તિષ્ક અને માતૃભાષા

ઈસ્ટ ઈન્ડિયા કંપનીના ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેંટિકે ભારતના પ્રાથમિક શિક્ષણને અનુકૂળ રીતે ઢાળવા વર્ષ ૧૮૩૫માં થોમસ મેકોલેને રણનીતિ તૈયાર કરવા નિમંત્રણ આપ્યું. અંગ્રેજ ઈતિહાસકાર ભારત પરિભ્રમણ પછી નોંધે છે. ભારતની પ્રાચીન શિક્ષણવ્યવસ્થા અને સંસ્કૃતિને બદલી નાખો. જો હિંદીઓ સ્વીકારશે કે અંગ્રેજી તેઓની ભાષા કરતાં વધુ મહાન છે તો આપોઆપ તેઓ પોતાનું આત્મસન્માન અને સાંસ્કૃતિક આધાર ગુમાવશે. આપણે સહેલાઈથી તેમના ઉપર રાજ કરી શકીશું.” મેકોલેનો દૃષ્ટિકોણ અંગ્રેજ શાસન માટે બીજાં ૧૧૫ વર્ષ સુધી અનુકૂલન સાધતો રહ્યો.

જો કે તેથી પણ વધુ દયનીય સ્થિતિ એ રહી કે સ્વાતંત્ર્યકાળનાં ૭૪ વર્ષ સુધી દેશ મેકોલેની રાજકીય નીતિનો શિકાર બનતું રહ્યું. ખેર. વર્ષ ૨૦૨૦ની નવી શિક્ષણનીતિમાં ધોરણ ૧ થી ૫ માટે માતૃભાષા અથવા પ્રાદેશિક ભાષાનો ઉપયોગ અનિવાર્ય બનાવાયો છે. દેર આયે દુરસ્ત આયે. માતૃભાષામાં શિક્ષણની અગત્ય સમજવાનો એક આયામ સફળ વ્યકિતત્વના અભિપ્રાયો જાણવાનો છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના મતે બાળકના દેહના વિકાસ માટે જેમ માતાનું દૂધ સ્વાભાવિક છે તેમ તેના મગજના વિકાસ માટે માતૃભાષા સહજ છે.

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર કાવ્યથી અભિવ્યક્ત થતાં ગાય છે, કેળવણી આહારના કોળિયાનો સ્વાદ માતૃભાષા જ હોય.’ ભારતરત્ન ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામે યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં કહ્યું કે, હું આજે વૈજ્ઞાનિક બની શક્યો છું. તેનું કારણ એ છે કે હું મારી માતૃભાષામાં ભણ્યો છું. વિજ્ઞાન તો માતૃભાષામાં જ સમજી શકાય.’ ભારતની શિક્ષણનીતિમાં સીમાચિહ્ન પ્રદાન કરનાર શિક્ષણવિદ્ શ્રી રવીન્દ્રભાઈ દવે નોંધે છે, “માતૃભાષાથી જ બાળકમાં ભાવસૃષ્ટિનું નિર્માણ શક્ય છે.’

માતૃભાષાની અનિવાર્યતાને બીજા એક દષ્ટિબિંદુથી માપીએ તો, પૃથ્વી ઉપર મળતાં ફોસિલ્સના અભ્યાસ પરથી જણાય છે કે સાપ, ગરોળી, વંદા પ્રકારના જીવો ૮ થી ૧૨ કરોડ વર્ષથી સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. દરિયાઈ એકકોષી અંશો તો તેથી પણ વધુ સમયથી પૃથ્વીના જીવન વિકાસચક્રના ભાગીદાર રહ્યા છે. જ્યારે બે પગે, સીધી કરોડરજ્જુથી ચાલતા માણસનો ઈતિહાસ રપ-૨૮ લાખ વર્ષથી લાંબો નથી. આમ છતાં બ્રહ્માંડની પેલે પાર મેગ્નેટિક સિગ્નલેસ પહોંચાડવાની અભૂતપૂર્વ ક્ષમતા માત્ર મનુષ્યના મસ્તિષ્ક દ્વારા વિકસી છે.

માનવ મસ્તિષ્કમાં પૃથ્વી ઉપર કુદરતનો સહુથી જટિલ આવિષ્કાર છે. જેનેટિકસ એન્જિનિયરિંગનાં રંગસૂત્રો ઉપરનાં સંસાધનો પ્રતિપાદિત કરે છે કે માણસ અને ચિમ્પાન્ઝીના જીન્સના કલરકોર્ડમાં ૯% સામ્ય છે. આમ છતાં, એક માત્ર વિકસિત વોકલ કોર્ડના કારણે મનુષ્ય સંજ્ઞાઓના વૈવિધ્યમાંથી ભાષા સુધી પહોંચી શક્યા છે અને આજે લગભગ ૬૫૦૦ બોલી અને ૩૭૦થી વધુ સ્ક્રિપ્ટથી માનવમસ્તિષ્ક સૂર્યમંડળમાં પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી રહ્યું છે. માનવશરીરના ઉપરના ભાગે રહેલ સ્વરપેટીના આરોહ-અવરોહ કાન દ્વારા મગજને પહોંચે છે.

ત્યારે તે ભાષા ન રહેતાં કંપનમાં પરિવર્તિત થાય છે. બાળકના પ્રથમ ૯ માસના વિકાસ દરમિયાન તેણે માતાના ગર્ભમાં અનુભવેલ કંપન તેની માતૃભાષા બને છે. સમય જતાં એ જ પ્રકારના સ્પંદનોનાં અર્થઘટનથી બાળકનું ઘડતર થાય છે. તેનાં સ્વપ્નો આકાર પામે છે. એટલું જ નહીં, પણ સમાન સ્વરથી કંપન આપનાર મનુષ્યો સાથે ભાવાત્મક અનુબંધ કેળવાય છે. કોસ્મિક ફિઝિકસ પણ સ્વીકારે છે કે બ્રહ્માંડ કંપનથી સંચાલિત છે અને પ્રત્યેક કંપનની એક સાઉન્ડ સાઈકલ હોય છે. ભારતનાં મનિષીઓએ તો ઉપનિષદકાળમાં ૮-૧૨ હજાર વર્ષ પહેલાં વૈરાગ્યમંત્રને નાદ તરીકે વિકસાવેલા. આથી જ તો મૌન પછીની શ્રેષ્ઠ અભિવ્યક્તિ માતૃભાષા બને છે. પરિચિત સ્પંદન મળતા માનવ મસ્તિષ્કનાં ન્યુરોન્સ ઉષ્માજનક પ્રતિક્રિયા આપવા લાગે છે.

તાજેતરમાં બનેલા એક પ્રસંગથી આ વાત સમજીએ તો કોરોના વાયરસની સ્થિતિ વચ્ચે છેલ્લા ૮ માસથી ઓસ્ટ્રેલિયામાં ફસાયેલા યુવા એન્જિનિયર ભાલ પંથકના નેસમાં તેની દાદી પાસે પહોંચતાં છાણ-વાસિદું પરવારી ઢોરા પાઈ બેઠેલી ચારણમાં પ્રેમસભર નેત્રજળે ડેલીમાંથી આવતાં દીકરાને કહે છે, “આવ્યો. મારો બાપલિયો પુગ્યો. મારો કાળિયા ઠાકર.” ફળિયામાં સત્કાર કરવા ઊભેલા સહુ કરુણામય બની ગયાં. અહીં વાચક કલ્પના કરે કે માએ પોતાના વહાલસોયા દીકરાને અંગ્રેજી ભાષામાં આવકાર આપવાનો હોત તો?

માતૃભાષાની અનિવાર્યતાનો ત્રીજો આયામ ભાષાની ગૌરવગાથા સાથે જોડાયેલ છે. અ.ઓ અને મ ના વિસ્તાર તરીકે સંસ્કૃતમાંથી વિકસેલ પ્રાપ્ત ગુર્જરી અને તેમાંથી આજ લખાતી ગુજરાતી ભાષાનો ઉપયોગ વર્ષ ૧પ૦માં કવિ ભાલણે નળાખ્યાનમાં કર્યો હતો. કવિ ભાલણથી કવિ ઉમાશંકર સુધીની પ૦૦ વર્ષની યાત્રા એટલી બધી પ્રશસ્ય રહી કે આજે વિશ્વના ૧ર૯ દેશોમાં વસતા ૬.૫૫ કરોડ લોકો ગુજરાતીપણાને ભાષાના તાંતણે બાંધી વિકસી રહ્યાં છે. આપણી ભાષામાં પ્રકાશિત કરોડો ગ્રંથો, કાવ્યો, નાટકો, વાર્તાઓ, નવલકથાઓએ ગુજરાતીઓને બુદ્ધિવાન, ધનવાન, નિર્ણયાત્મક, મુસદ્દી અને મુઠી ઉંચેરા સ્થાને મૂક્યા છે અને આથી જ કોઈ પેઢીને પોતાની માતૃભાષાને છેહ દેવાનું પાપ ન પોસાય.

યંત્ર તરીકે મનુષ્યદેહને શ્રેષ્ઠતમ સંભાવનાઓ સુધી પહોંચાડવા માટેના કેલીફોર્નિયાની રોયેસ્ટર યુનિવર્સિટીના ન્યુરો સાયન્સ અભ્યાસમાં જણાવાયું છે કે માનવમસ્તિષ્કને રપ૦૦૦ શબ્દોને ચિત્રોમાં સ્થાયી કરવા માટે ૧.૫ મેગાબાઇટ મેમરીની આવશ્યક્તા રહે છે. પરંતુ આજ ર૫૦૦૦ માતૃભાષી શબ્દોને સ્મૃતિગત કરવા .૭૫ મેગાબાઇટથી પણ ઓછી જગ્યા રોકાય છે. અહીં માનવમસ્તિષ્કમાં સેવ થતાં ડેટા અને ન્યારોન્સનાં ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડની બાયોટેકનિક પણ સ્પષ્ટ કરે છે કે માતૃભાષા જ ઉત્તમ રીતે માણસજાતનો વિકાસ કરી શકે છે.

વ્યક્તિથી સમાજ કે નાદથી ગૌરવવંત ઈતિહાસ સુધીની પરિપાટી ઉપર માતૃભાષા જ વૈજ્ઞાનિક અને તાર્કિક અભિગમ વચ્ચે ખરી ઊતરે છે. ત્યારે લાભ-હાનિનો હિસાબ જાણનાર ગુજરાતી પોતાનાં સંતાનોને અંગ્રેજી માધ્યમના શિક્ષણ કૂટનીતિમાં ન હોમી દે તેવી માતૃભાષીની અભ્યર્થના. મહાભારત અને રામાયણકાળથી પ્રચલિત સમાજ સુધારણાનો ઉપદેશાત્મક વિકલ્પ હવે જીર્ણ થઈ ગયો છે. ત્યારે તકનીકી વિજ્ઞાનના સહારે મોબાઈલમાં જ ટ્રાન્સલેશન એપ પ્રચલિત કરી તમામ વિદ્યાર્થીઓને માતૃભાષી રાખી શકાય તેવી સંભાવના હાથવગી થઈ છે. શાળા-મહાશાળાઓ શિક્ષણના માધ્યમ તરીકે ભાષાનો મુકત વિકલ્પ સ્વીકારે. શિક્ષણ વિભાગ પણ શિક્ષણ સંસ્થાઓની પ્રયોગશીલતાને મોકળાશથી વિકસવા દે અને નાગરિકો પણ અંગ્રેજી ભાષાના મોહમાંથી મુક્ત થવા માનસિકતા કેળવે અને તકનીકી વિકલ્પને પસંદ કરે તેવી શુભ ભાવના.
ડૉ. નાનક ભટ્ટ
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top