Editorial

મધ્યસ્થ બેંકોના દર વધારાઓ ક્યાં સુધી ચાલુ રહેશે?

રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેનો મહત્વનો વ્યાજ દર સપ્ટેમ્બરના છેલ્લા દિવસે પ૦ બેઝિસ પોઇન્ટથી વધાર્યો હતો, અને મે મહિનાથી આ સતત ચોથો વધારો છે, અને ફુગાવાને નાથવા માટે હજી વધુ દર વધારાઓની શક્યતા છે. આરબીઆઇમાંથી ત્રણ સભ્યો ધરાવતી અને ત્રણ બહારના નિષ્ણાતો ધરાવતી મોનેટરી પોલિસી કમિટી(એમપીસી)એ તેનો મહત્વનો ધિરાણ દર અથવા રેપો રેટ વધારીને પ.૯૦ ટકા કર્યો હતો- જે એપ્રિલ ૨૦૧૯ પછીથી સૌથી ઉંચો દર છે – આ સમિતિના છમાંથી પાંચ સભ્યોએ દર વધારાની તરફેણમાં મત આપ્યો હતો.

મેમાં અનિર્ધારીત પ્રથમ મિડ-મીટિંગ દર વધારા પછી હવે કુલ મળીને વ્યાજ દર વધારો ૧૯૦ બેઝિસ પોઇન્ટ પર ઉભો છે અને તે વિશ્વભરમાં અન્ય દેશો દ્વારા ફુગાવાને નાથવા માટે અપનાવવામાં આવતી આવી જ કડક નાણાકીય નીતિનને અનુરૂપ પગલું છે. એમપીસીના છમાંથી પ સભ્યોએ વિકાસને ટેકો આપવાની સાથે ફુગાવાને અંકુશમાં રાખવા માટે એકોમોડેટિવ પોલિસી અભિગમને પાછો ખેંચવા પર ધ્યાન કેન્દ્રિત રાખવાનું કહ્યું હતું એમ આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું. તેમણે આ સાથે કહ્યું હતું કે વૈશ્વિક મંદીના ભય સામે અર્થતંત્રને રક્ષણ આપવા માટે ગણતરીપૂર્વકના પગલાઓ લેવામાં આવશે અને આંકડાઓ પર ધ્યાન રાખીને સાવધાન રહેવામાં આવશે.

દેખીતી રીતે ભારતની મધ્યસ્થ બેન્ક એવી રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાનું ધ્યાન હમણા ફુગાવાને કાબૂમાં લેવા પર જ કેન્દ્રિત થયેલું છે અને દુનિયાના અન્ય દેશોની મધ્યસ્થ બેંકોનો પણ આવો જ અભિગમ છે. રેપો રેટમાં વધારો કરવાથી ધિરાણના દરો મોંઘા થશે કોર્પોરેટ કંપનીઓ માટેના તથા વ્યક્તિઓ માટેના ધિરાણ મોંઘા થશે. દાસે જણાવ્યું હતું કે હાલનો પોલિસી રેટ, જે ફુગાવા માટે એડજસ્ટેડ કરવામાં આવ્યો છે તે હજી ૨૦૧૯ના લેવલની નીચે છે. રેપો રેટમાં વધારો થયા બાદ રિટેલ બેંકો ધિરાણના દરો વધારવાની સાથે પોતાના થાપણદારો માટે થાપણો પરના વ્યાજ દરો પણ વધારી શકે છે.

છેવટે તો રેપો રેટ વધારવાની કવાયત બજારમાં તરલતા ઓછી કરીને ફુગાવાને અંકુશમાં લેવા માટેની હોય છે. આરબીઆઇએ નાણાકીય વર્ષ ૨૦૨૩ માટે ફુગાવાનો અંદાજ ૬.૭ ટકા પર રહેવાનો મૂક્યો હતો જે અંદાજ રશિયા-યુક્રેન યુદ્ધથી સર્જાયેલ ભૂરાજકીય કટોકટી વચ્ચે મૂકવામાં આવ્યો છે. આ ૬ ટકાથી ઉપરનો ફુગાવાનો દર રિઝર્વ બેન્કના કમ્ફર્ટ લેવલની ઉપર છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફુગાવો ૪ ટકા જેટલો જ રહેવો જોઇએ, જો કે તેને બંને બાજુએ બે ટકાનો માર્જીન આપવામાં આવ્યો છે એટલે ૨થી ૬ ટકા સધીના ફુગાવાને કમ્ફર્ટ લેવલની અંદરનો ફુગાવો ગણવામાં આવે છે.

મધ્યસ્થ બેન્કને સરકાર દ્વારા ફુગાવો ૨થી ૬ ટકાના બેન્ડ વચ્ચે રાખવાની કામગીરી સોંપવામાં આવી છે. આ વર્ષના જાન્યુઆરીથી ફુગાવો આરબીઆઇના ઉપલા ટોલરન્સ લેવલની ઉપર રહ્યો છે. તે એપ્રિલ, મે અને જૂનમાં તો ૭ ટકાની ઉપર પ્રવર્તતો હતો. જુલાઇમાં થોડો ઘટીને ૬.૭ ટકા થયા બાદ ગયા મહિને ફુગાવો ફરીથી ૭ ટકા પર પહોંચી ગયો હતો. જો ઉંચો ફુગાવાનો દર પ્રવર્તતો રહેવા દેવામાં આવે તો તે બીજા તબક્કાની અસરો જન્માવી શકે છે અને અપેક્ષાઓને ઉથલાવી શકે છે.

આથી નાણાકીય નીતિ વખતે ગણતરી પૂર્વકના પગલાઓ દર વધારા અંગે અને તરલતાની સ્થિતિ અંગે લેવાના રહે છે એ મુજબ આરબીઆઇ ગવર્નરે જણાવ્યું હતુ અને સ્વાભાવિક રીતે જ રિઝર્વ બેન્ક અત્યારે ફુગાવાને અંકુશમાં લેવા માટે ઉપરા છાપરી દર વધારાઓ કરી રહી છે. ફુગાવો આમ તો આ વર્ષની શરૂઆતથી જ આરબીઆઇના ઉપલા સહ્ય સ્તરની ઉપર હતો અને તેમાં વળી ફેબ્રુઆરીના અંત ભાગેથી યુક્રેન યુદ્ધની શરૂઆત થઇ અને તેણે સ્થિતિ વધુ બગાડી. દુનિયાભરમાં મોંઘવારી વકરી.

ગેસ, ડીઝલ, પેટ્રોલના વધતા ભાવો અન્ય ચીજવસ્તુઓના ભાવો પર પણ અસર કરી રહ્યા છે અને બજારમાં નાણુ ફરતું ઓછું કરીને આ ફુગાવાને નાથવા સિવાય અત્યારે મધ્યસ્થ બેંકો પાસે બીજો કોઇ માર્ગ દેખાતો નથી. ફક્ત ભારતની જ નહીં પણ વિશ્વના અનેક દેશોની મધ્યસ્થ બેંકો તેમના દરોમાં વધારા કરી રહી છે. અમેરિકાની મધ્યસ્થ બેંક યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા છેલ્લા કેટલાક સમયમાં ઉપરા છાપરી અનેક દર વધારાઓ કરવામાં આવ્યા છે. યુકે અને સ્વીત્ઝર્લેન્ડ જેવા દેશોની બેન્કોએ પણ હાલમાં તેમના વ્યાજ દરોમાં વધારા કર્યા છે.

વિશ્વના બેંકોના આ દર વધારાઓ એક બીજી ચિંતા સર્જી રહ્યા છે અને તે છે વૈશ્વિક મંદીની ચિંતા. આપણા આરબીઆઇના ગવર્નરે હાલમાં જ કહ્યું છે કે રોગચાળા અને યુક્રેન યુદ્ધના તોફાન પછી વિશ્વ હવે એક ત્રીજા તોફાનમાં સપડાવા જઇ રહ્યું છે અને તે છે મધ્યસ્થ બેંકોના દર વધારાઓથી સર્જાયેલ વમળોનું તોફાન. વિશ્વમાં કોઇ પણ આ તોફાનથી બચી નહીં શકે એમ તેમણે કહ્યું છે. આપણુ અર્થતંત્ર એકંદરે મજબૂત સ્થિતિમાં છે એમ પણ તેમણે કહ્યું છે પણ આ દર વધારાની આપણને પણ અસર તો થઇ જ શકે છે. યુએસ ફેડના દર વધારાઓથી ભારતીય બજારમાંથી ઘણુ વિદેશી રોકાણ ખેંચાઇ ગયું છે તે એક સીધી અસર છે. આરબીઆઇએ આશા વ્યક્ત કરી છે કે ભારતમાં જાન્યુઆરીથી ફુગાવો કાબૂમાં આવવાની શરૂઆત થશે. આ આગાહી સાચી પડે તો સારું.

Most Popular

To Top