Columns

અહંકારી પતિને કઈ રીતે હેન્ડલ કરશો?

ઇગોઇસ્ટિક એટલે કે અહંકારી પતિ એ છે જે પોતાને અન્યોની સરખામણીમાં વધુ હોંશિયાર, કાબેલ અને મહત્ત્વપૂર્ણ માને છે. આવા પતિઓ હંમેશાં પત્નીને દાબમાં રાખવાની ઈચ્છા રાખે છે. જો તમારા લગ્ન પણ ઇગોથી ભરપૂર વ્યક્તિ સાથે થયા હોય તો પેનિક થવાની જરૂર નથી. અહંકારી પતિને હેન્ડલ કરવાની ઘણી રીતો છે. જો તમે એને જાણવા અને સમજવા લાગો તો તેઓ પણ પ્રેમાળ વ્યક્તિ છે. એમની સાથે કેવો વ્યવહાર કરવાનો છે તે સમજવાની જરૂર છે.
અહંકારી પતિ વિશે જાણો આ વાતો…

એમની સાથે સંબંધ બાંધવો મુશ્કેલ છે
અહંકારી વ્યક્તિને ખુશ કરવા માટે તમે કદી કંઇ કરી શકતા નથી. તેઓ હંમેશાં પોતાને અન્યોની તુલનામાં ચડિયાતા માને છે અને અન્ય લોકોની ભાવનાઓ અને જરૂરતો સ્વીકારવામાં એમને બહુ મુશ્કેલી પડે છે.
તેઓ બદલો લેવાની શોધમાં રહે છે
જો તમે ભૂલથી અહંકારી વ્યક્તિ સાથે કંઇ ભૂલ કરી બેસો તો માની લો કે એમની પાસે માફી જેવું કશું નથી. તેઓ બદલો લેશે.

કોઇ પણ સમયે કોઇનું પણ અપમાન કરવા તૈયાર
તેઓ કોઇની ભાવનાની પરવા કરતા નથી એટલે તેમણે તમારી સાથે કઇ રીતે વાત કરી છે અને તમે એનાથી કેટલા દુ:ખી થયા છો તેની તમા રાખતા નથી. તેઓ પોતે જ સાચા છે એવું માને છે એટલે કદી પણ પોતાનાં વાણીવર્તન માટે દુ:ખ વ્યક્ત કરતા નથી. એને બદલે પોતે જ સાચા છે એ સાબિત કરવાની કોશિશ કરે છે.
હંમેશાં અડગ રહે છે
તેઓ ઇચ્છે છે કે તેમણે જે કહ્યું છે તે પ્રમાણે જ થાય. તેઓ ઘાંટાઘાંટ કરવા માટે તૈયાર જ હોય છે.

શબ્દોની પસંદગી
એમની શબ્દોની પસંદગી હંમેશાં સામાન્ય વ્યક્તિથી અલગ હોય છે. તમે એમને સાંભળશો તો આવાં વાકયો સાંભળવા મળશે. ‘હું દરેક બાબતે અલગ રીતે વિચારું છું.’, ‘‘હું તમારા ટાઈપની વ્યક્તિ નથી’’, ‘‘મારી રીત અલગ છે’’ કારણ કે તેઓ પોતાને હંમેશાં સુપીરિયર માને છે. જયારે એમની મરજી મુજબ ન થાય ત્યારે બહુ ગુસ્સે થાય છે અને પોતાના ઇગોને પ્રોટેકટ કરવા તૈયાર રહે છે.
હવે ઇગોથી ભરપૂર પતિ કેવા હોય તે જાણી ગયા હો તો એમને કઇ રીતે હેન્ડલ કરવા તે જોઇએ.

બાબત તરત સુલઝાવવા તૈયાર રહો
જયારે તમે પતિના અહંકારી વ્યવહાર સાથે સહજ નથી હોતા ત્યારે આ મામલાને લાંબો સમય ચાલવા દેવાની જરૂર નથી. તમારું પહેલું પગલું આ બાબતે એની સાથે વાત કરવાનું હોવું જોઇએ પરંતુ આ સહેલું નથી. આ સાહસિક પગલું ઉઠાવવા માટે બહુ ધીરજ અને સાહસની જરૂર પડશે. અહંકારનો સામનો કરવાનું નક્કી કરી લો કારણ કે નહીં તો તમે એની અહંકારી જીવનશૈલીમાં ફસાતા જ જશો.

શબ્દોની પસંદગી વિચારીને કરો
તમારા પતિ સાથે એની લાઈફસ્ટાઈલ અંગે વાત કરતી વખતે ઘા પર મીઠું ભભરાવાનું કામ કરે એવા શબ્દોનો ઉપયોગ કરવો ન જોઇએ. આવા શબ્દો એમનો અહંકાર વધારશે. એ તમારા અભિપ્રાય પર કદી વિચાર કરશે નહીં.
પોતાના પર વિશ્વાસ રાખો
એમની સાથે ડીલ કરતા પહેલાં તમારે તમે કોણ છો અને તમારી ક્ષમતાઓ શું છે એના પર પહેલાં ધ્યાન કેન્દ્રિત કરવું જોઇએ. એ તમને તમારી બધી બાબતોમાં સપોર્ટ આપશે નહીં એટલે તમને સપોર્ટ આપનાર શોધો.

ના કહેતાં શીખો
જયારે પણ તમારી અંગત બાબતો, ઇચ્છાઓ પર અંકુશ મૂક્વા ઇચ્છે ત્યારે એમને અટકાવવા તૈયાર રહો. તમે એક વાર એમને પહેલી વાર જીતવા દેશો તો તમે કમજોર પડી જશો. ‘ના’ પાડતા પણ શીખો
તમારા મનની વાત નમ્રતાથી કહો. તમે શું વિચારો છો તે જાણવો.
સ્વતંત્ર બનો
સ્વતંત્ર રીતે તમારી મનપસંદ વસ્તુ કરો. તમારે દરેક બાબતે એમની સંમતિ માંગવાની જરૂર નથી. દરેક વાતે પરમિશન માંગવાથી એમનો ઇગો વધશે પરંતુ જો તમે જાતે નિર્ણય લઇ એમાં સફળ થશો તો એ આશ્ચર્યચકિત થઈ જશે.

જરૂરી હોય તો પ્રશંસા કરો
તેઓ હંમેશાં પ્રશંસાના ચાહક હોય છે આથી જ્યારે ખરેખર એમની પ્રસંશા જરૂરી હોય ત્યારે ચોકક્સ જ એમની પ્રશંસા કરો. જયારે એ તમને કંઇ કહે કે તમારી પસંદનું કંઇ પણ કરે તો એમને જણાવો કે તમે એમની સાથે સંમત છો.
અહંકારી પતિ અદ્દભુત લોકો હોય છે. જો તમે સમજી જાવ કે એમની સાથે કઇ રીતે ડીલ કરવાનું છે તો એમની સાથે જીવન વિતાવવાનું સરળ થઇ જશે.

Most Popular

To Top