Madhya Gujarat

સોજિત્રા MLAનો જમાઇ રાજાપાઠમાં માેત બની ત્રાટક્યાે

આણંદ : સોજિત્રા તાલુકાના ડાલી ગામ પાસે ત્રિપલ અકસ્માતમાં માતા અને બે પુત્રી સહિત છ વ્યક્તિના મોતના ઘેરા પડઘા પડ્યાં છે. આ બનાવને પોલીસે ગંભીરતાથી લઇ કાર ચાલક સોજિત્રા ધારાસભ્યના જમાઇ કેતન પઢીયાર સામે માનવ વધ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે. સોજિત્રાના અબ્દુલ અઝીઝ પાર્ક ખાતે રહેતા અબ્દુલરસીદ વ્હોરાના ભાઇ યાસીન વ્હોરા રીક્ષા ચલાવી જીવન ગુજારતાં હતાં.દરમિયાનમાં 11મી ઓગષ્ટના રોજ રક્ષાબંધનના દિવસે યાસીન વ્હોરાની રીક્ષાને ડાલી પાસે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું. આથી, અબ્દુલભાઈ તુરંત ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. સ્થળ પર પહોંચી તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, સોજિત્રાના વિપુલ હિંમતભાઈ મિસ્ત્રીના પત્નિ તથા બે દિકરીઓએ યાસીનની રીક્ષા ભાડે કરી ટીમ્બા ગામે રાખડી બાંધવા ગયાં હતાં અને રાખડી બાંધી પરત આવી રહ્યાં હતાં. તે વખતે ડાલી પાસે અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતમાં યાસીન ઉપરાંત વિપુલભાઈના પત્ની વિણાબહેન (ઉ.વ.40), દિકીર જીયા (ઉ.વ.14) તથા જાનવી (ઉ.વ.17) ઉપરાંત બાઇક સવાર યોગેશ રાજેશભાઈ ઓડ (ઉ.વ.20) તથા સંદીપ ઠાકોરભાઈ ઓડ (ઉ.વ.19) (બન્ને રહે. બોરિયાવી) ગંભીર રીતે ઘવાયાં હતાં. આ અકસ્માત કિયા ગાડી નં.જીજે 23 સીડી 4404ના ચાલકની બેદરકારીથી થયો હતો. આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં કુલ છ વ્યક્તિના મોત નિપજ્યાં હતાં. બીજી તરફ ઘટનાની જાણ થતાં સોજિત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અશોક પરમાર સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

જેમાં અકસ્માત સર્જનાર કાર ચાલક કેતન રમણ પઢીયાર (રહે. આણંદ) હોવાનું જાણવા મળ્યું હતું. જે ઘટના સમયે દારૂ પીધેલો અને નશાની હાલતમાં લથડીયા ખાતો હતો. જોકે, તેને પણ ઇજા પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આમ, કેતન પઢીયારે દારૂ પીધેલી હાલતમાં પુરઝડપે કાર ચલાવી છ જીંદગીનો ભોગ લીધો હતો. આ ગંભીર બનાવ સંદર્ભે સોજિત્રા પોલીસે કેતન પઢીયાર સામે માનવ વધની કલમ સહિતની વિવિધ કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યાં છે. પ્રાથમિક તપાસમાં કારની ઝડપ 80થી 90 કિલોમીટરની હોવાનું જણાયું છે. જોકે, આ બાબતે હજુ એફએસએલના રિપોર્ટ બાદ સ્પષ્ટતા થશે. ડાલી પાસેના ત્રિપલ અકસ્માતમાં કાર ચાલક કેતન પઢીયાર ધારાસભ્ય પૂનમ પરમારનો જમાઇ હોવાનું ખુલ્યું હતું. જોકે, ઘટનાના પગલે ધારાસભ્યનો પુત્ર વિજય પરમાર પણ દોડી આવ્યો હતો. કેતન પઢીયાર તારાપુર તેના પત્નિ અને બાળકોને લેવા જતો હોવાનું જાણવા મળ્યું હતું.

સોજિત્રા અને બોરિયાવીમાં શોકનો માહોલ સર્જાયો
ડાલી પાસે અકસ્માતમાં સોજિત્રાના વિણાબહેન અને તેમની બે પુત્રીના કમકમાટીભર્યાં મોત નિપજ્યાં હતાં. જેમની અંતિમ વિધિ શુક્રવારના રોજ સવારે એક સાથે યોજાઇ હતી. જેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયાં હતાં. આ ઉપરાંત બોરિયાવી ગામે રહેતા બે યુવક પણ અંતિમયાત્રા યોજાઇ હતી. જેના પગલે સોજિત્રા અને બોરિયાવી ગામે ભારે શોકનો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top