Madhya Gujarat

ખેડા ખાતે જિલ્લા કક્ષાનો 73મો વન મહોત્સવ યોજાયો

નડિયાદ: કેન્દ્રીય સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણના અધ્યક્ષસ્થાને ખેડાની એચ.એન્ડ.ડી હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો ૭૩મો વન મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ખેડા મામલતદાર કચેરી થી એચ.એન્ડ.ડી પારેખ હાઈસ્કૂલ સુધી તિરંગા રેલી યોજવામાં આવી હતી. જ્યાં વૃક્ષારોપણ કર્યાં બાદ વૃક્ષ રથનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સામાજિક વનીકરણ યોજના હેઠળ પટ્ટી વાવેતર અને ગ્રામવન મોડલ માટે રૂ.૪૩,૯૬,૦૬૦ ની સહાય તેમજ ખાસ અનુભવ યોજના અને સામાજિક વનીકરણ યોજના હેઠળ રૂ.૮,૬૨,૫૮૬ રકમના ચેક લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા. 

આ પ્રસંગે રાજ્યકક્ષાના સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણે વર્ષ ૨૦૨૩નો રાજ્ય કક્ષાનો વનમહોત્સવ ખેડા જિલ્લામાં યોજવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી. વન વિભાગ સચિવ અને ગાંધીનગર અગ્ર મુખ્ય વન સંરક્ષક એન. શ્રીવાસ્તવે વૃક્ષોના વ્યાપ વધારા માટે જનભાગીદારીના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. તેમણે ખેડા જીલ્લાની વૃક્ષ ગીચતા માટે જિલ્લા વન વિભાગ અને સો મિલ સહિત અન્ય સેવાભાવી સંસ્થા અને વ્યક્તિઓનો આભાર માન્યો હતો.

જિલ્લા કલેકટર કે. એલ. બચાણીએ ‹પ્રકૃતિના ભોગે પ્રગતિ નહિ› સૂત્ર આપતા વન મહોત્સવની અનિવાર્યતા સમજાવી હતી. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ દવે, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, ખેડા પ્રાંત અધિકારી, ખેડા મામલતદાર, ખેડા તાલુકા વિકાસ અધિકારી, ખેડા તાલુકા પંચાયત પ્રમુખ, એચ.એન્ડ.ડી. પારેખ હાઈસ્કૂલના આચાર્ય, અગ્રણી વિપુલભાઈ પટેલ, નડિયાદ મદદનીશ વનસંરક્ષક, વિવિધ વિભાગના કર્મચારી, એનસીસી સ્ટાફ, સો મિલના સભ્યો, વિવિધ યોજનાઓના લાભાર્થીઓ, વિદ્યાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

59.58 લાખ રોપાનું વિતરણ અને વાવેતર કરવામાં આવશે
ખેડા જિલ્લામાં વન વિભાગ હસ્તકની ૧૮ ખાતાકીય નર્સરીઓ, મનરેગા યોજના હેઠળની નર્સરીઓ, લોક ભાગીદારીથી લાભાર્થીઓ મારફત તૈયાર કરેલ નર્સરીઓ મળી કુલ ૫૯.૫૮ લાખ રોપા તૈયાર કરવામાં આવેલ છે. જેનું વિતરણ તથા વાવેતર કરવાનું ૭3મા વન મહોત્સવ હેઠળ આયોજન કરવામાં આવેલ છે. જે અતર્ગત તારીખ ૧૨ થી ૨૨ ઓગસ્ટ દરમિયાન મફત રોપા વિતરણની પ્રવૃતી તથા વૃક્ષરથ દ્વારા જુદા-જુદા ગામોમાં રોપ વાવેતરની કામગીરી કરવામાં આવશે.

ખેડા જિલ્લામાં ચાર ઠેકાણે નમો વડ વનનું લોકાર્પણ કરાશે
આઝાદીના અમૃત મહોત્સવ હેઠળ વન વિભાગ દ્વારા રાજ્યમાં «૭૫ નમોવડ વન» તૈયાર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે પૈકી ખેડા જીલ્લામાં કઠલાલ તાલુકાના પોરડા, ગળતેશ્વર તાલુકાના સરનાલ ખાતે આવેલ ગળતેશ્વર મંદિર, ઠાસરા તાલુકાના ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિર અને મહેમદાવાદ તાલુકાના સણસોલી મુકામે પણ આવા ૪-નમોવડ વનનું લોકાર્પણ કરવામાં આવશે. આ નમોવડ વનમાં, ૭૫ વડના રોપાઓનું વાવેતર કરવામાં આવશે.

Most Popular

To Top