Comments

પ્રામાણિકતા સારી બાબત છે, પણ જો તે કોઈને જીવાડી શકે નહીં તો લાચારીભરી પ્રામાણિકતાનો કોઈ અર્થ નથી

2002 માં અમદાવાદ સહિત ગુજરાતમાં વ્યાપક પ્રમાણમાં તોફાનો ફાટી નીકળ્યાં. અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પ્રશાંતચંદ્ર પાંડે હતા. નખશીખ પ્રામાણિક અને સજ્જન માણસ. મને તેમના પ્રત્યે આદર પણ ખરો. મારી છાપ પ્રમાણે  તેઓ સંવેદનશીલ પણ ખરા, પણ જયારે તોફાનો ફાટી નીકળ્યાં,અનેક કીડી મંકોડાની જેમ માણસો એકબીજાને મારી નાખવા લાગ્યા ત્યારે પ્રશાંતચંદ્ર પાંડે ખૂબ દુ:ખી થઈ ગયા. એક તબક્કે તેમણે પોલીસની નોકરીમાંથી રાજીનામું આપી દેવાનો પણ વિચાર કર્યો. તેમની વ્યથિત સ્થિતિ મેં જોઈ હતી.

હું પહેલા તબક્કામાં એવું માનતો હતો તોફાનની વિકરાળતા એટલી હતી કે પોલીસ કમિશનર પાંડે કંઈ કરી શકે તેમ ન્હોતા, પણ સમય પસાર થતાં મને સમજાયું કે મારી માન્યતા ભૂલભરેલી હતી. કોઈ પણ માણસ પ્રામાણિક હોય તે સારી બાબત છે. તેની સાથે અત્યંત વ્યકિતગત બાબત પણ છે, પરંતુ પ્રામાણિકતા તમને શકિતશાળી બનાવે છે, પણ જો પ્રામાણિકતા લાચાર બનાવી દે તો તેવી પ્રામાણિકતાનો કોઈ અર્થ નથી. ગુજરાત પોલીસમાં અમદાવાદના પોલીસ કમિશનરનું પદ બીજા નંબરનું પદ ગણાય છે.

જે પોલીસ કમિશનર થોડા મહિનામાં ગુજરાતના પોલીસ વડા થવાના હોય, પણ તે જો લાચાર અને પોતાને અસહાય સમજતા હોય તો ગુજરાતની પ્રજા કેવી રીતે સલામત રહી શકે. પ્રશાંતચંદ્ર પાંડે પ્રામાણિક પોલીસ અધિકારી હતા, પરંતુ તેમના કાર્યકાળમાં બિનસત્તાવાર આંક પ્રમાણે બે હજાર લોકોનાં મૃત્યુ થાય અને તેઓ આ તોફાનને અટકાવવાના પ્રયત્ન કરવાને બદલે પોતાને અસહાય સમજે તો તેમની પ્રામાણિકતાનો કોઈ અર્થ નથી. એક આઈપીએસ અધિકારીના કેપ, બેલ્ટ અને તેમના હાથમાં રહેલી લાઠી ઉપર અશોકસ્તંભ હોય છે.

આ અશોકસ્તંભ તમને લોકોના રક્ષણની જવાબદારી સોંપે છે. ગુજરાત પોલીસના નાના મોટા તમામ પોલીસ અધિકારીની કેપ ઉપર અશોકસ્તંભ હોય છે. અશોકસ્તંભ ધારણ કરવું બહુ મહેનત અને ગૌરવની વાત છે, કારણ દેશના વડા પ્રધાન અને મુખ્ય પ્રધાન પણ અશોકસ્તંભ ધારણ કરી શકતા નથી, ત્યારે વડા પ્રધાન અને મુખ્ય મંત્રી કરતાં પણ વધુ જવાબદારી જેમના માથા ઉપર અશોકસ્તંભ છે તેમની છે.

પરંતુ પાંડેજી માત્ર પ્રામાણિક છે તેના કારણે બે હજાર લોકો મરી જાય તે માટે તેમને માફ કરી શકાય નહીં. મેં 2002 નાં કોમી તોફાન બહુ નજીકથી જોયાં હતાં. અમદાવાદમાં એવા પોલીસ અધિકારીઓ પણ હતા, જેમની ઉપર અનેક પ્રકારની અપ્રામાણિકતાના આરોપ થઈ રહ્યા હતા, પણ જેવાં તોફાન શરૂ થયાં તેની સાથે આ અધિકારીઓને મેં રસ્તા ઉપર જોયા અને તોફાન કરનાર કયા ધર્મનો, કયા પક્ષનો છે તે જોયા વગર તેમણે કાયદો જે કહે તે પ્રમાણે કામ કર્યું હતું.

ત્યારના અમદાવાદના એડીશનલ પોલીસ કમિશનર શિવાનંદ ઝા એ અમદાવાદના પટવા શેરી વિસ્તારમાંથી કોમ્બીંગ ઓપરેશન કરી તોફાન કરનાર 70 મુસ્લિમ આરોપીને પકડયા હતા. પોલીસને ડર હતો કે તેમને છોડવા મુસ્લિમોનું ટોળું આવશે એટલે તમામ 70 મુસ્લિમ આરોપીઓને અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. સાબરમતી વિસ્તાર હિન્દુ વિસ્તાર છે. પોલીસ સ્ટેશનમાં મુસ્લિમોને લાવ્યા છે તેવા સમાચાર પ્રસરતાં હિન્દુઓના ટોળાએ પોલીસ સ્ટેશન ઘેરી લીધું. તેઓ માંગ કરી રહ્યા હતા કે આરોપીઓ અમને સોંપો, અમે હિસાબ કરીશું.

સાબરમતી પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ અધિકારીએ નિર્ણય કર્યો, આરોપી ભલે મુસ્લિમ હોય, પણ આપણી કસ્ટડીમાં રહેલા આરોપીનો જીવ બચાવવાનું કામ આપણું છે.ટોળું હિન્દુઓનું હતું. જો તેમની ઉપર બળપ્રયોગ થાય તો સરકાર નારાજ થવાનો પૂરો ભય હતો, પણ તત્કાલીન પોલીસ અધિકારીએ નિર્ણય કર્યો કે આપણી કસ્ટડીમાં રહેલા આરોપીને કંઈ થવું જોઈએ નહીં. તે પોલીસ સ્ટેશનની બહાર આવ્યા અને ટોળાને ચેતવણી આપ્યા પછી પણ ટોળું વિખરાયું નહીં અને તેમણે 303 રાયફલથી ફાયરીંગ કર્યું, જેમાં ત્રણ હિન્દુના મોત થયાં, પણ મુસ્લિમ આરોપીઓનો જીવ બચાવ્યો હતો. આવું જ અનેક અન્ય પોલીસ અધિકારીઓએ કર્યું હતું.

તેમણે આ વખતે એવો દાવો કર્યો ન્હોતો કે અમે પ્રામાણિક છીએ કે અપ્રામાણિક, પોલીસનું કામ રક્ષણ કરવાનું હોય છે. વાત માત્ર પોલીસની જ નથી, પ્રામાણિકતાની વાત નીકળે ત્યારે સમાજના નાના મોટા તમામ માણસોને આ વાત લાગુ પડે છે. આપણી પ્રામાણિકતા સારી બાબત છે, પણ પ્રામાણિકતા જયાં સુધી કોઈને જીવાડી શકે નહીં તેવી પ્રામાણિકતાનો અર્થ સરતો નથી. પ્રામાણિક હોવું અને સક્ષમ પણ હોવું એટલું જ જરૂરી છે. 2002 ના તોફાન વખતે ભાવનગરના એસ.પી. રાહુલ શર્મા હતા. પ્રામાણિક અને સક્ષમ પણ ખરા. તેમણે પોતાનું કામ પ્રામાણિકપણે કર્યું, જેના કારણે સરકાર નારાજ પણ થઈ, તેની તેમણે કિંમત પણ ચૂકવી. આખરે પોલીસ સેવામાંથી રાજીનામું આપી હાલમાં હાઈકોર્ટમાં પ્રેકટીસ કરે છે.

અમદાવાદના એક સિનિયર આઈપીએસ તેઓ આજે પણ પોતાને પ્રામાણિક રાખી શકયા છે. એક દિવસ તેમની સાથે વાત કરતાં તેમણે મને કહ્યું, પ્રામાણિકતા અત્યંત સૂક્ષ્મ છે. તેમણે મને કહ્યું, હું પોતે પ્રામાણિક છું તેવું કહી શકું નહીં. હું પૈસા લેતો અને પૈસા આપતો નથી તે વાત સાચી જ છે, છતાં હું પ્રામાણિક નથી. તેમણે ઉદાહરણ આપતાં કહ્યું કે મને સીગરેટ પીવાની ટેવ છે. હું રોજ સવારે ઓફિસમાં આવું છું ત્યારે મારા ઓફિસના ડ્રોવરમાં સીગરેટનું પાકિટ હોય છે. આ પેકેટની કિંમત 400 રૂપિયા છે, જે મારા પગારમાંથી હું આપતો નથી. મારો સ્ટાફ મારા કીધા વગર સીગરેટ મૂકે છે, તો આ પણ એક પ્રકારની અપ્રામાણિકતા જ છે.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top