Comments

કેરળના ડાબેરી શાસનને ગુજરાતમાંથી શું શીખવું છે?

કેરળના મુખ્યમંત્રી પિનારાચી વિજયને પોતાના રાજયમાં એક રાજકીય તોફાનની જામગરી ચાંપી છે. તેમણે પોતાના મુખ્ય સચિવ પી.પી. જોમને ગુજરાતમાં શાસનની ટેકનિક, ખાસ કરીને મુખ્ય મંત્રીની ઇ-ગવર્નન્સ ડેશબોર્ડ સિસ્ટમનો અભ્યાસ કરવા મોકલ્યા છે. તેનો અર્થ એ થયો કે તેઓ ગુજરાત મોડેલના લાભ સમજવા પોતાના પક્ષની વૈચારિક વાડ ઓળંગવા તૈયાર છે. ગુજરાત મોડેલનો અભ્યાસ કરવા માટેની વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ભલામણથી પ્રેરાઇને તેમણે આ કામ કર્યું છે કે નહીં તે આપણે જાણતા નથી કારણ કે આ બંને નેતાઓ શ્રેષ્ઠ કામચલાઉ સંબંધો માટે જાણીતા છે. પણ વિજયનના નિર્ણયે સર્જેલા વિવાદે માર્ક્‌સવાદી પક્ષને બચાવની સ્થિતિમાં મૂકી દીધો છે. વિજયન અમેરિકાના મિનેસોટામાં સારવાર લઇ રહ્યા હોવાથી માર્કસ્‌વાદી નેતાઓ તેના બચાવમાં બહાર આવ્યા છે. ગુજરાત સી.એમ. ડેશબોર્ડની રચના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાર્યકાળમાં થઇ હતી. કારણ કે મોદી સેવાના ઝડપી અમલ માટે ટેકનોલોજીના ઉપયોગમાં માને છે.

અત્યારે એવું ગણાય છે કે ઇ-ગવર્નન્સ 20 સરકારી વિભાગોના 3400 ઇન્ડિકેટરો, 740 વેબ સેવાઓ અને એપીઆઇ અને 183 ‘ઇ-ગવર્નન્સ’ એપ્લિકેશનમાં સારી કામગીરી કરી શકે છે. ઘણા મુખ્ય પ્રધાનોને આ ખૂબ અસરકારક સિસ્ટમ જુદા જુદા પ્રોજેકટોના અમલ પર દેખરેખ દાખવવા માટે તમામ ઇ-ગવર્નન્સ એપ્લિકેશન્સની માહિતી મેળવવા માટે અને ચાવીરૂપ કામગીરી ઇન્ડિકેટર્સ પર દેખરેખ રાખવા ખાસ ઉપયોગી છે. તે 20 સરકારી ક્ષેત્રના 3000 થી વધુ ઇન્ડિકેટરો વિવિધ ઇ-ગવર્નન્સ એપ્લિકેશનમાંથી રોજે રોજના ધોરણે પ્રાપ્ત કરે છે અને તમામ ચાવીરૂપ સહભાગીઓને એક જ મંચ પર ભેગા કરે છે જેને કારણે સમસ્યાનો ઉકેલ ઝડપી બને છે.

દિલ્હીમાં આપ સરકારે દાવો કર્યો હતો કે ‘શિક્ષણના દિલ્હી મોડેલ’નો અભ્યાસ કરવા કેરળ સરકારે વરિષ્ઠ અધિકારીઓને દિલ્હી મોકલ્યા હતા. આવા દાવાની પશ્ચાદ્‌ભૂમાં કેરળના મુખ્ય સચિવની ગુજરાત મુલાકાત છે. આપના ધારાસભ્ય આતિથ્ય માર્લેરાએ તસ્વીર સાથે દાવો કર્યો હતો કેરળમાંથી કેટલાક ‘અધિકારીઓ’ દિલ્હીના શિક્ષણના મોડલનો અભ્યાસ કરવા દિલ્હી આવ્યા હતા પણ કેરળના શિક્ષણ પ્રધાન વી. શિવાન્કુટ્ટીએ જાહેરમાં દાવાનો ઇન્કાર કર્યો હતો અને કહ્યું હતું કે ઉલ્ટાનું દિલ્હીમાંથી કેટલાક ‘અધિકારી’ઓએ કેરળ મોડેલનો અભ્યાસ કરવા કેરળની મુલાકાત લીધી હતી અને તેમને તમામ સહાય કરવામાં આવી હતી.

પણ પોતાની ગુજરાત મુલાકાત પછી કેરળના મુખ્ય સચિવે કહ્યું હતું કે ડેલબોર્ડ તેના પ્રકારનું પહેલ છે અને તેનાથી જાહેર સેવાઓના અમલ પર નજર રાખી શકાય છે અને લાભાર્થીઓના ત્વરિત પ્રતિભાવ પ્રાપ્ત કરી શકાય છે. મુખ્ય પ્રધાન જુદી જુદી યોજનાઓ અને પરિવહન, સ્ટ્રીટલાઇટ અને પીવાના પાણીની સવલતના રાજયમાં કોઇ પણ સ્થળે અમલ પર નજર રાખી શકાય છે. ગુજરાતમાં વિદ્યા સમીક્ષક કેન્દ્ર છે તેવું કેન્દ્ર કેરળમાં ઝડપથી બને તે જોવા હું આતુર છું. આનો અર્થ એ નથી કે કેરળ માહિતી- ટેકનોલોજી દ્વારા શાસનના ક્ષેત્રે પાછળ છે. અત્યારે કેરળમાં 53 વેબ સાઇટ સાથે જોડાયેલા 38 ખાતાઓમાં 471 ડેશબોર્ડના સમય દ્વારા આ અમલ પર દેખરેખ રાખવાની વ્યવસ્થા છે. આમાંની ઘણીનો તો અન્ય રાજયોએ પણ અમલ કરવા જેવો છે. દા.ત. કેરળના કોવિડ 19 ડેશબોર્ડને ભારતમાં ઘણાં રાજયોએ અપનાવ્યું હતું.

મોદીની જેમ વિજયન પણ વિચારસરણીના ભારમાં વધારો કર્યા વગર અન્ય રાજયોની શ્રેષ્ઠ રસમો પોતાના રાજયમાં અમલમાં માને છે. રાજકીય કારણસર કેરળના મુખ્ય પ્રધાન અને તેમનો પક્ષ ગુજરાત મોડલના પ્રશંસક સામે ભવાં કાઢે છે. 2013 માં માર્કસવાદી પક્ષે કોંગ્રેસની આગેવાની હેઠળની ગઠબંધન સરકારના કામદાર પ્રધાન શિબુ એબી જોહ્‌નનું કૌશલ્ય વિકાસ કાર્યક્રમ વિશે વધુ જાણવા અડધા દિવસની ગુજરાત મુલાકાત બદલ રાજીનામું માગ્યું હતું. 2009 માં મોદી ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમની પ્રશંસા કરવા બદલ માર્કસવાદી સંસદ સભ્ય અબ્દુલકુટ્ટીને પક્ષમાંથી હાંકી કઢાયો હતો.

પછી તે કોંગ્રેસમાં જોડાયો અને બે વાર ધારાસભ્ય બન્યો પણ તેને આ જ કારણસર ખદેડી મુકાયો હતો. હવે તે ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય ઉપપ્રમુખ છે. હવે વિજયન ભારતીય જનતા પક્ષના શાસન હેઠળના રાજય ગુજરાતમાંથી શાસન વિશે શીખવા માંગે છે ત્યારે કેરળમાં કેટલાકને આશ્ચર્ય થયું હશે તો કેટલાકનાં ભવાં ચડયાં હશે. પણ સહકારી સમવાયતાનું આ ઉત્તમ ઉદાહરણ છે. અલબત્ત કેરળમાં કોંગ્રેસ માર્કસવાદીઓ પર ડબલ ઢોલકી બજાવવાનો આક્ષેપ મૂકી શકે છે. તો ભરતીય જનતા પક્ષ રાજી પણ થાય. આખરે તો કેરળમાં બહેતર શાસન થાય તે માટે વિજયને કેટલીક રાજકીય મૂડીનું જોખમ ઉઠાવ્યું છે તેની પણ કદર થવી જોઇએ. તેઓ ચુસ્ત માર્કસવાદી છે પણ વૈચારિક રીતે અલગ રાજયમાંથી પણ તે અદ્યતન વહીવટી પધ્ધતિ અપનાવવા તૈયાર છે.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top