એક નગરમાં શેઠ શેઠાણીની મોટી હવેલી હતી. સારો વેપાર હતો અને ભર્યો પરિવાર હતો. આમ કોઈ વાતની કમી ન હતી અને આમ જાણે હંમેશા કૈંક ખૂટતું હોય તેવું લાગતું. હંમેશા પરિવારમાં ઝઘડા થતાં. વધુ પૈસા માટે હું વધારે કામ કરું છું એટલે પૈસા આવે છે તેવા અભિમાનને લીધે. આમ બધા સાથે હતા પણ માત્ર પોતાનો સ્વાર્થ જ જોતા. આ શેઠ શેઠાણીની હવેલીની પાછળ એક મજૂરનો પરિવાર રહેતો હતો.
પરિવાર મોટો હતો.બધા મહેનત કરતાં અને બે ટંક પૂરું થાય તેટલું કમાતાં અને સુખેથી સાથે મળીને ખીચડી કે રોટલા શાક ખુલ્લા આંગણામાં જમતાં. હંમેશા ત્યાંથી રાતે ગીતો ગાવાનો, હસવાનો અવાજ સંભળાતો. બધાં મહેનતથી થાકેલાં દેખાતાં પણ છતાં ચહેરા પર ખુશી જ દેખાતી. શેઠાણી રોજ આ જોઇને વિચારતા કે ત્યાં કઈ કેટલી કમી છે છતાં બધા ખુશ છે અને મારા ઘરમાં કોઈ કમી નથી છતાં બધા ખુશ ક્યારેય હોતાં જ નથી.
શેઠાણીએ શેઠને કહ્યું, ‘જુઓ મજૂરના ઘરમાં આપણા ઘર કરતાં વધારે ખુશી છે. આવું કેમ શક્ય બને? આપણી પાસે બધું જ છે છતાં બધા દુઃખી છે અને ત્યાં ઘણી કમી છે છતાં બધા ખુશ છે.’ શેઠ બોલ્યા, ‘શેઠાણી, તેનું કારણ છે પૈસાનું ભૂત …’ શેઠાણી બોલ્યા, ‘એટલે?’ શેઠ કહે, ‘ લે, આ ૯૯ સોનામહોર મજૂરને રસ્તામાંથી મળે તે રીતે મૂકી દેજે અને પછી શું થાય છે અઠવાડિયું ચુપચાપ બધું જોજે.’ શેઠાણી બોલ્યાં, ‘ઠીક છે ૯૯ સોનામહોર મળશે તો વધુ ખુશ જ થશે ને…’ શેઠ હસતાં હસતાં બોલ્યા, ‘પૈસા ભેગા કરવાનું ભૂત તેનું કામ કરશે…’ શેઠાણીએ મજૂરને ૯૯ સોનામહોરો રસ્તામાંથી મળે તેમ મૂકી દીધી અને પછી જોયું તો મજૂર સોનામહોર ભરેલી થેલી મેળવીને પહેલાં તો ડરી ગયો…પછી તેણે થેલી લઇ લીધી..ઘરમાં જઈને રોજ આંગણામાં જ બેસતો.
બૂમ પાડતો. બધાને બોલાવતો. જો કંઈ લાવ્યો હોય તો બધાને આપતો…વાતો કરતો પણ તેણે આજે થેલી લઈને અંદર જઈ બારણું બંધ કરી દીધું. થોડા દિવસ વીત્યા મજૂરના ઘરમાંથી મસ્તી,ગીતો ગાવાનો અને ભેગાં મળીને હસવાનો અવાજ બંધ થઈ ગયો. સાથે મળીને જમતાં પણ હવે તેઓ દેખાતા નહિ. થોડા દિવસમાં તો બધાના ચહેરા થોડા કરમાયેલા નબળા દેખાવા લાગ્યા.શેઠાણીએ બધી વાત શેઠને કરી. શેઠ હસ્યા અને બોલ્યા, ‘પૈસા ભેગા કરવાના ભૂતે તેનું કામ કરી દીધું.’
શેઠાણીએ કહ્યું, ‘કંઈ સમજાય તેવું બોલો ને…’ શેઠ બોલ્યા, ‘આ પૈસા છે ને એક ભૂતાવળ છે, જેને મળે તેને વધુ ને વધુ ભેગા કરવાનું ભૂત વળગે.પહેલાં મજૂર પાસે પૈસા ન હતા. મહેનતથી જે કમાતા તેઓ ખાઈને મોજથી રહેતા હતા પણ તે ૯૯ સોનામહોર આપી તે મેળવી પછી તેમને ભૂત ભરાયું કે હજી એક સોનામહોર નાખીને ૧૦૦ ભેગી કરી લઉં.પણ મજૂરીના પૈસામાંથી સોનામહોર કેમ મળે એટલે તેમણે નાના નાના આનંદ બંધ કર્યા એટલે ખુશી ગઈ…અરે પૈસા બચાવવા પૂરતું ખાવાનું પણ છોડી દીધું એટલે બધા નબળાં લાગે છે સમજી …’ શેઠાણી બોલ્યાં, ‘હું હમણાં જ ૧ સોનામહોર આપી આવું એટલે તેમનું દુઃખ દૂર થાય અને ફરી મોજથી જીવી શકે.’ શેઠ બોલ્યા, ‘હવે તે શક્ય નથી. પૈસા ભેગા કરવાનું ભૂત જેને વળગે તે બધી જ ખુશી કહીને માટે પૈસા ભેગા કરવા જ દોડે છે.’ જોજો , આવતી કાલ માટે વધુ ને વધુ પૈસા ભેગા કરવાના ભૂતને લીધે આપણે આજનો આનંદ ખોઈ નથી રહ્યા ને…