Madhya Gujarat

ઘર વિહોણા પરિવારોએ કાટમાળ વચ્ચે રાત વિતાવી

નડિયાદ: નડિયાદ નગરપાલિકા દ્વારા રિ-ડેવલપમેન્ટ માટે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી રાય તલાવડી પરના ગેરકાયદેસર દબાણો દૂર કર્યા હતા. અહીં વસતા ૧૪ જેટલાં કુટુંબોના માથેથી એકાએક છત છિનવાઇ ગઇ હતી. જોકે, આશરો તૂટ્યા બાદ પણ આ પરિવાર કોઇ વચલો રસ્તો તંત્ર દ્વારા કાઢી આપવામાં આવશે તેવી આસ રાખીને બેઠું છે. નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલી રાય તલાવડીને રિ-ડેવલપમેન્ટ માટે પસંદ કરવામાં આવી છે. અહીં વોક- વે ગાર્ડન બનાવવાની પાલિકાની યોજના છે. શહેરના તળાવોને રી-ડેવલપ કરી – ઉંડા કરીને તે નગરજનો માટે વધુ ઉપયોગી બને તે મુજબની કામગીરી કરવામાં આવી રહી છે.

જોકે, શહેરના અન્ય રિ-ડેવલપ થયેલા તળાવો પાસે કોઇ રહેણાંક મકાનો નહોતા, પરંતુ રાય તલાવડી પાસે ૧૪ જેટલાં પરિવારો વર્ષોથી વસવાટ કરતાં હતા. સરકારી ચોપડે આ પરિવારના સરનામા પણ બોલતાં હતા. જોકે, રિ-ડેવલપમેન્ટ માટે અનામત જગ્યા પર દબાણ હોવાથી પાલિકા દ્વારા સોમવારે દબાણો તોડી પાડવામાં આવ્યા હતા. જેને કારણે અહીં વસતાં પરિવારોએ આશરો ગુમાવ્યો હતો. ઘર તૂટ્યા પછીની પ્રથમ રાત્રિ અન્યત્ર જતાં રહેવાની જગ્યાએ આ પરિવારે ત્યાં જ કાટમાળ વચ્ચે વિતાવી હતી. મંગળવારે સવારે ફરીથી પાલિકાની ટીમ આવી હતી, પરંતુ રજાનો દિવસ હોવાથી સ્થાનિકોએ ટીમને પરત મોકલી હતી. પાલિકાની આ જગ્યા અનામત હોવાથી અહીંથી આ પરિવારોને જવું પડે તે નિશ્ચિત છે, પણ તંત્ર દ્વારા જ કોઇ વૈકલ્પિક વ્યવસ્થા હંગામી ધોરણે કરી આપવામાં આવે તેવી આશ પણ આ પરિવારના સભ્યો લઇને બેઠા છે.

બોરમાંથી મોટર પણ ન કાઢવા દીધી
પીવાના પાણીની સમસ્યા હોવાથી થોડા સમય પહેલાં બોર બનાવડાવ્યો હતો. દબાણના નામે ઘર તોડવા આવેલી પાલિકાની ટીમે બોરમાંથી મોટર પણ કાઢવા દીધી ન હતી. સામાન પણ કાટમાળ નીચે જ દબાઇ ગયો છે. – સુમિત્રાબેન
અંધારામાં જ રાત વિતાવી
પાલિકાની ટીમે અમારૂ મકાન તોડી પાડ્યું. અમારી પાસે રહેવા માટે અન્ય કોઇ જગ્યા ન હોવાથી અહીંયા જ રાત વિતાવી. વિજ કનેક્શન પણ કાપી ગયા હોવાથી અંધારામાં જ રાત વિતાવવી પડી હતી. પાંચ મહિનાનું બાળક પણ હેરાન થયું હતું. – વૈશાલીબેન, સ્થાનિક
હું કામ કરવા ગઇ અને પાલિકાએ ઘરવખરીનો સામાન અને અનાજ પણ નાખી દીધું
પાલિકાની ટીમ આવી ત્યારે હું ઘરે ન હતી. મજુરી કરવા ગઇ હતી. મારા ઘરમાંથી અનાજ, વાસણો,ઘરવખરીનો સામાન કાઢીને બહાર ફેંકી દીધો હતો. હું ઘરે આવી તે વખતે ઘર ખાલીખમ થતું હતું. – સખીબેન

Most Popular

To Top