Madhya Gujarat

ચરોતરના શિવાલયો હર હર મહાદેવ નાદથી ગુંજી ઉઠ્યાં

આણંદ : આણંદ – ખેડા જિલ્લામાં મંગળવારના રોજ શિવરાત્રીની ભાવભક્તિપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આણંદ શહેરના જાગનાથ, લોટેશ્વર, ઓમકારેશ્વર સહિતના શિવાલયોમાં મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી પડી હતી. વ્હેલી સવારથી દૂધાભિષેક સહિત શિવપુજા, શિવપાઠ, શિવ સ્તોત્ર, લઘુરૂદ્ર યજ્ઞ સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. મોડી રાત સુધી શિવમંદિરો ભક્તોની ભીડ રહી હતી. ચરોતરમાં કોરાના કાળ દરમિયાન તહેવારોને ગ્રહણ લાગી ગયું હતું. જોકે, બે વર્ષ બાદ કોરોનાનો ડર હળવો થતાં શિવરાત્રીની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આણંદ અને નડિયાદ શહેરના શિવાલયોમાં વ્હેલી સવારથી ભાવિકભક્તોની ભીડ જામી હતી. દરેક શિવાલયોમાં હર હર મહાદેવ, હર ગંગેના નાદ સાંભળવા મળ્યાં હતાં.

શિવ મંદિરોમાં વહેલી સવારે શિવ પુજા, મહામૃત્યુજય જંપ, ધ્વજારોહણ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. મોગર પાસે આવેલા મહાદેવના મંદિરે તથા વ્હેરાખાડી મંદિરમાં અમદાવાદ, વડોદરાના ભક્તો પણ દર્શન માટે આવ્યાં હતાં. ખેડા જીલ્લાના ગળતેશ્વર અને ઉંટકંઠેશ્વર મહાદેવ ખાતે વહેલી સવારથી શિવજીને રીઝવવા સમગ્ર રાજ્યમાંથી શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. મોડીરાત્રે તમામ શિવ મંદિરોમાં ચાર પ્રહરની મહા પુજાનું આયોજન કરવામાં આવ્યું હતું. આણંદ શહેરના અતિપ્રાચીન જાગનાથ મહાદેવમાં ભસ્મઆરતી, મંગળાઆરતી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયાં હતાં. આ શોભાયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી. લોટેશ્વર મહાદેવથી શિવજીની પાલખીયાત્રા નીકળી હતી.

નડિયાદ શહેર સહિત જિલ્લાભરના શિવ મંદિરો શિવનાદના જયકારા સાથે ગુંજી ઉઠ્યા હતા. શહેરના માઇ મંદિર,છાંગેશ્વર મહાદેવ, મોટા મહાદેવ, ચંદ્ર મૌલેશ્વર મહાદેવ, નિલકંઠ મહાદેવ સહિતના મંદિરોમાં વહેલી સવારથી જ શિવપૂજન માટે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. માઇ મંદિરમાં દ્વાદશ જ્યોર્તિર્લીંગનું પૂજન અને દર્શન માટે રીતસરની લાઇન લાગી હતી. હર હર મહાદેવ…. ના નાદે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. મંદિરમાં ખાસ લઘુરૂદ્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. સંધ્યા આરતીમાં પણ મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ આવી, શિવના ૧૨ સ્વરૂપોમાં એકાકાર થઇને ધન્યતા અનુભવી હતી. મંદિરોમાં પ્રસાદીરુપે ભાંગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

નદીનાથ મહાદેવ મંદિરના મંદિરે શિવરાત્રીના નિમિતે ભકતોનુ ઘોડાપુર
મહીસાગર જિલ્લાના કડાણા ડેમ પાસે આવેલ નદીનાથ મહાદેવના મંદિર  મંગળવારે શિવરાત્રીના દીવસે નિમિતે  નદીનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થ માટે ભારે સંખ્યાબંધ ભક્તો દર્શન કરવા માટે ઉમટ્યા હતા આમ કડાણાના દીવડા કોલોની થી 05 કિમીના અંતરે આવેલ ઘોડિયાર ગામે નદીનાથ મહાદેવ મંદિર શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે.

મહાશિવરાત્રી નિમિત્તે કલેશ્વરી માતાનો મેળો ભરાયો
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલ અને પુરાતન સ્મારકોથી ભરપૂર એવી કલેશ્વરી નાળમાં મહાશિવરાત્રીનો મેળો ભરાયો હતો જેમાં સ્થાનિકોએ નોંધપાત્ર સંખ્યામાં ઊમટી પડી મેળાનો લ્હાવો લીધો હતો.કલેશ્વરીની નાળ તરીકે ઓળખાતો ખાનપુર તાલુકાનો આ પ્રદેશ પર્યાવરણીય ખૂબ મહત્વ ધરાવે છે.શિલ્પ સ્થાપત્યનો અદ્ભૂત વારસો ધરાવતા આ સ્થળની જવાબદારી પુરાતત્વ હસ્તક છે.ત્યારે આ સ્થળે વર્ષમાં બે મેળા ભરાય છે.તરણેતરનો મેળો કાઠીયાવાડમાં લોક હૈયાને નચાવે છે.તેમ ગુજરાતમાં કવાંટનો ખેરનો મેળો , દાહોદ નો ગોળ ગધેડાનો મેળો તેવી જ રીતે કલેશ્વરીનો જન્માષ્ટમી અને શિવરાત્રીનો મેળો યોજાય છે. શિવરાત્રીના મેળામાં અલૈકિક પર્યાવરણીય દ્વશ્ય વચ્ચે નાના ભૂલકાઓથી માંડી વૃદ્ધો નોંધપાત્ર સંખ્યામાં ચારેકોરથી ઉમટી પડ્યા હતા મેળામાં ગ્રામીણો હોંકારા, કિકિયારી, બંસરીના સૂરોથી પુરાતન કલેશ્વરી માતાના સ્થાનકની નાળને છલકાવી દીધી હતી.કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે કડક પોલીસ બંદોબસ્ત જોવા મળતો હતો. ત્યારે બીજી તરફ આ ચાલુ વર્ષે કોરોના મહામારી ના કારણે પ્રજામાં ઉત્સાહ અને ઉમંગ જોઈએ  તેટલી માત્રામા જોવા મળતો ન હોતો.
કલેકટરે મોટા કુંભનાથ મહાદેવે પ્રાર્થના કરી
મહાશિવારાત્રીના પાવન પર્વે  ખેડા જિલ્લા કલેકટર કે.એલ.બચાણીએ નડિયાદ સ્થિત પૌરાણિક અને મધ્ય ગુજરાતના મીની સોમનાથ તરીકે શ્રધ્ધાળુઓમાં પ્રખ્યાત મોટા કુંભનાથ મહાદેવ ખાતે પૂજા અર્ચના કરી ખેડા જિલ્લાની પ્રગતિ અને નાગરિકોની સુખાકારી માટે પ્રભુ પાસે યાચના કરી હતી.

Most Popular

To Top