કોરોનાનું સંક્રમણ વધતા રાજ્યમાં તમામ પોલીસ કર્મીઓની રજાઓ રદ્દ

ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાનમાં લેતા તમામ પોલીસ (Police) અધિકારી અને કર્મચારીઓની રજાઓ (Holiday) રદ કરવાના રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાએ આદેશ કર્યા છે. આશિષ ભાટિયાએ કરેલા આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના સંક્રમણ ધ્યાને લઇ તમામ પોલીસ અધિકારી અને કર્મચારીઓની ખાસ અનિવાર્ય સંજોગો સિવાયની રજા મંજુર કરવા પર બીજો હુકમ ન થાય ત્યાં સુધી પ્રતિબંધ મુકવામાં આવે છે.

નાયબ પોલીસ અધિક્ષક કે તેથી ઉપલી કક્ષાના અધિકારીઓની અનિવાર્ય કારણોસરની રજા મંજુર કરવી જરૂરી જણાય તો કચેરી વડાના અભિપ્રાય સાથે રજા મંજુર કરવા અંગેની દરખાસ્ત ગાંધીનગર મોકલવાની રહેશે. વધુમાં જે પોલીસ અધિકારી-કર્મચારીઓ લાંબી રજા ઉપર છે, તેઓને જરૂરિયાત પૂરતી જ રજા ભોગવી બીજી રજા ટૂંકાવીને પાછા ફરજ પર હાજર થવા સુચના આપવામાં આવે છે.

એપ્રિલ મહિનામાં યોજાનારી PSIની શારીરિક પરીક્ષા મોકૂફ

કોરોનાની મહામારીના કારણે પી.એસ.આઈની શારીરિક ભરતી પ્રક્રિયા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી. જોકે પરીક્ષા હાલ મોકૂફ રાખવામાં આવતા લાંબા સમયથી તે માટે તૈયારી કરી રહેલા ઉમેદવારોને થોડો વધારે સમય મળી રહેશે.  પ્રર્વતમાન પરિસ્થિતીને ધ્યાને લઇ આ શારીરીક કસોટી હાલ પુરતી મોકૂફ રાખવામાં આવેલી છે. આ વાતની જાણકારી Ojas વેબસાઈટ પર આપવામાં આવી હતી અને હવે પછી નવો કાર્યક્રમ વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે.

 અંદાજે 4 લાખ ઉમેદવારો આ પરીક્ષા (Exam) આપવાના હતા. પી.એસ.આઈ કેડર ભરતી-2021ની વખતો વખતની સુચના માટે ભરતી બોર્ડની વેબસાઇટ https://psirbgujarat2021.in જોતા રહેવાની સલાહ આપવામાં આવેલી છે. ગુજરાત પોલીસમાં કુલ 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે. 

Related Posts